ભાઈ, હવે બહેનો પણ કરે છે સુથારકામ!

લાડકી

સાંપ્રત -પ્રથમેશ મહેતા

એક સમય હતો જ્યારે મહિલાઓ રસોડાની રાણી કહેવાતી. તેના સિવાય તેમનું અન્ય કોઈ જાણે કામ જ ન હોય, પણ આજે મહિલાઓ એવાં ક્ષેત્રોમાં સફળતા મેળવી રહી છે જેમાં કામ કરતી મહિલાની કલ્પના પણ કોઈને ન આવે. નાગપુરના વાઠોડા વિસ્તારમાં લોકો જ્યારે પોતાના ઘરમાં કોઈ ફર્નિચર બનાવવા કે રિપેર કરવા સુથારને બોલાવે અને કોઈ મહિલાનો પ્રવેશ થતો જુએ તો આશ્ર્ચર્ય પામી જાય છે. ૩૧ વર્ષની પ્રીતિ હિંગે એક કુશળ સુથાર છે જે ફર્નિચર બનાવે છે.
પ્રીતિ છેલ્લાં આઠ વર્ષોથી પોતાનો સુથારકામનો બિઝનેસ ચલાવે છે. તે ત્રણ દીકરીની મા છે.
જ્યારે તેણે સુથારી કામની શરૂઆત કરી હતી ત્યારે પોતાની દીકરીને લઈને કામ પર જતી હતી. ખૂબ લગન અને મહેનત સાથે તેણે બિઝનેસને આગળ વધાર્યો અને એક સફળ મહિલા ઉદ્યોગપતિ બની ગઈ.
પોતાના સફળ વ્યવસાયની કહાણી વર્ણવતાં પ્રીતિ કહે છે, ‘હું મારા પિતા પાસેથી આ કામ કરતાં શીખી હતી. મને પહેલેથી જ એ કામ કરવાં પસંદ છે જે માત્ર છોકરાઓનાં જ મનાતાં હોય. નાનપણથી હું કંઈ ને કંઈ બનાવ્યા કરતી હતી. મને આ કામ ખૂબ ગમે છે અને આ કામને કારણે હું મારી દીકરીઓને આગળ ભણાવી શકું છું.’
પ્રીતિના પતિ ડ્રાઈવરનું કામ કરે છે અને ઘરની જવાબદારીમાં પતિનો સાથ આપવા પ્રીતિને કંઈક કામ કરવાનો વિચાર આવ્યો. સ્વાભાવિક રીતે તેને સૌથી પહેલાં પોતાનું મનગમતું કામ યાદ આવ્યું.
તેણે કેટલાક મિત્રો અને ઓળખીતાઓના ઓર્ડર લેવાથી કામની શરૂઆત કરી. કામ ચાલી પડ્યું! પ્રીતિ કહે છે, ‘મેં આગળ વધીને ૨૦ડ્ઢ૩૦ ફૂટની એક દુકાન મહિને આઠ હજાર રૂપિયાના ભાડે લીધી અને કામ વધાર્યું. આ કામમાં મારા પતિ અને પિતા બંનેએ મને પૂરો સાથ આપ્યો.’
પ્રીતિ રોજ સવારે ઘરનું બધું કામ પૂરું કરીને કામ પર જાય છે. આસપાસના વિસ્તારમાં એની ફર્નિચરની દુકાન સૌથી મોટી છે અને તેની પાસે ગ્રાહકોની ભીડ હોય છે. કોરોના સમયે મંદી આવી ગઈ હતી એટલે બિઝનેસની બારીકી શીખવા તેણે ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવેલપમેન્ટમાં પંદર દિવસની વર્કશોપમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ, સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યો છે.
અત્યારે તો પ્રીતિને લગ્નગાળામાં સારા ઓર્ડર મળી રહ્યા છે. તેના સફળ બિઝનેસમાં હવે તે બે લોકોને કામ પણ આપી રહી છે. અત્યાર સુધી કરેલી કમાણીમાંથી નાગપુર પાસે એક ગામમાં જમીન ખરીદી છે, જ્યાં જલદી પોતાનો શોરૂમ શરૂ કરવાની છે.
વર્ષો સુધી પુરુષપ્રધાન કાર્યક્ષેત્રમાં મહિલાઓ આગળ નહોતી આવતી, તેમાં પ્રીતિ પગ મૂકીને એક સફળ બિઝનેસની મલિક બની છે. તેની આ કહાણી ઘણી મહિલાઓને પ્રેરણા આપશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.