ભરૂચમાં જાણીતા બિલ્ડરના ઘરમાંથી એક કરોડ રોકડાની ચોરી

આપણું ગુજરાત

ભરૂચમાં જાણીતા બિલ્ડરના ઘરે તસ્કરોએ ૧ કરોડ રોકડાની ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના બનતા પોલીસ પણ ચોકી ગઈ છે. બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શનાર્થે ગયા હતા ત્યારે તસ્કરો ઘરની તિજોરીમાં મુકેલા ૧ કરોડ રોકડા ઉપાડી ગયા હતા. ઘરે પરત ફરેલા પરિવારે ઘરમાં સમાન વેરવિખેર નજરે પડતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘર અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકઠા કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ભરૂચના જાણીતા બીલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે ગત ૧૨મી જૂનના રોજ કુળદેવીના દર્શન કરવા મોઢેરા અને ત્યાર બાદ અંબાજી ગયા હતા. ત્યાર બાદ ૧૪મી જુનના રોજ વહેલી સવારે પરત ફરતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં સમાન વેરવિખેર જણાતાં ઘરમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું સ્પષ્ટ જણાતું હતું. તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરીનો લોક તોડીને અંદર રહેલા રોકડા રુપિયા ૧ કરોડ ૩ લાખ ૯૬ હજાર ૫૦૦ ની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા.
આટલી મોટી રકમની ચોરીના બનાવની પરિવારે પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બિલ્ડરના નિવાસસ્થાને દોડી આવ્યા હતા. ભરૂચ સી – ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહીત ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ લઈ તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.