ભરતનાટ્યમ્ અને હિપ-હોપનું ફ્યુઝન વિચાર્યું છે ક્યારેય?

લાડકી

સાંપ્રત -દીપ્તિ ધરોડ

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ લોકો દેશના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચવા માટે સક્ષમ બની ગયા છે. આજે આપણે અહીં વાત કરીશું એક એવી જ પ્રતિભા વિશે કે જેેણે સોશિયલ મીડિયાનો સહારો લઈને લોકોને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આખી ઘટના વિસ્તારથી જાણવા માટે આપણે પહોંચી જવું પડશે પેરિસ ખાતે અને મળવું પડશે કોરિયોગ્રાફર-ડાન્સર ઉષા જેને…
ઉષા જેએ ઈન્સ્ટાગ્રામ પર ક્લાસિકલ ડાન્સ ફોર્મ ભરતનાટ્યમ્ અને મોડર્ન ડાન્સ હિપ-હોપ એમ બંનેને મિક્સ કરીને એક ફ્યુઝન પીસ તૈયાર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ઉષાની કળાને એક નવા જ આયામ પર પહોંચાડી દીધી છે. લોકો સોશિયલ મીડિયા પર તેનાં વખાણ કરતાં થાકતા નથી અને ઉષાએ પોતાના આ સ્પેશિયલ પર્ફોર્મન્સને ‘હાઇબ્રિડ ભારતમ’ એવું નામ આપ્યું છે. આ વીડિયોમાં એક જ ક્ષણમાં તે હિપ-હોપના લોકિંગ-પોપિંગ સ્ટેપ્સ કરે છે અને બીજી જ ક્ષણે તે ભરતનાટ્યમ્ની જુદી જુદી મુદ્રાઓ કરતી દેખાય છે.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં ઉષાની સાથે અન્ય બે ડાન્સર મીઠુજા અને જનુષા પણ જોવા મળે છે અને અત્યાર સુધી ૩૯ લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. કોમેન્ટ બોક્સમાં તેમના આ ડાન્સ ફ્યુઝન માટે ભરપૂર વખાણ પણ થઈ રહ્યાં છે. પર્ફોર્મન્સ માટે તેમણે અમેરિકન રેપરના વર્ષ ૨૦૧૮ના હિટ સોન્ગ ‘અપરોર’ની પસંદગી કરી છે. ડાન્સ કરતી વખતે તમિળ-શ્રીલંકન ભરતનાટ્યમ્ ડાન્સરે ખૂબ જ ઝડપથી પોતાના વ્યક્તિત્વ અને એક્સપ્રેશનમાં બદલાવ કર્યા છે, જે ખરેખર અઘરું છે. વીડિયો પોસ્ટ કરીને ઉષાએ કેપ્શનમાં લખ્યું છે કે ‘ભરતનાટ્યમ્ અને હિપ-હોપ બંનેની પોતાની એક અલગ અલગ સ્પેશિયાલિટી છે અને મને પર્સનલી આ બંને ફોર્મ ખૂબ જ પસંદ છે. બંને ડાન્સ હું શીખું છું અને ડાન્સ માટે મને પહેલાંથી જ એક આદર રહ્યો છે.’
ડાન્સ એ કંઈ ખાવાના ખેલ નથી અને એમાં પણ જ્યારે વાત ભરતનાટ્યમ્ની થઈ રહી હોય ત્યારે તો ખાસ, કારણ કે આ ડાન્સ ફોર્મ ભારતના સૌથી મુશ્કેલ નૃત્યમાંથી એક છે અને તેને વધુ જટિલ અને અઘરું બનાવે છે મુદ્રાઓ અને શૈલીઓ… આ ડાન્સ શીખવા માટે વર્ષોની પ્રેક્ટિસ અને મહેનત માગી લે છે. હવે તમે જ વિચારો કે આટલા અઘરા ડાન્સ ફોર્મ સાથે કોઈ બીજા ડાન્સ ફોર્મને મિક્સ કરીને એક સ્પેશિયલ પર્ફોર્મન્સ તૈયાર કરવું કેટલી જદોજહેમતનું કામ હશે? લોકો ખુદ આ એક્સપરિમેન્ટ જોઈને અશ્ર્ચર્યચકિત થઈ ગયા છે અને તેઓ ઉષાને પૂછી રહ્યા છે કે આખરે તેણે કઈ રીતે આ શક્ય કરી દેખાડ્યું?
પેરિસમાં જન્મેલી અને ઊછરેલી ઉષા જે મૂળ તો જાફનાના શ્રીલંકન-તમિળ પરિવારમાંથી આવે છે અને વર્ષ ૧૯૯૦માં શ્રીલંકામાં ૨૬ વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધને કારણે માતા-પિતાએ દેશ છોડી દીધો હતો.
ઉષાને બાળપણથી જ તેમની પરંપરાઓ અને સંસ્કૃતિને જાણવાની ઇચ્છા હતી અને એ ઈચ્છા સાથે જ તે મોટી થઈ હતી. પેરિસમાં પહેલાંથી જ હિપ-હોપ એક પોપ્યુલર ડાન્સ ફોર્મ છે અને ભારતમાં ભરતનાટ્યમ્… બસ એ જ કારણ છે કે આ બંને ડાન્સ ફોર્મને એક સાથે પર્ફોર્મ કરવાનો વિચાર ઉષાને આવ્યો. વાતનો દોર આગળ વધારતાં ઉષા જણાવે છે કે ‘મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે હું પહેલી જ વખત મારા મિત્ર સાથે ડાન્સ ક્લાસમાં ગઈ હતી.
મિત્રને એટલા માટે સાથે લઈને ગઈ હતી, કારણ કે હું એકલી ડાન્સ ક્લાસ જઈ શકું એમ નહોતી. થોડા દિવસ બાદ મારા મિત્ર જયને ખ્યાલ આવી ગયો કે ડાન્સ જ મને સુખ અને સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે અને પછી તો હું પેરિસના કોરિયોગ્રાફર કેનન ઘેટો પાસેથી નૃત્ય શીખી
અને એક પ્રોફેશનલ ડાન્સર બનવાનું નક્કી
કરી લીધું.’
થોડાં વર્ષો પહેલાં ઉષાએ ફરી એક વાર પોતાની સંસ્કૃતિને નજીકથી જાણવાનું અને સમજવાનું નક્કી કર્યું. બાળપણથી જ ઘરમાં તમિળ ફિલ્મો જોવાતી અને આ ફિલ્મો જોઈ જોઈને જ તેણે ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું. પછી તો ઘરે જે કોઈ પણ આવે સગાં-સંબંધી, મિત્રો તેમની સામે એ આ જ રીતે ડાન્સ પર્ફોર્મ કરતી. ૨૦ વર્ષની ઉંમરે ઉષાએ ભરતનાટ્યમ્ શીખવાનું નક્કી કર્યું અને ગુરુ અંતુશા ઉથયકુમારી પાસેથી થોડાં વર્ષો સુધી ભરતનાટ્યમ્ નૃત્ય શીખી.
પેરિસમાં તેણે હિપ-હોપના ક્લાસીસ તો લીધા જ હતા. ઉષાને એ વાતનો અહેસાસ થયો કે ભલે મારો ઉછેર ફ્રાન્સમાં થયો હોય, પણ મારાં મૂળ તમિળ અને તમિલિયન સંસ્કૃતિ સાથે જોડાયેલાં છે અને આ જ તેની ઓળખ છે. બસ, હવે તે પોતાની રીતે આખી દુનિયા સમક્ષ તેને રજૂ કરવામાં લાગી ગઈ છે.
ખરેખર ઉષા જેવા લોકો જ છે કે જેઓ વિદેશમાં પણ પોતાના દેશ, સંસ્કારો અને એક નાનકડા ભારતને ધબકતા રાખે છે…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.