ભગવાનનું અવતરણ અને દિવ્યભાવ

ધર્મતેજ

ગીતા-મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં આપણે વાંચ્યું કે સર્વ શક્તિમાન એવા પરમાત્માની પ્રાપ્તિ જ પારસમણિ છે. હવે આ અંકમાં ભગવાન શ્રીકૃષ્ણ પરબ્રહ્મના પૃથ્વી પરના મનુષ્યસ્વરૂપને દિવ્યભાવથી ઓળખવાની સંજીવની બતાવે છે.
ગીતા કહે છે –
અર્થાત્ મૂઢ લોકો મને સામાન્ય મનુષ્યની જેમ જ જુએ છે. તેઓ મારા પરાત્પર સ્વરૂપને જાણતા નથી.
ગીતામાં પૂર્વે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધે છે અને ધર્મની અધોગતિ થાય છે ત્યારે મનુષ્યના કલ્યાણ માટે અને ધર્મની સ્થાપના માટે હું અવતાર ધારણ કરું છું.
સમગ્ર જગતની ઉત્પત્તિ, પાલન અને પ્રલય પરમાત્માને આધીન છે અને એમની ઇચ્છા વગર એક તરણું પણ હલી શકતું નથી. એવા પરમ શક્તિમાન પરબ્રહ્મ સદા સાકારરૂપે આપણા નયનગોચર થાય છે. પૃથ્વી ઉપર પ્રગટ થાય છે.
સાકાર સૃષ્ટિની રચના કરનાર પરમાત્મા નિરાકાર કેવી રીતે હોઈ શકે? પણ શું એ સાકાર પરમાત્માને ઓળખવા માટે મનુષ્ય સક્ષમ છે? આપણે શાસ્ત્રોનો અભ્યાસ તો ઘણો કરીએ છે કે જેથી ભગવાનના સ્વરૂપને અને ભગવાનની લીલાઓને જાણી શકીએ પણ જ્યારે ભગવાન સાક્ષાત્ અવતાર ધારણ કરે છે ત્યારે એ સાકાર સ્વરૂપને યથાર્થ ઓળખવામાં આ જીવ થાપ ખાઈ જાય છે.
ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે કે રાવણ પોતે એક ઉપાસક હતો છતાં ભગવાન રામે મનુષ્ય અવતાર ધારણ કર્યો ત્યારે રાવણ એ દિવ્ય સ્વરૂપને ઓળખી ના શક્યો. વેર અને બદલાની પ્રબળ ભાવનાને લીધે કંસ કૃષ્ણભગવાનના દિવ્ય સ્વરૂપને સમજી ના શક્યો.
શ્રદ્ધાની દીવાદાંડી વગર માનવી સાક્ષાત પરમાત્માના સ્વરૂપને ઓળખવામાં કાચો પડે છે. મનુષ્યરૂપે અવતાર ધારણ કરી ભગવાન પોતે સામે આવીને ઊભા રહે તો પણ આ જીવ એવો છે કે એને વિશ્ર્વાસ ના આવે અને તર્ક-વિતર્કના અનેક પ્રશ્ર્નો એના મગજમાં ઊભા થઈ જાય છે.
જો કે પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી જીવ એટલે મનુષ્ય. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોઈ હોય તો એ મનુષ્ય. અનેક સંશોધન કરી દુનિયામાં પોતાનું નેતૃત્ત્વ અને આધિપત્ય સ્થાપનાર જો કોઈ હોય તો એ મનુષ્ય. પણ જ્યારે પરમાત્માની વાત આવે ત્યારે આ બુદ્ધિશાળી જીવ સાક્ષાત્-સ્વરૂપને ઓળખી નથી શકતો, એ નિર્વિવાદ છે.
બહારથી જોવા જઈએ તો મનુષ્ય અને આ જગતની સતત ઊર્ધ્વગતિ થતી જોવા મળે છે પણ જરા જંપીને અંદરથી જોવા જઈએ તો ડિજિટલ લાઇફ જીવતા મનુષ્યની શાંતિના માર્ગે અધોગતિ જોવા મળે છે. શાસ્ત્રો સમજાવે છે કે કર્મોને આધારે આ જીવ સતત જીવન અને મૃત્યુની સફર કર્યા કરે છે પણ જ્યારે પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપને ઓળખી એની ભક્તિ કરે છે ત્યારે જ આ જીવ મોક્ષના પરમ પદને પામે છે.
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે એમનાં પુસ્તક પરાત્પરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેની એમની આધ્યાત્મિક સફરની વાત રજૂ કરી છે.
ડૉ. અબ્દુલ કલામે જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામીમહારાજ પાસે યોજનાની રજૂઆત કરી ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ભારતના ઉત્થાન માટેના પાંચ ક્ષેત્રોમાં છઠ્ઠું ક્ષેત્ર “ભગવાનમાં શ્રદ્ધાનું” ઉમેરાવીને એટલે કે આધ્યાત્મિકતા દ્વારા લોકોનો વિકાસ કરવાનો રાહ ચીંધ્યો.
આધુનિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિકતાના માર્ગે પણ પ્રગતિ થાય તો જ આ મનુષ્ય જન્મની સાર્થકતા કહેવાય. આધુનિકયુગમાં આધ્યાત્મિકતાનો માર્ગ કઠિન હોઈ શકે પણ જ્યારે પ્રગટ પરમાત્મસ્વરૂપના સાંનિધ્યમાં આ જીવ જોડાય છે ત્યારે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આ જીવ બ્રહ્મરૂપ થઈ મોક્ષની પરમ ગતિને પામે છે.
અર્જુન બધી જ રીતે એક અજોડ ધનુર્ધર હતો પણ છતાં શ્રીકૃષ્ણ ભગવાનને યથાર્થ ઓળખી શકે તે માટે જ્યારે ભગવાને દિવ્યચક્ષુ આપ્યાં ત્યારે એ જ્ઞાન દ્વારા અર્જુને ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપને જોયું.. પણ અર્જુન ભય પામે છે. તેણે પ્રાર્થના કરી કે “ભગવાન આપ પાછા આપના મનુષ્ય-સ્વરૂપમાં આવો.
એક વાત તો સ્પષ્ટ સમજાય છે કે, ભગવાન મનુષ્યના કલ્યાણ માટે જ પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કરે છે. પરંતુ સાક્ષાત પરમાત્માને જોવા માટે જે દિવ્ય-ચક્ષુ અને જ્ઞાન હોવું જોઈએ. અન્યથા ભગવાનને પણ કેવળ સામાન્ય માનવી જેવા સમજી લેવાય છે. જો કે મનુષ્ય ધારે તો પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કરનાર પ્રગટ સ્વરૂપ ને ચોક્કસ પામી શકે છે. પ્રગટ ગુરુના દિવ્ય કૃપાચક્ષુથી અને નવધા ભક્તિના જ્ઞાનથી એ પ્રગટ સ્વરૂપની પ્રાપ્તિના આનંદને માણી
શકે છે. (ક્રમશ:) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.