બ્રેસ્ટની સાઇઝ વધારવાનો કોઇ ઉપાય ખરો?

લાડકી

કેતકી જાની

સવાલ : મારાં લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. જયારે લગ્ન કર્યાં ત્યારે પતિને કોઇ પ્રોબ્લેમ નહોતો, પણ હવે તેમને મારાં સ્તન નાનાં લાગે છે. રોજ રાતે એકાદવાર જાણે અજાણે આ વાતનો ઉલ્લેખ તેઓ અચૂક કરે અને તે વખતે મને બહું દુ:ખ થાય છે. કયાંક બહાર ગયા હોય ત્યારે પણ મારાં કરતાં મોટાં સ્તનવાળી સ્ત્રીઓ તરફ નિર્દેશ કરી મને કહે કે તે કેટલી સરસ લાગે છે. મારી એક મિત્રના કહ્યાં મુજબ હું બ્રેસ્ટ વધારવા માટે જ આઠ મહિનાથી કોટ્રાસેપ્ટિવ દવા વાપરું છું, તેને લેવા બાદ સ્તન જાતે વધ્યાં હતાં. પણ મારે હજી વધ્યાં નથી તો હું શું કરું? સર્જરી કરાવવા જેટલા પૈસા નથી. વગર સર્જરી સ્તન મોટાં દેખાય તેવા ઉપાય ખરાં?
જવાબ: બહેન, તમારાં કેસમાં સૌપ્રથમ જેનો ઉલ્લેખ અનિવાર્ય છે તે એ કે, મહેરબાની કરી બર્થ કંટ્રોલ પિલ્સ-કોન્ટ્રાસેપ્ટિવ દવા તમારે ખરેખર બાળક ના જોઇતું હોય તેવું હોય તો જ ખાવ. બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે તેનો ઉપયોગ કરતાં હોય તો તાત્કાલિક ધોરણે તે બંધ કરો. હાર્મોન્સ બેઝ્ડ ગર્ભનિરોધક દવાઓનું મુખ્ય કામ અણચાહ્યા ગર્ભથી સ્ત્રીઓનું રક્ષણ
કરવાનું છે.
મુખ્ય ઘટક જ હાર્મોન્સ હોવાથી તેના ઉપયોગથી જે તે સ્ત્રીમાં હાર્મોન્સની ઉથલપાથલ સહજ છે, આ પ્રક્રિયાની મુખ્ય અસર ગર્ભરોધન છે પણ બાકી દવાની જેમ જ આની સાઇડ ઇફેક્ટસ હોય જ છે. આ સાઇટ ઇફેક્ટમાં સ્તનનો આકાર મોટો થવો એ પણ અન્ય અનેક સાઇડ ઇફેક્ટમાંથી એક છે. પણ સ્તનનો આકાર બદલાવો માત્ર સંભવિત સાઇડ ઇફેક્ટ છે, તે વાત મગજમાં નોંધી લો. તે બધામાં થાય જ તે જરૂરી નથી. જેમ કે તમારી મિત્રના કેસમાં તે થઇ તમારાં કેસમાં ના થઇ, કારણ કે તેનું મુખ્ય કામ અલગ છે. સ્તન વધવાની ગેરંટી નથી, ગર્ભ ના રહે તેની ગેરંટી હોઇ શકે. તમે બાળક ઇચ્છતા હોય તો માત્ર પતિના ભ્રામિક સુખ માટે કોન્ટ્રાસેપ્ટિવ ચાલુ ના રાખો. તમે જેવા છો તેવા જ જેટલા છે તેટલા જ સ્તન સાથે સુંદર છો તેવું તમે માનો છો? આ જવાબ ‘હા’ હોય તો તમારાં માટે આસાન છે. તમારાં પતિને પણ તે માનતા કરવાનું. પણ જો જવાબ ‘ના’ હશે તો સૌપ્રથમ તમારે મનથી વિચારવાનું કે લગ્ન વખતે પ્રોબ્લેમ નહોતો તો હવે આમ કહેવાનું કારણ? તમે તો એ જ છો બદલાયું કોણ? તમે શા માટે તેમની માનસિકતા બદલ દુ:ખી થાવ? સૌથી મોટી વાત જગતભરના સેકસોલોજિસ્ટ માને છે કે સ્તનની સાઇઝ કોઇપણ યુગલનો તંદુરસ્ત જાતીય જીવનાનંદ લેશમાત્ર ઓછો કરતી નથી. તો પછી તમારાં પતિ શા માટે આ વાતનો ઉલ્લેખ કરી તેમને પરેશાન કરે છે? જો તમે કોઇ અન્ય પુરુષ તરફ નિર્દેશ કરી કહો કે તે પુરુષ કેટલો હેન્ડસમ લાગે છે ને? તો તેનો પ્રત્યુત્તર કેવો હશે? અહીં આ સવાલો રૂપે તમને થોડાં વિચાર બીજ આપ્યા છે, આવા અગણિત સવાલો તમે વિચારી શકો. તમારી ખુશીઓ, તમારું સ્વાભિમાન વગેરેનું શું? માત્ર તમારી જ જવાબદારી તમારા પતિને ખુશ રાખવાની? તેની ફરજ નથી તમારી કાળજી કરે? તમને ખુશ રાખે? આગળ કેટલાંક ઉપાયો છે. જેનાથી સ્તન મોટા હોવાનો આભાસ ઊભો કરી શકાય, કેટલીક એક્સસાઈઝ રેગ્યુલર રીતે કરો તો લાંબેગાળે બ્રેસ્ટ સાઇઝમાં થોડો વધારો પણ થાય પરંતુ આ બધા વચ્ચે તમારી આજનું શું? તમે કોઇ જ વાંક-ગુના વગર શા માટે દુ:ખી થાવ? માટે જ સૌપ્રથમ મનથી સુખી / પ્રફુલિત થવા તૈયાર થાવ. આખો દુ:ખી સિનારીયો તમારાં પતિએ ઊભો કર્યો છે, તેની
સજા માત્ર તેને જ મળવી જોઇએ તમને નહીં. ખૈર, હવે વાત તમે શું કરી શકો જેથી સ્તન મોટા દેખાય તેની કરીએ.
સોફટ-સીઝ પુશઅપ બ્રા, ક્રીસેન્ટ શેવના પેડસ બ્રામાં મૂકવા, અંદર ઓરિજિનલ સાઇઝથી એક ઓછી સાઇઝની બ્રા પહેરી ઉપર ઓરિજીનલ સાઈઝથી ત્રણ વધુ સાઈઝ એમ બે બ્રા પહેરવી, ઉપરના છાતીને ઢાંકતા ભાગમાં હોરિજોન્ટલ સ્ટ્રીપ્સ વાળી લાઇન્સ કે તેવી ડિઝાઇનના કપડાં પહેરવા ઉપરાંત તેમને ઝૂકીને ચાલવા-બેસવાની આદત હોય તો તેને સુધારી પીઠથી ટટ્ટાર બેસી પોશ્ર્ચર સુધારવા માત્રથી ક્યારેક બ્રેસ્ટ મોટી લાગે છે. આ થઇ માત્ર બહારથી ધ્યાન રાખી સ્તન મોટા હોવાનો ભ્રમ ઊભો કરવાની હવે વાત એકસસાઈઝની જેના દ્વારા તમે જો નિયમિતપણું રાખશો તો હંમેશ માટે સ્તન મોટાં થાય તેવું બની શકે.
ડબલ બેંચ પ્રૈસ અઠવાડિયે બેવાર દસ વખત રિપિટેશન સાથે બે-ત્રણ સેટ કરવા પુશ અપ્સ અઠવાડિયે બેથી ત્રણવાર કે જેટલાં ફાવે તેટલાં રોજ કરવાથી લાંબાગાળે નિશ્ર્ચિત ફાયદો થશે. ફલાય લિફટ પંદર ફલાય લિફટના બે સેટ અઠવાડિયે ત્રણ-ચાર વખત. આ ઉપરાંત રોજેરોજ સમતોલ આહાર સાથે પોઝિટિવ વિચારસરણી તમારાં માટે જરૂરી છે. તમે ખોટી વાત માટે દુ:ખી થઇ રહ્યાં છો તે અહેસાસ તમને થવો જરૂરી છે, તે થાય તે માટે સ્વજાગૃતિ કેળવો.
આ થયા બાદ તમે હિંમતથી તમારા પતિને કહેજો કે મારાં સ્તનની સાઇટ તો બરાબર જ છે તમારા મનની મોટાશ અને બુદ્ધિની સાઇઝ વધારવાની જરૂર છે, અસ્તુ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.