બ્રેવો ઇન્ડિયન આર્મી: 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકને બચાવી લીધું

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના દુધાપુર ગામમાં એક દોઢ વર્ષના બાળકને બોરવેલમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. ભારતીય સેનાની ટીમે મંગળવારે રાત્રે શિવમને બચાવી લીધો હતો અને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનને મદદનીશ પોલીસ અધિક્ષકનો ફોન આવ્યો હતો જેમાં દુધાપુર ગામમાં એક સાંકડા બોરવેલમાં પડી ગયેલા એક શિશુને બચાવવા વિનંતી કરવામાં આવી હતી.
ફોન આવ્યા બાદ એક ક્વિક રિએક્શન ટીમ 10 મિનિટમાં સક્રિય થઈ હતી અને આવશ્યક સાધનો સાથે વાહનમાં સ્થળ પર દોડી ગઈ હતી. શિવમ 300 ફૂટ ઊંડા કૂવામાં જમીનની સપાટીથી લગભગ 20-25 ફૂટ નીચે અટવાઈ ગયો હતો. તેના નાક સુધી પાણીનું સ્તર પહોંચી ગયું હતું; ઉપરથી બાળકનો રડવાનો અવાજ સંભળાતો હતો જેનાથી ખાતરી થઇ હતી કે અત્યાર સુધી બધુ ઠીક છે.
ટીમે ચતુરાઈથી મેટાલિક હૂકમાં ફેરફાર કર્યો અને તેને મનીલા દોરડાથી બાંધીને બોરવેલ નીચે મોકલી દીધો. થોડીવારમાં, હૂક બાળકના ટી-શર્ટમાં ફસાઈ ગયું અને દોરડું ધીમે ધીમે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું. બચાવી લેવાયેલા બાળકને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત સ્થિર છે.
આ કાર્ય માટે લોકો ઇન્ડિયન આર્મીની પ્રશંસા કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.