બોલે તેનાં બોર લૂંટાય

ઉત્સવ

કેન્વાસ – અભિમન્યુ મોદી

ઓફબીટ અને એબ્સોર્બિંગ સારી ફિલ્મો આપણે ત્યાં બહુ ચાલતી નથી. (જોકે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ન ચાલી એમાં ફિલ્મનો જ વાંક છે!) અને માટે જ એવા અલગ ફિલ્મ બનાવવાનું જોખમ લેવાવાળા ઓછા હોય છે. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદની એક કોલેજમાં ચાર ઓલરેડી રિલીઝ્ડ હિન્દી મૂવીઝનું સ્ક્રીનિંગ હતું અને એ ચારેયના ડાયરેક્ટર પણ આવેલા. પોટાના કાયદા હેઠળ ધરપકડ થયેલી નિર્દોષ વ્યક્તિઓનો કેસ લડનાર શાહિદ આઝમીનું ૨૦૧૦માં ફક્ત ૩૨ વર્ષની વયે ખૂન થઇ ગયું. એ વકીલની જિંદગી પર રિયાલિસ્ટિક અને સારી બાયોપિક ફિલ્મ ‘શાહિદ’ બનાવનાર હંસલ મેહતા પણ આવેલા. એમણે એક દુ:ખ થાય એવી, પણ ભારતમાં હવે જરાય આશ્ર્ચર્ય ન પમાડે એવી સત્યઘટના કહી.
તે વાત મુજબ એક જાણીતા હિન્દી દિગ્દર્શકે શોર્ટ ફિલ્મ બનાવી હતી, ઘણાં વર્ષો પહેલાં. મરાઠી ભાષામાં. એવી કંઈ જોરદાર ફિલ્મ નહોતી. એ રિલીઝ થયાનાં પાંચ અઠવાડિયાં પછી એક છાપામાં નાનકડો લેખ આવ્યો કે ફલાણા ડાયરેક્ટરની આ ફિલ્મમાં આ સેક્શનની સ્ત્રીઓનું અપમાન કરતો ડાયલોગ છે અને એ શરૂ થયું ધીંગાણું. ડાયરેક્ટરને ખુદને ખબર નહોતી કે આવો તે કયો ડાયલોગ છે મૂવીમાં. એકસાથે સેંકડો લોકો એમની ઓફિસમાં ધસી આવ્યા અને ગુસ્સા-ગાળોનો વરસાદ. બાપડો દિગ્દર્શક પૂછ્યા કરે કે કયો ડાયલોગ? કયો ડાયલોગ? મૂવીના કયા ડાયલોગમાં પર્ટિક્યુલર સ્ત્રીલોગનું અપમાન લાગે છે તમને? તો એ ટોળાના લીડર્સ ગેંગેફેંફેં, પણ ગુસ્સો ન ઊતર્યો એ લોકોનો. ‘વો ડાયલોગ…’, ‘બીચ મેં જો આયા થા ના વો ડાયલોગ…’ એવો હવામાં ઉડાઉ જવાબ આપવા માંડ્યા. આટલો બધો મસલ પાવર (એ પણ બુદ્ધિ-સમજ-કોમન સેન્સ વિનાનો) જોઈ એ ડાયરેક્ટરે પણ એ બધાની હામાં હા મિલાવવી પડી. એ ડાયરેક્ટરનું મોઢું કાળું રંગવામાં આવ્યું. એમને એ સેક્શનના લોકોની કોલોનીમાં લઇ જવામાં આવ્યો અને હજારો માણસો વચ્ચે સ્ત્રીઓની માફી માગવી પડી!
વિરોધાભાસ એ કે એ ડાયરેક્ટરને ખુદને ખબર જ ન પડી કે આ એક્ઝેક્ટલી કયા ડાયલોગની વાત છે. એનાથીય મોટો વિરોધાભાસ એ કે એ જુવાનજોધ ડાયરેક્ટરને એવો ભ્રમ હતો કે ભારતને ૧૯૪૭માં આઝાદી મળી ગઈ અને સુપર આયરની એ છે કે આઝાદી પહેલાં અંગ્રેજોના સમયમાં અને અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાં વધુ મુક્ત વિચારસરણી હતી. ખુલ્લા મનના લોકો હતા. સુડતાલીસમાં આઝાદી મળી અર્થાત્ હિન્દુસ્તાનનું શાસન આપણા લોકોના હાથમાં લોકશાહીના રૂપે આવ્યું અને એ લોકશાહીને જ ઠોકમ-ઠોકશાહી માનીને સરમુખત્યારશાહીના કુવિચાર ધરાવતાં તત્ત્વો પણ પેદા થયાં.
ફોરેનનું બધું સારું અને આપણું ખરાબ (કે એનાથી ઊલટું) જેવી બંધાયેલી જડ માનસિકતાને ફગાવી તટસ્થપણે અત્યારે પાંચ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં ફ્રાંસનું એક્ઝામ્પલ ધ્યાનમાં લઇ ઘણું શીખવા અને અમુક કુ-તત્ત્વોને તમાચો મારીને શિખવાડવા જેવું છે. ફ્રાંસના શાર્લી હેબ્દો નામના વ્યંગ્ય કાર્ટૂન, જોક્સ પીરસતા પ્રિન્ટ મીડિયાની ઓફિસ પર હીચકારો આતંકવાદી હુમલો થયો હતો. તે આગ હજુ ઠરી નથી, ધુમાડા ને તણખા નીકળ્યા કરે છે. તેનો ચેપ ભારતને અને ભારતના નેતાઓને પણ લાગે છે. ફ્રાંસમાં એ સમયે અમુક લોકો પણ માર્યા ગયા. એ મીડિયાએ એક ધર્મના સૌથી વધુ માનતા આઈડલ પર સ્કેચ કે કાર્ટૂન છાપેલાં હતાં. (હુમલો થઇ ગયા પછી પણ છાપવાનું ચાલુ જ રાખ્યું છે.) હવે એ કાર્ટૂન ખરેખર એ ધર્મ માટે અપમાનજનક છે કે નહીં, એ કાર્ટૂનથી ખરેખર એ ધર્મના કરોડો લોકોની લાગણી દુભાઈ હશે કે નહિ કે પછી એવા કાર્ટૂનથી ખરેખર એ ધર્મ આપત્તિમાં આવી પડે એમ છે કે નહિ એ કોઈ જ ડિસિઝન આપણે લઇ શકીએ એમ નથી. જજમેન્ટલ પણ બનવું નથી, પણ એટલો આક્રોશ તો છે જ કે શું ફક્ત એક અઠવાડિક છાપાના પાન પર આવેલ કોઈ પણ વસ્તુથી એવું તો શું ભયંકર નુકસાન થઇ ગયું કે એ છાપા સાથે સંકળાયેલા લોકોની કરપીણ હત્યા કરી નાખવી પડે?
મહાભારત અને રામાયણથી પણ જૂના સમયથી એક સિદ્ધાંતની વાત ચાલી આવે છે કે દુશ્મન પાસે જે શસ્ત્ર હોય એ જ શસ્ત્રથી લડવું. એ નિ:શસ્ત્ર હોય તો એના પર હથિયારોથી હુમલો કરવો એ શુદ્ધ કાયરતા છે. રાજા રવિ વર્મા પર બનેલી ‘રંગરસિયા’ ફિલ્મમાત્રથી એમાં બતાવેલ દેવી-દેવતાનું અવમૂલ્યન થઇ ગયું? ઙસ જોવાથી બધા નાસ્તિક થઇ ગયા? બધાં મંદિરોને તાળાં લાગી ગયાં? પ્રકાશ ઝાની ‘આરક્ષણ’થી સરકારે રિઝર્વેશન બંધ કરી દીધું? દીપા મેહતાની દેશનિકાલ પામેલી ‘વોટર’થી ન ભરપાઈ થાય એવું નુકસાન થયું, રિયલ લાઈફમાં? પેલી મરાઠી ફિલ્મને કારણે એ સ્ત્રીઓના રોજિંદા જીવનમાં અછડતો પણ નેગેટિવ ફેરફાર થયો? જો નહિ, તો આ ખૂન-ખરાબા કે ભાંગફોડ શેની? અહીં જે અમુક માત્ર ઉદાહરણો આપ્યાં એ લોકો સાવ સાચા છે અને એનો વિરોધ કરવાવાળા સરાસર ખોટા છે એવું કહેવાનો આશય બિલકુલ નથી. અસહમતી છે વિરોધ કરવાની હેવાનિયત ભરી પદ્ધતિ સામે. જ્યારે સેન્સર બોર્ડ કોઈ ફિલ્મને મંજૂરી આપે, સુપ્રીમ કોર્ટ સુધ્ધાં કહે કે તમને ન ગમે તો ફિલ્મ ન જુઓ, પણ અમુક તત્ત્વો ભારત દેશની ન્યાયિક પ્રણાલીને ઉપરવટ થઇ સિનેમાઘરોમાં તોડફોડ કરી આવવામાં સંસ્કૃતિ બચાવી લીધીનો ભ્રામિક આત્મસંતોષ મેળવે છે. જે તે કલાકારને ધમકી આપીને પુણ્યનું ભાથું બાંધવાનો વહેમ વલૂરે છે. આ લખનારને પણ એવો કંઇક અનુભવ થયો, ફિલ્મમેકિંગનાં ફક્ત ટેક્નિકલ પાસાંઓના વિવરણ કરતો ઙસ પરનો લેખ આવ્યો એના પછી. ઠોકમઠોક અલ્પજીવી હોય છે બંધુ. તમે જો ખરેખર સાચા હો તો કલમ કે કળાનો જવાબ કલમ-કલાકૃતિ વડે જ આપોને. જે ચિત્ર કે લખાણ કે પિક્ચર સામે વાંધો છે એની સામે એના કરતાં જોરદાર, લોજિકલ અને કન્વિન્સિંગ વાત રજૂ કરોને. જો આવું કરશો તો, તમારા કહેવા મુજબ તમારી લાગણી દુભાઈ છે એ દુભાવનારાઓને દુમ દબાવીને ભાગવું પડશે. બાકી એના પૂતળા બાળવાથી કે હિંસા આચરવાથી એ લોકો મોટા હીરોઝ બને છે.
એ મતલબ ન નીકળવો જોઈએ કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે, કઈ પણ હલકો બકવાસ ચલાવી લેવાય. એના ગેરફાયદા પણ ઘણા છે. (સાક્ષી મહારાજ અને ઓવૈસીના જૂના દાખલા અને બીજા અમુક તાજા દાખલા પણ છે.) પણ કોઈ પણ કળા કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પાછળનો આશય શું છે, એની દલીલ કેટલી સ્ટ્રોંગ છે અને એની ક્વોલિટી કેવી છે એ મર્યાદા અચૂક ચકાસવી પડે, પણ એ કરે કોણ? બહુ પાતળી ભેદરેખા હોય છે અમુક મામલાઓની ભીતર.
બાકી આપણી સરકાર પાસેથી કંઈ આશા રખાય એમ નથી. અત્યારે આખું ફ્રાંસ પેલા મેગેઝિનની પડખે છે. ફ્રાંસની સરકાર પણ. ઉપરાંત, લાખો લોકોએ રેલી કાઢી, એકઠા થયા, જેમાં વિશ્ર્વના વિવિધ દેશોના વડા પ્રધાન અને નેતાઓ ખુદ જોડાયા. ઓબામા પણ આવવાના હતા. ત્યાંના લોકોની આટલી એકતાવાળી તાકાત જોતાં હવે કોઈની મજાલ છે કે આવી ઘટનાનું એ દેશમાં પુનરાવર્તન થાય? અને ફ્રાંસમાં જે પ્રકારનો આતંકવાદી હુમલો થયો એવો અહીં થયો હોત તો??ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.