બોલીવુડના ઇતિહાસમાં આજે પણ ‘શોલે’નો ટિકિટ વેચાણના મામલે રેકોર્ડ અકબંધ

મેટિની

અમિત આચાર્ય

બોલીવુડમાં નિર્માતા માટે કમાણીના મામલે પહેલાં કરતાં આજે વધારે અને સારા ઓપ્શન અવેલેબલ છે. પહેલાં થિયેટરમાંથી થતી આવકના આંકડાના આધારે ફિલ્મની સફળતા આંકવામાં આવતી હતી. ત્યાર બાદ તબક્કાવાર એમાં સેટેલાઇટ રાઇટની આવક ઉમેરાઇ. હાલમાં થિયેટર, સેટેલાઇટ અને ઓટીટી સિવાય પણ ઘણાં બધાં પ્લેટફોર્મ છે, જ્યાંથી નિર્માતાને આવક થઇ શકે છે. દક્ષિણના કેટલાક નિર્માતાઓ હાલના ટિકિટના દર ઓછા કરવાની પણ માગ કરી રહ્યા છે. તાજેતરમાં આમિર ખાન, અક્ષય કુમાર અને તાપસી પન્નુની રિલીઝ થયેલી ત્રણેય બોલીવુડ ફિલ્મો દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થઇ નથી. પહેલાંના જમાનામાં સુપર ડુપર બમ્પર સફળ ફિલ્મની થિયેટરમાંથી થતી આવકના આંકડા, આજની નિષ્ફળ ફિલ્મોની થિયેટરના આવકના આંકડા જેટલા હતા. એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે થિયેટરની ટિકિટોના ભાવમાં પહેલાંના પ્રમાણમાં ધરખમ વધારો થયો છે. ખરેખર ફિલ્મની સાચી સફળતા ફિલ્મને થતી આવકના આંકડા પરથી નહીં, પણ એ ફિલ્મની થિયેટરમાં કેટલી ટિકિટો વેચાઇ એના પરથી થવી જોઇએ. એ મામલે ‘શોલે’ આજે પણ ટોચ પર છે.
શોલે: ૧૯૭૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’ એ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. શોલેનું દિગ્દર્શન રમેશ સિપ્પીએ કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, જયા બચ્ચન, સંજીવ કુમાર જેવાં ધરખમ કલાકારોનો કાફલો હતો અને ખૂનખાર વિલન તરીકે અમજદ ખાને (નવોદિત) જબરજસ્ત જમાવટ કરી હતી. આર. ડી. બર્મનના સંગીતે પણ કમાલ કરી હતી. આ ફિલ્મના ડાયલોગની કેસેટો પહાર પાડવામાં આવી હતી, જેનું ધૂમ વેચાણ થયું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર પંદર કરોડથી વધુ ટિકિટો વેચી હતી.
બાહુબલી-૨: ધ ક્ધક્લુઝન: ૨૦૧૭માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન એસ. એસ. રાજામૌલીએ કર્યું હતું. સાઉથના સુપર સ્ટાર પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબાટી, તમન્ના ભાટિયા અને રમ્યા કૃષ્ણન સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બાર કરોડથી વધુ ટિકિટો વેચી હતી.
મધર ઈન્ડિયા: સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર અને નરગિસ સ્ટારર આ ફિલ્મ ૧૯૫૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મહેબૂબ ખાનની અગાઉની ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦)ની રિમેક હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગતાં સુનીલ દત્તે આગમાં કૂદીને પોતાના જીવના જોખમે નરગિસનો જીવ બચાવ્યો હતો.
મહેબૂબ ખાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર દસ કરોડથી વધુ ટિકિટ વેચી હતી.
મુઘલ-એ-આઝમ: કે. આસિફના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯૬૦માં રિલીઝ થઈ હતી. પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર અને મધુબાલા અભિનીત ‘મુઘલ-એ-આઝમ’એ બોક્સ ઓફિસ પર ૧૦ કરોડથી વધુ ટિકિટ વેચી હતી. તેણે એ સમયે ભારતમાં બોક્સ ઑફિસના રેકોર્ડ તોડ્યા હતા.
હમ આપકે હૈં કૌન: સૂરજ બડજાત્યાએ સલમાન ખાન અને માધુરી દીક્ષિતને લઈને આ ફિલ્મ બનાવી હતી, જે ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. તેનું સંગીત ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ ૭.૪ કરોડ ટિકિટો વેચી હતી.
કુલી: અમિતાભ બચ્ચન, કાદર ખાન, રિશી કપૂર, વહીદા રહેમાન અને રતિ અગ્નિહોત્રી અભિનીત આ ફિલ્મને ૧૯૮૩ની કલ્ટ ફિલ્મ માનવામાં આવે છે, જેનું નિર્દેશન મનમોહન દેસાઈએ કર્યું હતું. તે સમયે બોક્સ ઓફિસ પર લગભગ ૭ કરોડ ટિકિટો વેચાઈ હતી.
મુકદ્દર કા સિકંદર: અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રેખા, રાખી અને અમજદ ખાન અભિનીત આ ફિલ્મ ૧૯૭૮માં રજૂ થઇ હતી. તેની લગભગ ૬.૭ કરોડ ટિકિટો વેચાઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન પ્રકાશ મહેરાએ કર્યું હતું. ફિલ્મની સફળતામાં કલ્યાણજી-આનંદજીના સદાબહાર સંગીતનો પણ બહુમૂલ્ય ફાળો હતો.
અમર અકબર એન્થની: અમિતાભ બચ્ચન, રિશી કપૂર, વિનોદ ખન્ના, પરવીન બાબી, નીતુ સિંહ, શબાના આઝમી અને પ્રાણ અભિનીત આ ફિલ્મ ૧૯૭૭માં રજૂ થઇ હતી. માસ અને ક્લાસ બન્ને પ્રકારના દર્શકોએ આને પસંદ કરી હતી, જેનું દિગ્દર્શન મનમોહન દેસાઈએ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ ૬.૨ કરોડ ટિકિટો વેચી હતી. આ ફિલ્મમાં મોહમ્મદ રફી સાહેબના કંઠે ગવાયેલું ‘શિરડી વાલે સાંઇબાબા’ ગીત ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને આજે પણ લોકોને એટલું જ પસંદ છે.
ક્રાંતિ: ૧૯૮૧માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર આ ફિલ્મની બોક્સ ઓફિસ પર લગભગ ૬ કરોડ ટિકિટો વેચાઈ હતી. દિલીપ કુમાર, મનોજ કુમાર, શશી કપૂર, શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની, પરવીન બાબી, સારિકા, નિરૂપા રોય અને પ્રેમ ચોપરા અભિનીત આ ફિલ્મનું દિગ્દર્શન મનોજ કુમારે કર્યું હતું. આ ફિલ્મ એના સમયની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ હતી.
બોબી: ૧૯૭૩માં રિલીઝ થયેલી રિશી કપૂર અને ડિમ્પલ કાપડિયા અભિનીત ‘બોબી’ ફિલ્મની તે સમયે લગભગ ૫.૩ કરોડ ટિકિટો વેચાઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ કપૂરે કર્યું હતું. આ ફિલ્મના લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતે ભારતભરના લોકોને ઘેલું લગાડ્યું હતું.
કેજીએફ ચેપ્ટર-૨: પ્રશાંત નીલના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ વર્ષ ૨૦૨૨ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. યશ અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મની લગભગ પાંચ કરોડ ટિકિટ બોક્સ ઓફિસ પર વેચાઈ હતી.
આરઆરઆર: એસ. એસ. રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ‘આરઆરઆર’ આ વર્ષની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. જુનિયર એનટીઆર, રામચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ ૪ કરોડ ટિકિટ વેચી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.