(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે બોરીવલી (પશ્ર્ચિમ)માં સાંઈબાબા નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ઓમ શ્રી ગીતાંજલિ બિલ્ડિંગની જોખમી વિંગને તોડી પાડવાની કામગીરી સોસાયટીએ જાતે જ મંગળવારે સવારના હાથ ધરી હતી. આ અગાઉ સોસાયટી તેમાં નિષ્ફળ જતા પાલિકા ઈમારતની બાકી બચેલી વિંગ તોડવાની હતી. જોકે છેલ્લી ઘડીએ સોસાયટીને કૉન્ટ્રેક્ટર મળતા પાલિકાની ટીમ પાછી ફરી હતી.
પાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એન. ગોંધળેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સોસાયટીએ તેમને કૉન્ટ્રેક્ટર મળ્યો ન હોવાનું કહેતા મંગળવાર સવારના પાલિકાની ટીમ જોખમી ઈમારતને તોડી પાડવાની કામગીરી હાથ ધરવા પહોંચી ગઈ હતી. જોકે છેલ્લી ઘડીએ તેમને કૉન્ટ્રેક્ટર મળી ગયો હતો. તેથી સવારના તેઓએ જાતે જ બિલ્ડિંગને તોડવાની કામગીરી હાથ ધરી હતી. તેથી પાલિકાની ટીમ પાછી ફરી હતી.
સાંઈબાબા નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ૪૪ વર્ષ જૂની ઓમ શ્રી ગીતાંજલિ બિલ્ડિંગની પાલિકાએ ૨૦૨૦ની સાલમાં અત્યંત જોખમી કહેવાતી સી-વન કેટેગરીમાં જાહેર કરી હતી. જોકે રીડેવલપમેન્ટમાં સોસાયટીના સભ્યો વચ્ચે રહેલા આપસી મતભેદ તેમ જ બિલ્ડરને લગતા રહેલા વિવાદને કારણે રીડેવલપમેન્ટ અટવાઈ પડ્યું હોવાનું સોસાયટીના સભ્યોનું કહેવું હતું.
આ દરમિયાન ગયા અઠવાડિયામાં શુક્રવારે આ બિલ્ંિડગની ‘એ’ વિંગ બપોરના લગભગ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ધરાશાયી થઈ હતી. સદ્નસીબે ઈમારતમાં કોઈ રહેતું ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. ત્યાર બાદ બીજા દિવસે બિલ્ડિંગની બીજી વિંગમાં ધ્રુજારી જણાતા તે વિંગ પાલિકાએ તોડી પાડી હતી, પંરતુ બાકીની વિંગને તોડી પાડવાને લઈને પાલિકા હાઈ કોર્ટમાં ગઈ હતી, જેમાં કોર્ટે ૪૮ કલાકની મુદત આપી હતી, જે
સોમવારે પૂરી થઈ ગઈ હતી.
આ દરમિયાન સોસાયટીએ અગાઉ તેઓ જાતે જ તેને તોડી પાડશે એવું કોર્ટને કહ્યું હતું. જોકે સોમવાર મોડી રાત સુધી તેમને બિલ્ંિડગ તોડી પાડવા કોઈ કૉન્ટ્રેક્ટર મળ્યો નહોતો. તેથી મંગળવાર સવારથી પાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડ દ્વારા અહીં બાકી બચેલી વિંગને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી, તે મુજબ મંગળવારે સવારના પાલિકાની ટીમ કાર્યવાહી કરવા પહોંચી ગઈ હતી. જોકે તે અગાઉ જ સોસાયટી દ્વારા બેરીકેટ્સ લગાવીને બિલ્ંિડગને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Google search engine