બોરીવલીના ફ્લાયઓવરના ઉદ્ઘાટનમાં ભાજપ અને શિવસેના સામસામે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી મહાપાલિકા ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર સત્તાધારી શિવસેનાએ શહેરમાં વિકાસકામનું ઉદ્ઘાટન કરવાની શરૂઆત કરી દીધી છે. શનિવારે પાલકપ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે પશ્ર્ચિમ અને પૂર્વને જોડતા ફ્લાયઓવરનું લોકાર્પણ થયું હતું. આ સમયે મોટી સંખ્યામાં શિવસેનાના પદાધિકારીઓ અને શિવસૈનિકો હાજર હતા.
બોરીવલીના ફ્લાયઓવરનું શિવસૈનિકોના હસ્તે ઉદ્ઘાટન થઇ રહ્યું હતું એ જ સમયે ભાજપના સ્થાનિક વિધાનસભ્ય સુનીલ રાણે, વિધાનસભ્ય મનીષા ચૌધરી અને કાર્યકર્તાઓ ઉદ્ઘાટન સ્થળે પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરેના આ કાર્યક્રમમાં ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. બંને કાર્યકર્તાઓએ એકબીજાની સામે ભારે પ્રમાણમાં નારાબાજી કરી હતી. બોરીવલી ફ્લાયઓવરનું કામ ભાજપના સમયમાં થયું હોઇ તેનો શ્રેય અંકે કરવાનું કામ શિવસેના તરફથી કરવામાં આવી રહ્યું છે, એવો આરોપ ભાજપે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બોરીવલી પશ્ર્ચિમમાં આર.એમ. ભટ્ટ માર્ગ પર મહાપાલિકા તરફથી નવા ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલને કારણે બોરીવલીવાસીઓની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ ઠેકાણે હંમેશાં અડધાથી પોણા કલાકનો ટ્રાફિક થતો હોય છે. વરસાદમાં તો અહીં વધારે હાલત ખરાબ થતી હોય છે, પણ હવે આ ફ્લાયઓવર બન્યા પછી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. બોરીવલી પશ્ર્ચિમના લિંક રોડથી ફિલ્ડમાર્શલ કરિઅપ્પા ફ્લાઓવરને જોડતો આ લાંબો ફ્લાયઓવર છે.
આ ફ્લાયઓવર મુખ્યત્વે લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં ફ્લાયઓવરને કારણે શ્યામાપ્રસાદ મુખર્જી ચોક, કલ્પના ચાવલા ચોક, સાંઈબાબા નગર, રાજેન્દ્ર નગર અને નજીકના ટ્રાફિકને મદદરૂપ બનશે. સ્વામી વિવેકાનંદ માર્ગ જંક્શન અને કલ્પના ચાવલા ચોક એ બે મહત્ત્વનાં જંક્શન પર આ પુલ વિસ્તારિત થયો હોવાથી વાહનવ્યવહારમાં ગતિ વધશે અને પ્રવાસીઓના સમયમાં પણ ઘણી બચત થશે.
————-
ફ્લાયઓવરની
શું છે વિશિષ્ટતા
બોરીવલીના ફ્લાયઓવરની લંબાઈ ૯૩૭ મીટર છે અને પૂર્વ-પશ્ર્ચિમને જોડતા આ ફ્લાયઓવરની બંને બાજુએ બે-બે એમ ચાર લેન છે. કંપોઝિટ સેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક પિલર પદ્ધતિથી બાંધવામાં આવેલા આ ફ્લાયઓવર માટે ૧૩ હજાર ઘન મીટર કોંક્રીટ, ૨૯૦૦ મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ સ્ટીલ, જ્યારે ૪૧૮૬ સ્ટ્રક્ચરલ સ્ટીલ વાપરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં બાઈક સ્કીટ ન થાય એવા પ્રકારનો સરફેસ બનાવવામાં આવ્યો છે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.