કવર સ્ટોરી -પ્રફુલ શાહ
બૉલીવૂડના (બની બેઠેલા) બાપ કોઠીમાં મોં છુપાવીને રડે છે. કોરોના આક્રમણથી આવેલા લૉકડાઉનની પકડમાંથી છૂટ્યા બાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગની બરાબરની માઠી બેઠી છે. એક પછી એક મોટી (હકીકતમાં ખોટી) ફિલ્મ ઊંધે માથે પછડાઈ રહી છે. એક વર્ગ આને માટે માથે હાથ મૂકીને રડશે, જાણે પોતાની સાદડીમાં બેઠો હોય. આને બદલે બૉલીવૂડની સામૂહિક નિષ્ફળતાના બુલંદ પુરાવા વિશે વિચારવું પડશે: તેઓ બદલાતા સમય, યુવા પેઢીના પ્રેક્ષકોની પસંદગી અને પરિવર્તનશીલ વિચારધારાને પારખી ન શક્યા. શાહમૃગની જેમ જમીનમાં માથું છુપાવીને પોતાની ભ્રામક તાકાત પર મુશ્તાક રહ્યા.
આગામી સુપરસ્ટાર ગણાવાતા રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’નો બૉક્સ ઑફિસ પર દેખાવ સાવ કમજોર રહ્યો. એની પહેલાની ‘૮૩’ પણ ટિકિટબારી પર વર્લ્ડ કપ તો ઠીક કોઈ રકાબી ય મેળવી ન શકી. આ બંને ફિલ્મ સાથે મોટા બેનર, નામી ટેક્નિશિયન અને મોટા બજેટ હતા છતાં આમ કેમ થયું એ મનોમંથનનો
વિષય છે.
ચમક ગુમાવી રહેલા ધ સલમાન ખાનની ‘અંતિમ’ અને ‘રાધે: ધ મોસ્ટ વૉન્ટેડ’માં પહેલા ટાઈટલે આરંભના અંતના સંકેત આપ્યા ને બીજાએ ‘અનવૉન્ટેડ’ની પ્રતીતિ કરાવી. ખાન ફરી બૉક્સ-ઑફિસ કિંગ બની શકશે? ‘કભી ઈદ કભી દિવાલી’ કે ‘ટાઈગર-થ્રી’ની રાહ જોઈએ.
બેન્કેબલ અક્ષયકુમારની ‘બચ્ચન પાંડે’ અને ‘અતરંગી’ સાવ ડૂબી ગઈ. હવે ‘પૃથ્વીરાજ’ પરની મોટી આશા ફળશે? આ જ રીતે જોન અબ્રાહમ (‘સત્યમેવ જયતે-ટુ’ અને ‘અટેક પાર્ટ વન’), શાહિદ કપૂર (‘જસી’), ઑફબીટ સ્ટાર આયુષમાન ખુરાના (ચંડીગઢ કરે આશિકી), ટાઈગર શ્રોફ (‘હિરોપંતી-ટુ’) સહિતના સ્ટાર્સની ફિલ્મો સામે પ્રેક્ષકોએ ન જોયું.
આમાં અજય દેવગન નસીબના જોરે ટકી રહ્યો. ‘ભુજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’માં સરસ વિષય વેડફી દીધો, તો ‘રનવે ૩૪’માં ફિલ્મ થોડીઘણી જોવાલાયક બની પણ પ્રેક્ષકો દૂર રહ્યા. હા, રાજામૌલીની ‘છછછ’ અને સંજય લીલા ભણશાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી હિટ મળી પણ એમાં એનું કામ કેટલું છે? બૉલીવૂડની એક માત્ર તાજી સફળતા ગંગુબાઈ બનીને આલિયા ભટ્ટે મેળવી, સાથોસાથ છોગામાં ‘છછછ’નો સક્સેસફુલ કેમિયો.
આ સુનામીમાં આમિર ખાન, શાહરુખ ખાન અને રણબીર કપૂર બચી ગયા પણ ‘લાલસિંહ ચઢ્ઢા’, ‘પઠાણ’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં આકરી કસોટી થવા વિશે શંકાને સ્થાન નથી.
તાજેતરમાં ‘પુષ્પા’, ‘છછછ’, ‘ઊંૠઋ-૨’ અને ‘કાશ્મીર ફાઈલ્સ’ની અકલપ્ય લોકપ્રિયતા પ્રેક્ષકોની બદલાયેલી પસંદની નિશાની છે. પહેલી ત્રણ ફિલ્મનું માઉન્ટિંગ, કેનવાસ અને પ્રેઝન્ટેશન જુઓ. વાર્તામાં મોટો તોપ માર્યો નથી પણ સ્ટાઈલ, સ્વેગ, લાર્જર ધેન લાઈફ કેરેક્ટર અને ખાસ એન્ટરટેઈમેન્ટ આપવાની ધગશ, મહેનત અને નિષ્ઠા ઊડીને આંખે વળગે છે. ‘કાશ્મીર ફાઈલ્સ’માં આવું કંઈ નથી પણ એમાં પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી જાય એવું આંચકા ધરાવતું ક્ધટેન્ટ, સુપર્બ માર્કેટિંગ અને પોલિટિકલ કરેકટનેસ છે.
લૉકડાઉનમાં પ્રેક્ષકો મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મ પર ટીંગાઈ રહ્યા. ખૂબ જોયું, જાણ્યું અને ઘણાં થોડું-ઘણું સમજ્યા ય ખરા. હવે કોઈને મોટા સ્ટારને નામે આંધળુકિયા કરવા નથી. અલ્લુ અર્જુન, યશ, એનટીઆર જુનિયર કે રામચરણની દક્ષિણ ભારત બહાર મોટી માર્કેટ નહોતી, પરંતુ લૉકડાઉનમાં ઓટીટી પ્લેટફોર્મ અને મુવી ચેનલ પર ડબર ફિલ્મોએ એમને અખિલ ભારતીય ઓળખ આપી.
હવે બૉલીવૂડની કોપી શક્ય નથી, સાઉથની હિટ-ફિલ્મના રિમેકનો સમય પૂરો થવામાં છે. હિન્દી ફિલ્મોએ આત્મખોજ કરવાની છે. એ કવાયતમાં ઘણાં ધોવાઈ જશે. પણ સાથોસાથ થોડા નવા વિચાર, શૈલી, કલાકાર અને સર્જકોને તક મળશે.
પહેલી નજરે બૉલીવૂડને ભલે વિષાદયોગ લાગે પણ એને રૂડા અવસરમાં પલટાવવાનો મોકો આવ્યો છે. હિન્દી ફિલ્મ જેવું વિશાળ સામ્રાજ્ય નેસ્તનાબૂદ થવાનું નથી પણ આવા પડકારોની અવગણવા નહિ પોસાય. હટ જાઓ પુરાને બાજીગર અબ મૈદાન બદલનેવાલા હૈ જેવી કલીરો ન વાપરીએ તો પણ સ્થિતિ બદલાવાની છે. બૉલીવૂડે પડકારને તકમાં પલટાવવી પડશે. બુલંદ અવાજે બોલવું અને બતાવવું પડશે કે અપુન ઝુકેગા નહિ સાલા.