બે સૂટકેસમાં જિંદગી ભરીને વિશ્ર્વભ્રમણે નીકળ્યું દંપતી

ઇન્ટરવલ

કવર સ્ટોરી – અનંત મામતોરા

નાનપણમાં એક બાળગીત ઘણાએ વાંચ્યું, સાંભળ્યું અને કદાચ ગાયું પણ હશે.

‘પેલા પંખીને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઊડ્યા કરું,
બસ, ઊડ્યા જ કરું.’
એક બાળકની પંખીની જેમ આકાશમાં ઊડીને દુનિયા જોવાની, દુનિયાના માણસોને જોવાની આતુરતાને સરળ શબ્દોમાં આ ગીતમાં વર્ણવી છે, પણ એ બાળસહજ કુતૂહલ જ્યારે અદમ્ય ઈચ્છામાં પરિણમે તો યુવાનીમાં કોઈ વિરલા તેને એવી રીતે સાકાર કરે કે દુનિયા આશ્ર્ચર્ય પામી જાય.
આજે મળીએ એક એવાં દંપતીને જેઓ લગ્નનાં છ વર્ષ બાદ પણ ઘરમાં ઠરીઠામ થયાં જ નથી! હજી હનીમૂન પર જ છે! ન માનવામાં આવે તેવી અજબગજબની વાત છે, પણ સત્ય છે. રુચિકા શંકર અને અભિમન્યુ શાસ્ત્રી, આ દંપતીનું નામ છે, જેઓ માત્ર બે બેગ લઈને દુનિયા ઘૂમી રહ્યાં છે.વર્ષ ૨૦૧૪માં જ્યારે દિલ્હીની રુચિકા શંકર, અભિમન્યુ શાસ્ત્રીને મળી ત્યારે અભિમન્યુ બે મહિના નેપાળનો પ્રવાસ કરીને પાછો આવ્યો હતો. વ્યવસાયે વકીલ રુચિકાને આશ્ર્ચર્ય થયું કે કોઈ માણસ પોતાના નોકરી-ધંધા સાથે આટલો લાંબો પ્રવાસ કેવી રીતે કરી શકે? રુચિકા અને અભિમન્યુની મિત્રતા ફરવાના આ શોખને કારણે જ થઇ હતી.તે વખતે અભિમન્યુ એક ટેક સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરતો હતો જે તેને હરતાંફરતાં કામ કરવાની આઝાદી આપતી હતી, પણ વકીલ રુચિકા પોતાનું કામ એવી રીતે તો ન કરી શકે, તેથી રુચિકાએ પણ એવું કામ કરવાનું નક્કી કર્યું જે તેને પ્રવાસની આઝાદીમાં અડચણરૂપ ન બને. આખરે તેણે ક્ધટેન્ટ રાઇટિંગ અને લો કંપની માટે સોશિયલ મીડિયા માર્કેટિંગનું કામ શરૂ કર્યું. બે વર્ષની મિત્રતા પછી તેમણે ૨૦૧૬માં લગ્ન કરવાનું નક્કી કર્યું. રુચિકાએ કહ્યું, ‘લગ્ન વખતે જ અમે નક્કી કર્યું હતું કે અમે અમારું જીવન લગ્ન કરીને ઘર અને કાર ખરીદી માટે લોનના હપ્તા ચૂકવવામાં નહીં વિતાવીએ. અમે આખી દુનિયા ફરીશું અને ઓછામાં ઓછી વસ્તુઓથી જીવીશું. અમારાં લગ્ન પણ એકદમ સાદાઈથી થયાં હતાં.’
હકીકતમાં તેમણે વણજારા જેવું જીવન જીવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી તેમણે પોતાના ખર્ચ ઓછા કરવાનું અને બચત કરવાનું શરૂ કરી દીધું. જુલાઈ, ૨૦૧૬માં લગ્ન બાદ સાવ ઓછા ખર્ચે અને ઓછા સામાન સાથે બેંગલુરુમાં એક ઘર ભાડે લીધું. તેમના ઘરમાં એક ટેબલ, એક ખુરશી, એક રેફ્રિજરેટર અને થોડાં કપડાં, બસ આટલું જ હતું! તેમણે નવેમ્બર, ૨૦૧૬માં ગોવાનો નાનકડો પ્રવાસ કરવાનો પ્લાન બનાવ્યો. પોતાનું બધું જ ફર્નિચર વેચીને માત્ર બે બેગ અને બે બેકપેક સાથે નીકળી પડ્યાં.
પ્રવાસ સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની તકલીફો તેમને પણ સહન કરવી પડી. ૨૦૧૬માં ગોવામાં કોઈ દૂરની જગ્યાઓમાં ઈન્ટરનેટ કનેક્શન એટલું સારું નહોતું. તેને કારણે તેમને શહેરી વિસ્તારમાં રહેવું પડતું હતું. થોડા મહિનાઓ ગોવામાં રહ્યા બાદ તેમણે ઇન્ટરનેશનલ ટ્રિપ પર જવાનું નક્કી કર્યું. બીજાં બે વર્ષ સુધી તેઓ એશિયાના અલગ અલગ દેશોમાં પ્રવાસ કરતાં રહ્યાં.કોઈ પણ દેશની યાત્રા કરતાં પહેલાં તેઓ પૂર્વતૈયારી કરી લેતાં. જ્યાં જતાં ત્યાં ફર્નિચર સાથેનું નાનકડું એપાર્ટમેન્ટ ભાડે લઇ લેતાં અને આસપાસનાં સ્થળો અને સ્થાનિક લોકો સાથે સમય વિતાવે. તેમની કોશિશ રહેતી કે જ્યાં પણ જાય ત્યાંની કળા અને સંસ્કૃતિને જાણે અને સમજે. રુચિકા કહે છે કે ‘દરેક દેશનો અલગ અનુભવ હોય છે. જાપાનમાં રંગીન વૃક્ષો જોવાં, દક્ષિણ અમેરિકાના માચુપિચ્ચુમાં ફરવું એ મારા જીવનના રસપ્રદ અનુભવો છે.’ તે ઉપરાંત તેમને મિક્સિકોના લોકોનો મળતાવડો સ્વભાવ પણ ખૂબ ગમ્યો હતો. કોરોનાકાળમાં તેમને ત્યાંના લોકોએ ખૂબ મદદ કરી હતી, જે તેઓ ક્યારેય નહીં ભૂલે.
રુચિકા આગળ કહે છે, ‘આવી રીતે જીવવા માટે એક વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે છે. તમારી પાસે સારી એવી બચત હોવી જોઈએ, જેથી ફ્રીલાન્સિંગ કામ ન મળે તો એક-બે મહિના આરામથી ગાડું ગબડાવી શકો. થોડાં વર્ષ પહેલાં અમે જ્યારે બાલીમાં હતાં ત્યારે અમારી પાસે કોઈ કામ નહોતું. એક સમયે અમે ઘરે પાછા ફરવાનું નક્કી કરી જ નાખ્યું હતું, પરંતુ અમારી પાસે બચત હતી, તેથી થોડા મહિના નીકળી ગયા અને ત્યાં સુધીમાં નવું કામ પણ મળી ગયું.’
તમારું નેટવર્કિંગ સારું હોવું પણ ખૂબ કામે આવે તેમ તે ઉમેરે છે. જો લાંબો સમય પ્રવાસ કરવો હોય તો એવા દેશ પસંદ કરવા જોઈએ જે પ્રમાણમાં સસ્તા હોય. એશિયાના ઘણા દેશ સસ્તા છે. તમે તાઇવાન, બાલી અથવા કંબોડિયા જઈ શકો છો. કોરોના સમયે તેઓ મિક્સિકોમાં હતાં, ત્યાર બાદ ગયે વર્ષે તેઓ અમેરિકા આવી ગયાં હતાં. ત્યાં તેમના કેટલાક સંબંધીઓ પણ છે. રુચિકા કહે છે કે ‘પરિવારને લાગ્યું કે કોરોના બાદ અમે અમેરિકામાં કોઈ સ્થાયી નોકરી અને ઘર લઈ લઈશું, પણ અમારો પ્રવાસ ચાલુ રહ્યો. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમે ઘરે આવ્યાં છીએ. અત્યારે અમે ભારતના વણજોયેલા અલગ અલગ સ્થળે પ્રવાસની યોજના બનાવી રહ્યાં છીએ. હવે તો ભારતમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચર વિકસી રહ્યું છે અને ઇન્ટરનેટની સુવિધા પણ સારી થઈ ગઈ છે.’રુચિકા અને અભિમન્યુ આ પ્રકારના જીવનને મુશ્કેલ કરતાં પણ વધારે રોમાંચક કહે છે. આ રીતે અલગ અલગ જગ્યાએ રહેવાથી તેઓ અલગ અલગ કર્યો કરી શકે છે. તેઓ એ પણ સમજ્યાં કે દરેક કામ અલગ અલગ રીતે પણ થઈ શકે છે. તેમને લાગે છે કે તેમનું પરફોર્મન્સ બહેતર થયું છે. રુચિકા કહે છે કે ‘જ્યારે અમે તાઇવાનમાં હતાં ત્યારે ચીનના કશક્ષસયમશક્ષના સ્થાપકના ઘરે રોકાયાં હતાં. તેમની પાસેથી અમને તેમની કામ કરવાની રીત શીખવા મળી. આ પ્રકારનું જીવન તમને દુનિયાના વિવિધ લોકોને મળવાનો અને તેમની પાસેથી શીખવાનો મોકો આપે છે.’
અત્યારે રુચિકા પોતાના બ્લોગ દ્વારા પોતાના અનુભવો લોકોમાં વહેંચી રહી છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ પોતાના પ્રવાસની વિગતો લોકો સુધી પહોંચાડે છે. તે ઉપરાંત તેમની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેનાથી તેમને સારી આવક થાય છે. તે લોકોને ટ્રાવેલ ટિપ્સ અને વણજારા જેવું જીવન જીવવાના નુસખા પણ શીખવે છે. અભિમન્યુ હજી ફ્રીલાન્સ કામ કરે છે.
અભિમન્યુએ કહ્યું કે તેના પરિવારમાં મોટા ભાગે લોકો સરકારી નોકરી સાથેનું એક સ્થાયી જીવન જીવવું પસંદ કરે છે, પણ રુચિકા અને અભિમન્યુએ આવી એક ચીલાચાલુ, સલામત જિંદગીને બદલે એક અલગ અંદાજમાં જીવવાનું નક્કી કર્યું અને એ રીતે જીવી પણ બતાવ્યું. શરૂઆતમાં તો પરિવારને લાગ્યું હતું કે રખડીને થાકશે એટલે એકાદ વર્ષમાં ઘરભેગાં થશે! પણ પંખીને પાંખ આવે પછી એ માળામાં પડ્યું રહે? તેને માટે તો ખુલ્લું આકાશ આમંત્રણ આપતું ઊભું હોય. બસ, એવા જ આ પ્રવાસી પંખીઓને સ્થાયી વસવાટ કોઈ બેડીઓ જેવો લાગે છે અને પ્રવાસમાં જ જીવનનો આનંદ દેખાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.