બાળપણની યાદોમાંનો એક ટુકડો તૂટ્યો…

ઇન્ટરવલ

પાર્થ દવે – આનન-ફાનન

સામાન્ય રીતે વ્યક્તિને સાડાત્રણ-ચાર વર્ષ પછીની ઘટનાઓ ‘સ્મૃતિ’ બનીને યાદ રહે છે, કારણ કે આ ઉંમરે મગજનું લોન્ગ ટર્મ મેમરી ફંક્શન ડેવલપ થવાનું શરૂ થાય છે. જૂજ લોકોને એથી પણ પહેલાંનું યાદ હોય છે

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ થયેલો ભૂકંપ કચ્છવાસીઓને જડબેસલાક યાદ હશે! ભૂકંપના પાંચ મહિના બાદ ૧૫મી જૂને સની દેઓલની ‘ગદર’ અને આમિર ખાનની ‘લગાન’ એકસાથે રિલીઝ થઈ હતી. ભૂકંપ પછીના વેકેશન જેવા દિવસોમાં મારો કઝિન બ્રધર ભુજથી અંજાર રહેવા આવ્યો હતો. ભૂકંપ પછી પરિવારના લોકો સાથે રહેતા જેથી હૂંફ અને હિંમત ટકી રહે. હું મમ્મી-પપ્પાથી દૂર ક્યાંય રહ્યો નહોતો, મામા કે દાદા-દાદી પાસે ક્યારેય ન રોકાતો, પણ ભૂકંપના દિવસે ડરના માર્યા અમે અંજારથી મુન્દ્રા શિફ્ટ થયા અને પછી મમ્મી-પપ્પા મને ત્યાં મૂકતાં આવ્યાં. આખો મહિનો હું ત્યાં રહ્યો, એકલો. મમ્મી-પપ્પા વગર! તો કઝિન બ્રધર અને હું દરરોજ બપોરના લંબચોરસ કાળા કલરની ટેપમાં કેસેટ ‘ઉથલાવતા’! ગીતો સાંભળતા. ત્યારે બ્લોકબસ્ટર રહેલી ‘ગદર’ ફિલ્મની કેસેટ ખૂબ વેચાતી. ‘ગદર: એક પ્રેમકથા’નાં ગીતો વિથ ‘ડાયલોગ્સ’! પહેલાં ડાયલોગ્સ આવતા અને પછી ગીત. હું અને મારો ભાઈ ડાયલોગ્સ પણ બોલતા અને ગીત ગણગણતા. ભૂકંપનાં બે વર્ષ પહેલાં – ૧૯૯૯માં સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ આવી હતી. તેનાં ગીતો પણ બહુ જ વાગતાં. ‘તડપ તડપ કે ઇસ દિલ સે…’ ગીત અમે જોર જોરથી ગાતા. ગીત આખું મોઢે છે. તેમાં વાગતું સંગીત આજે પણ હૃદયમાં અકબંધ છે.
હું આઠ વર્ષનો હતો ત્યારની મેમરી મારા મગજમાં સજ્જડ રીતે કોતરાયેલી છે. એટલે જ ગયા અઠવાડિયે જ્યારે સમાચાર આવ્યા કે સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે ‘કેકે’નું અચાનક મૃત્યુ થયું છે ત્યારે દુ:ખ થયું. લોકોની જેમ નાનપણમાં જ્યારે તેમનાં ગીતો સાંભળતો ત્યારે હું તે સિંગરને ઓળખતો નહોતો. ઇવન, ત્યાર પછીનાં વર્ષોમાં પણ તેમનો ચહેરો જોયો નહોતો. શરૂઆતમાં તો નામ પણ ખબર નહોતી, પણ બાળપણની યાદો તેમનાં ગીતો, તેમના અવાજ સાથે જોડાયેલી હતી. આ સમાચારે તે બાળપણની મીઠીમધુર યાદોમાં ગાબડું પાડ્યું. તેનું દુ:ખ થયું.
સામાન્ય રીતે વ્યક્તિને સાડાત્રણ-ચાર વર્ષ પછીની ઘટનાઓ ‘સ્મૃતિ’ બનીને યાદ રહે છે, કારણ કે આ ઉંમરે મગજનું લોન્ગ ટર્મ મેમરી ફંક્શન ડેવલપ થવાનું શરૂ થાય છે. જૂજ લોકોને એથી પણ પહેલાંનું યાદ હોય છે. જો કોઈ ટ્રોમા કે એક્સ્ટ્રીમ બનાવ બન્યો હોય તો તે યાદ રહી ગયો હોય છે. ખરાબ, શોષિત કે ટ્રોમેટિક બાળપણની યાદો મોટા થયા પછી છોડતી નથી.
આપણી સાથે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પાંચ-છ મહિના કે બે દિવસ કે ઇવન એકાદ-બે મિનિટ પહેલાંનું ભૂલી ગયા હોઈએ, પણ આઠ-દસ વર્ષ કે એથી પહેલાંનું એકદમ યાદ હોય! શોર્ટ ટર્મ મેમરીમાં મોટા ભાગે આપણું ફોકસ વર્તમાનમાં હોય છે અને તે વિશે વિચારતા હોઈએ છીએ. લોન્ગ ટર્મ મેમરી આપણા કોન્શિયસ માઇન્ડ સાથે જોડાયેલી હોય છે. આપણે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ!કચ્છના અબડાસા તાલુકાના ડુમરા ગામમાં મારાં શરૂઆતનાં સાત વર્ષ પસાર થયાં. ત્યાં જન્મ બાદનાં એક-બે, કદાચ ત્રણ વર્ષ મને યાદ નથી. આપણી ઘણી યાદો ધૂંધળી અને મિક્સ હોય! તે અનુભવ મને, હું વર્ષો બાદ થોડા દિવસો પહેલાં ડુમરા ગયો, ત્યારે થયો. હું એવા લોકોને મળ્યો જેઓ મને તેડી તેડીને ગામમાં ફરતા. મને જમાડતા, રમાડતા! તેમને બધું એકદમ યાદ છે, મને આછું આછું યાદ આવતું હતું, પણ સાડાત્રણ વર્ષ પછીનું મારા મનમાં બધું જ કોતરાયેલું છે: મોટી ઓસરી, લીંપણવાળો રૂમ, અમારી શેરી, હીરા માસી, બુદ્ધુ બાપા, સ્કૂલનો ઘંટ, બારમાસીનાં ફૂલ, ગામનું તળાવ, મફત નગર અને બસ સ્ટેન્ડ!
એ શેરીમાં પગ મૂકતાં જ જાણે મારું આખું બાળપણ દોડતું સામે આવ્યું! આપણી યાદો સાથે એડિશનલ બાબતો પણ બખૂબી જોડાઈ ગઈ હોય, જેમ કે સંગીત કે સુગંધ! મારાં નાની રાતના ડુંગળી-બટેકાનું શાક બહુ સરસ બનાવતાં. એ શાકની સુગંધ હજુ મને આવે છે! દાદાની સુગંધ મને યાદ છે. જીવનના જુદા જુદા તબક્કે જોયેલી ફિલ્મો અને સાંભળેલાં ગીતો સાથે આપણો એક અલગ પ્રકારનો સંબંધ બંધાયો હોય છે. વર્ષો બાદ તેમાંથી ફરી પસાર થતાં તાજો થાય છે. એટલે જ ‘જન્નત’નું ‘ઝરા સી દિલ મેં દે જગા તૂ’ સાંભળીએ કે ‘રહના હૈ તેરે દિલ મેં’નું ‘સચ કહ રહા હૈ દિવાના’ સાંભળીએ, તે વખતની આપણી જિંદગી આંખો સામે તરવરે છે. તે જિંદગીને વધુ સંવારનાર વ્યક્તિ ચાલી ગઈ તેનું દુ:ખ થાય છે.
ભૂતકાળને ભૂલો અને ભવિષ્યની ચિંતા છોડો. વર્તમાનમાં જીવો – આ વાક્ય પ્રમાણે જીવવા જેવું ખરું, પણ નોસ્ટાલ્જિકનો પણ અલગ જલસો છે. નશો છે! જુદા જુદા સ્વભાવ ધરાવતા અને જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધી ગયેલા સ્કૂલ, કોલેજના મિત્રો સાથેના બોન્ડિંગનું એક કારણ કોમન યાદો જ છેને!
વેકેશનમાં મામાના ઘરે ગયા હોઈએ, ભાઈભાંડુડાંવ સાથે રમ્યા હોઈએ, પપ્પા પાસે પૈસા લઈને આઈસકેન્ડી ખાધી હોય, પહેલી વખત સાઇકલ શીખી હોય, સ્કૂલ-પ્રવાસ કર્યો હોય, સ્કૂલમાં કોઈ છોકરી ગમી હોય, ભાઈબંધ સાથે સખત ઝઘડ્યા હોઈએ, સ્કૂલ એસેમ્લીમાં સખત ખરાબ પરફોર્મ કર્યું હોય, સાહેબનાં પાડેલાં નામો, સેક્ધડરી સ્કૂલનો પહેલો દિવસ, એકાદ ઉત્તરાયણ, દાદા-દાદીની વાર્તાઓ, કોઈ ખરાબ ટેવ, રાતના પથારીમાં જ પેશાબ કરી જવું, હવે નથી તે ઘરના સગા સાથેની સારી-ખરાબ મોમેન્ટ, બધા ભેગા દરિયે ગયા હોઈએ, વગેરે નાનપણની યાદોનો પટારો છે. આમાં તમે પણ તમારી યાદો નોંધાવી શકો છો!

આવજો
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા!
મોઢે બોલું ‘મા’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા!
– દુલા ભાયા કાગ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.