બાગકામનો કક્કોય ન જાણતી મહિલાએ છ વર્ષમાં બાલ્કનીમાં ઊભું કર્યું શહેરી જંગલ

લાડકી

ફોકસ -અનુજા દોશી

મળો પુણેની માનસી દુનાખેને, જેને છ વર્ષ પહેલાં સુધી છોડવાની બહુ જાણકારી નહોતી, પરંતુ હરિયાળીવાળી જગ્યામાં ફરવું ગમતું હતું. હરિયાળીના આ શોખને કારણે તેણે પોતાનું ઘર એક મિની જંગલમાં બદલી નાખ્યું છે. માનસી એક ડેટા વૈજ્ઞાનિક છે અને વીસ સભ્યોની ટીમની લીડર પણ છે.
રોજ સવારે ઊઠીને તે આખા દિવસનું પ્લાનિંગ કરે છે અને તે માટે તેને શાંતિની જરૂર હોય છે. કોરોનાકાળથી વર્ક ફ્રોમ હોમ કરી રહેલી માનસી કહે છે કે ‘હું મારા બગીચામાં સૌથી વધારે પ્રોડક્ટિવ ટાઈમ પસાર કરું છું. મારી દરેક મીટિંગ મારા બગીચામાં જ થાય છે.
વર્ષ ૨૦૧૬ પહેલાં માનસીને બાગકામ વિશે કોઈ માહિતી નહોતી, પણ તેને જંગલોમાં ફરવું ખૂબ જ ગમતું હતું. સમય મળે કે તરત તે કોઈ હરિયાળીવાળી જગ્યામાં ફરવા ચાલી જતી હતી. તેના પાર્ટનર એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એટલે બન્નેએ હરિયાળી આસપાસ રહે તે માટે ઘરે જ છોડવા ઉગાડવાનું શરૂ કરી દીધું.
માનસી હંમેશાં અભ્યાસ અને નોકરીને લીધે વ્યસ્ત રહેતી હતી. એટલે તેને ક્યારેય પોતાનો બગીચો બનાવવાનો ખ્યાલ આવ્યો નથી, પણ ૨૦૧૬માં જ્યારે તે પોતાના પાર્ટનર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ, તો તેને બે બાલ્કની મળી જ્યાં તે આરામથી બાગકામ કરી શકે તેમ હતી. તેના ઘરની એક બાલ્કની ૧૫૦ સ્ક્વેર ફીટ અને બીજી ૧૮૦ સ્ક્વેર ફીટની હતી. અહીં તેણે એક-બે છોડવા સાથે બગીચો બનાવવાનું શરૂ કર્યું. પહેલાં તે જ્યારે નર્સરીમાં જતી ત્યારે જે મન થાય તે છોડવા ઉપાડી લાવતી, પણ ઘરે આવીને અમુક દિવસોમાં છોડવા મરી જતા.
ત્યાર બાદ તેણે દરેક છોડ વિશે વાંચવાનું શરૂ કર્યું અને બાગકામમાં તેનો રસ વધવા માંડ્યો. તે કહે છે કે ‘એક ડેટા વૈજ્ઞાનિક હોવાને નાતે હું જૂના ડેટાને ધ્યાનમાં રાખી નવો ડેટા બનાવું છું, તે જ થિયરી હું મારા બગીચામાં પણ અજમાવું છું. એટલે જે મુશ્કેલીઓ પહેલાં મને આવી તેને ધ્યાનમાં રાખી ખાતર અને છોડવાને પસંદ કરું છું અને દરેક બાબત પર બારીકાઈથી કામ
કરું છું.’
આ રીતે શરૂઆતનાં ત્રણ વર્ષ તો માનસીને છોડવાઓ વિશે માહિતી મેળવવામાં જ લાગી ગયાં. તેણે પોતાના બગીચાને લીધે ઘરમાં પણ ફેરફાર કર્યા, જેમ કે પહેલાં બાલ્કનીમાં જે ફર્નિચર હતું તે પાણીથી ખરાબ થઈ જતું હતું આથી તેને બદલી પાણીમાં ખરાબ ન થાય તેવું ફર્નિચર લાવી. આ સાથે માનસીએ બાલ્કનીમાં ગ્રીન નેટ પણ લગાવી, કારણ કે તેની પાસે મોટે ભાગે શેડની જરૂર પડે તેવા જ છોડવા છે.
તેણે બાલ્કનીમાં લાકડાની એક હેંગિંગ ફ્રેમ બનાવી છે જેના પર નાના છોડ ઉગાડ્યા છે. કોરોનાકાળમાં તેની પાસે જ્યારે વધારે સમય હતો ત્યારે તેણે છોડવાઓ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેના લીધે છોડવાના વિકાસમાં પણ ફરક પડ્યો. ઘણા છોડવા જે પહેલાં સુકાઈ જતા હતા તે કોરોનાકાળમાં તાજામાજા થઈ ગયા. હાલમાં માનસી પાસે ફૂલોની લગભગ દસ વરાઈટી છે, જેમાં બોગનવેલથી માંડી જિરેનિયમ, થનબેંગિયા, કર્વી, મોર્નિંગ ગ્લોરી સહિત ઘણા મોસમી છોડવાઓ છે.
આ સાથે હરિયાળી માટે તેની પાસે ફર્ન, ફિલોડેડ્રોન અને પેથોસની ઘણી વરાઈટી છે. તેને હરિયાળીનો ઘણો શોખ છે તેથી તે એવા છોડવા લગાવે છે જે ઓછી દેખભાળ માગે ને વધારે હરિયાળી આપે. તે અલગ અલગ છોડવાને બદલે એક જ પ્રકારના વિવિધ છોડવા લગાવવાનું પસંદ કરે છે.
માનસીએ જણાવ્યું હતું કે જે છોડ મારા ઘરમાં સરળતાથી ઊગી જાય હું તેના વધારે છોડવા લગાવું છું. માનસીના બગીચામાં ૫૦ કરતાં પણ વધારે હેંગિંગ છોડવા છે. પહેલાં માનસી પોતાની સોસાયટીના કમ્પોસ્ટરમાંથી ખાતર લઈને
આવતી હતી, પણ કોરોનાકાળમાં તેણે ઘરે જ પ્રયોગો કર્યા અને ખાતર બનાવવાનું શરૂ કરી
દીધું હતું. હવે તેને બહારથી ખાતર લાવવાની જરૂર પડતી નથી. માનસી કહે છે કે હું ખૂબ જ વ્યસ્ત છું, છતાં ઘરે ખાતર આરામથી બનાવી લઉં છું.
હાલમાં તેની બાલ્કનીમાં ૫૦૦થી વધારે છોડવાઓ ઊગ્યા છે જે આખા ઘરને જંગલ જેવું બનાવી દે છે. તો રાહ શેની જુઓ છો… તમે પણ તમારા ઘરમાં એક જંગલ બનાવી લો જેમાં પરિવાર સાથે શાંતિથી જીવી શકો.
હેપ્પી ગાર્ડનિંગ…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.