બહાર ભલે ધીંગાણાં મચાવો, પણ ઘરમાં માતા-પિતા અને વડીલોને અવશ્ય સાચવજો

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો, મારા વહાલા વાચકમિત્રો? ગત સપ્તાહ બહુ જ સુંદર પાંચ વાતો કહી. તેને આપણે ટચૂકડી વાર્તા કહી શકીએ, પણ એક ટચૂકડી વસ્તુમાં કેટલો મોટો ભાવાર્થ હતો. જે વાચકમિત્રોને વાંચવાનો સમય મળ્યો એ લોકોને સમજાઈ ગયું હશે કે સાલું વાતોમાં દમ છે. આ કથાઓના જે સાર હોય છે એ જીવનની સમજણ આપે છે. હું સમજી ચૂકી છું, પણ મોડું સમજાયું. બહુ મોટું નુકસાન પણ ભોગવી ચૂકી છું. આ હું તમને એટલા માટે કહી રહી છું કે તમને સમય રહેતાં સમજાઈ જાય અને તમે તમારા વડીલો સમા ધનને અને તેમના સંકેતને સમજી શકો.
મારી માતા નવો જન્મ લઈ ચૂકી છે. આ જીવનના સંબંધો પૂરા કરી નાખ્યા એટલે અફસોસ ખૂબ રહી ગયો. આ ન કરી શક્યાં, ન કરી શકી, આવું ખરાબ કર્યું, પેલું ખોટું થઈ ગયું. હું તેમને ન સમજી શકી. આવું બધું બહુ જ અંદર અંદર થાય. બરાબર વાતને મિત્રો?
મન કચવાયે ખરું કે એક વાર ગયેલી વ્યક્તિઓ પાછી આવી જાય તો બધું સરખું કરું, પણ એ શક્ય છે? દરેકેદરેક વૃદ્ધ માતા અને જવાન છોકરી કે છોકરો મારી આ વ્યથાને સમજી શકશે કે અબ પછતાએ ક્યા હોવત હૈ જબ ચીડિયા ચુગ ગઈ ખેત. આપણે ઘણી વાર બોલીએ છીએ કે ઓહ ગોડ, આ બધું પછી જ કેમ સમજાય છે? એને જ તો અનુભવ કહેવાય છે.
પણ આપણે તો રહી ગયાને! અને ખરેખર કહું છું, ભલે ગમે તેટલી મોટી સેલિબ્રિટી હો કે ભલે ગમે તેટલી સામાન્ય ક્ધયા હો. ગમે તેટલા મોટા તોપચી પણ કેમ ના હો, હૃદય દરેકનાં સરખાં છે. લોહી આજ સુધી દરેકનું સરખું છે. એમાં કોઈનું ગોલ્ડન લોહી નથી આવ્યું કે પૈસાદાર માણસોનું ગોલ્ડન લોહી એવું કશું નથી થયું. (હા, સંસ્કાર ને સત્યની શક્તિઓને બ્લુ બ્લડ કહે છે. પેલું નથી કહેતા કે રોયલ બ્લડ છે એમ.) કહેવાનો ભાવાર્થ એમ કે મનમાં વ્યથા બધાને સરખી જ થાય. યુવાન છોકરીઓ ને છોકરાઓને એક જ વાત કરીશ કે… ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ. અગણિત છે ઉપકાર એના એ કદી વીસરશો નહિ. નહિતર યુ વિલ મિસ ધ ટ્રેન. જસ્ટ લાઇક આઇ મિસ્ડ માય.
મારાં બહેનો અને ભાઈઓ, નુકસાન ન થાય એટલા માટે આ કહેવાનું મન થયું કે પ્લીઝ બહાર ધીંગાણાં મચાવીને આવો એનો કશો જ વાંધો નથી. બહાર જીવનમાં પોતાની ધજા ફરકાવો, પણ ઘરમાં મા-બાપ કે કોઇ પણ વડીલો હોય એમને જરા સાચવજો અને સમજજો. શક્ય હોય તો નમ્ર રહેજો. મુશ્કિલ હૈ પર નામુમકીન નહીં. સંબંધો, વડીલો, મા-બાપ જતાં રહેશે પછી કોઈ મિત્ર કે કોઈ મિત્રતા, કોઇ પણ વ્યક્તિઓ… એ સાંત્વના નહીં આપી શકે જે તમારાં માતા-પિતા કે તમારા પરિવારજન આપતાં હતાં. મારી આ વાત પર વિચાર કરજો અને વિશ્ર્વાસ કરજો. આવી સુંદર વિચારધારાને આગળ વધારવા માટે બીજી પાંચ ટૂંકી કથાઓ હું તમારી સમક્ષ રજૂ કરું છું.
વાત વિચારનાર, લખનાર, વહેતી મૂકનાર અને વાંચીને કથાસાર સમજીને એને અનુસરવાનો પ્રયત્ન કરનારને નેહાના વંદન, કારણ કે સમજણભર્યા શબ્દો એ ખાલી શબ્દો કે લેખો નથી, એ જ્ઞાનધન છે. (એમ મારાં માતા મને કહેતાં.) માટે આ સપ્તાહ પણ તમારું અને આપણા બધાનું મન જીવનની સુંદરતાને સમજી શકે અને સમજીને આચરણ કરે અને પોતપોતાનું જીવન સારું કરી શકે તો મને ખૂબ આનંદ થશે.
શક્યત: સજાગ અને સુંદર મનની શક્તિઓ મારી આ વાત સમજશે અને એમના જીવનમાં વધારે નુકસાન ન થાય તે જોશે. આજે જે સંબંધ છે તેનું સુખ છે જ, પણ કાલે ન હોય ત્યારે તેમની ખોટ ન સાલે એ માટે વાચકમિત્રો અચૂક સુંદર પગલાં ભરશે. આવો, પાંચ સુંદર નાનકડી કથાઓનો સાર સમજીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. એમ સમજીએ કે તરબૂચ, સકર ટેટી, કેરી, કિવી જેવાં ફળ છે અને આ વાતો જ્ઞાન ફળ છે. ફળ ખાઇને તનની અને જ્ઞાન વાંચીને મનની તરસ બુઝાવીએ. છેને ફાયદાની વાત. ચાલો, કરીએ સમજવા જેવી વાત.
સમજણની વાત ૬
પિતાજીના ગયા પછી સંપત્તિની વહેંચણી કર્યા બાદ ઘરડી માને પોતાના ઘરે લઈ જતી દીકરી બોલી, ‘હું ખૂબ નસીબદાર છું, મારા ભાગે તો જીવન
આવ્યું છે.’
સમજણની વાત ૭
ગઈ કાલે મારો છોકરો મને કહે, ‘પિતાજી, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમ કે તમે પણ કદી દાદા-દાદીને છોડીને ગયા નથી. આ સાંભળીને મને મારા વડીલોની મિલકત મળી ગયાનો
આનંદ થયો.
સમજણની વાત ૮
મારા પતિના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતાં જતાં પરાણે ૫,૦૦૦ રૂ. તેના હાથમાં આપ્યા અને કહ્યું કે લગ્નમાં બહેનને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળેલી બધી ભેટોમાં આ
શ્રેષ્ઠ હતી.
સમજણની વાત ૯
આજે ઓફિસથી છૂટીને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજીને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલદી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજીએ કહ્યું કે ચાલ, જલદી હાથ-પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણા દિવસથી મને ખાવાનું મન હતું.
સમજણની વાત ૧૦
સાંજના સમયે સુમતિબહેન માળા ફેરવતાં હતાં, ત્યાં છોકરો નોકરીએથી ઘરે આવ્યો. તેની સાથે મોગરાનાં ફૂલની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથામાં નાખીને આવશે, પણ ત્યાં તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાનાં ફૂલ હતાં. ભગવાન પણ ગાલમાં હસતા હતા.
વાહ ભાઈ વાહ… છેને સકારાત્મક વાતો.
મિત્રો, એક વાત કહું, તમારા સુધી આ નાની નાની વાર્તાઓનું અવલોકન કરીએ ને ગોતી-સમજી તમારા સુધી પહોંચતી કરવી, એની પાછળનો મારો હેતુ શું ખબર છે? હકારાત્મકતા, સકારાત્મકતા, સાંત્વના, હાશકારો, એક આશા. જ્યારે જીવનમાં ભલે બધું જ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યું હોય. બધી જ વસ્તુ આપણા હાથમાંથી છૂટી રહી હોય કે બધા જ આપણા માટે ઊંચુંનીચું કશું પણ બોલતા હોય, પણ આપણા ઘરના લોકો! આપણો પરિવાર! આપણા હિતેચ્છુ, અપણા મિત્રો આપણને શાબ્દિક રીતે પણ સહારો આપેને કે શાબ્દિક રીતે પણ સાચી દિશા દેખાડેને તે ધન જ કહેવાય છે. મારાં માતા-પિતા કહે છે કે માત્ર રૂપિયા કમાવાની હોડમાં તમે તમારા અંતરને મારી ન નાખતા, તમે તમારા માનસને હણી ન નાખતા અને આ બધી વસ્તુઓમાં હું કહીશ કે ભણતર કામ આવે છે. મિત્રો, અત્યારે હું એટલી બેકફૂટ પર શાંતિથી રમું છું જીવનમાં. બેઠી છું. વિચારું છું. અભ્યાસ કરું છું.
જ્યારે બધી જ જગ્યાએ હાહાકાર મચી રહ્યો છે ત્યારે આપણે પોતાની કારની ચિંતા કરીએ એટલા પામર તો નથીને આપણે. મિત્રો, આપણી પાસે આપણી આજ સારી છે તો આવતા ભવિષ્યના માટે લોકોને ચીરફાડ કરીને કે મનને એકદમ ધુત્કારીને કે હઠ કરીને કે આપણા શરીરને ગમે તે રીતે પૈસા કમાવાની હોડમાં નાખી થોડી દેવાનું હોય. જો આપણે જીવન સાથે કોમ્પિટિશન ન કરવાની હોય તો જીવનમાં બીજી વ્યક્તિઓ સાથે કોમ્પિટિશન ન જ કરવાની હોય. એટલે ધૈર્ય રાખવું પડે. સંસ્કારોથી જોડાયેલા રહેવું પડે.
અને સંસ્કાર એટલે! પોતાની રિયાલિટી સાથે, પોતાના વડીલોએ આપેલા જ્ઞાનની સાથે, એમના શબ્દો સાથે, સારા વાચન સાથે સારું માનસ કેળવી, બીજાને માફ કરી, દરેકેદરેક માટે સદ્ભાવના દિલમાં ડેવલપ કરીને કુદરતની પ્રાર્થના કરવી એ પણ આપણી પોતાની કમાયેલી ધન રાશિ જ કહેવાય. આ જ રસ્તે આપણે ચાલીએને તો આપણને લક્ષ્મીદેવી પૈસાના રૂપમાં તો દરેક રીતે મદદ કરવા હાજર થઈ જશે એ મારો વિશ્ર્વાસ રાખજો. થોડોક થોડોક જીવનનો અનુભવ મને પણ છે. બાકી તો આપણી આસપાસ વડીલો હાજરાહજૂર છે એમને પૂછી લેજો, કારણ કે હજુ પણ જો આપણે કુદરતનો વિચાર ન સમજીએ તો તો આપણને ખરેખર અભ્યાસની જરૂર છે.
તમે જુઓ યુક્રેનમાં, બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. અમુક બીજા દેશોમાં પરમાણુ બોમ્બની તૈયારીઓ થઈ રહી છે. રશિયા પાછું પડી નથી રહ્યું. એક બાજુ દુકાળ ને તાપ છે. બીજી બાજુ સખત વરસાદનો હાહાકાર છે. જળબંબાકાર છે. આસામ, અરુણાચલ, કેરળમાં તમે જઈ આવો, પૂર આવી રહ્યાં છે. પૂલો તૂટી રહ્યા છે. ધરતી અંદર ધસી રહી છે. એવામાં આપણે માત્ર ‘પૈસો મારો પરમેશ્ર્વર ને હું પૈસાનો દાસ’ કરવામાં આપણું જીવન હણી નાખીશું.
જો ટપાક દઈને ધરતી ખસી જશે, આપણે ખાડામાં પડી જઈશું. ઝંઝાવાતમાં વાવાઝોડું આવશે ને આપણે તણાઈ જઈશું. એક બાજુ સખત ગરમી પડશે કે આપણી નોટો અને આપણે બધા બળી જઇશું. એવું ન થાય એમ જ ઇચ્છીએ અને એવું નહીં થાય એવી પ્રાર્થના કરીએ, પણ એના માટે આપણે સારા માણસ બનીએ અને આપણા પ્રયોજનને આપણે પ્રાથમિકતા ને માનવતા સાથે અને પવિત્રતા સાથે જોડી જીવન અને કુદરતને પ્રાર્થના કરી એની ક્રાંતિ વધારીએ. એની ઉત્કૃષ્ટતા માટે કામ કરીએ, જેથી આપણે બધા સંપૂર્ણત: ધનવાન થઈએ. આવા સારા વિચારોને સાથ આપનાર દરેકેદરેક વાચક મિત્રો, અનુકરણ કરજો, અનુસરજો અને આગળ વધજો, એ જ ઈશ્ર્વરને પ્રાર્થના. સદ્બુદ્ધિ વિદ્યા દેહી મા અને પ્રભુ સર્વનું કલ્યાણ કરે.
———————
તમારા સવાલો મોકલાવો મુંબઈ સમાચારના એડ્રેસ પર પત્ર દ્વારા અથવા આ ઈમેઈલ આઈડી પર samachar.bombay@gmail.com

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.