બધા માનતા હોય એમાં ‘માનવું’ એ માન્યતા, પણ કોઈ ન માનતું હોય એમાં ‘માનવું’ એ વિશ્ર્વાસ

મેટિની

અરવિંદ વેકરિયા

બે નહીં, પૂરા બાર દિવસ પછી રાજેન્દ્ર શુક્લનો ફોન આવ્યો કે પ્લોટનો સિનારિયો નહિ, પહેલો સીન લખી નાખ્યો છે, આખી વાત મળીશું એટલે કરીશ. એ નોકરી કરતો હતો જેના કામને લીધે એને સમય નહોતો મળ્યો. નાટકનું મેં દિગ્દર્શન શરૂ કર્યું ત્યારે ઘણા ‘હિતેચ્છુઓ’ રંગભૂમિ પર મને મળી આવેલા, સલાહકારોની આમ પણ ઓછપ નહોતી અને આજે પણ નથી. એવા કહેવાતા ‘હિતેચ્છુઓ’ને જ્યારે જાણ થઇ કે હું નવું નાટક કરવા વિચારી રહ્યો છું કે તરત વણમાગી સલાહોથી મારા કાન ભંભેરવા લાગ્યા. એ બધી સલાહોનો સૂર એક જ હતો, ‘તું સાવ નવા લેખક સાથે નાટક કરે છે?’ ત્યારે હું માનતો હતો અને આજે પણ એક વાત પર તટસ્થ રહ્યો છું કે ‘બધા માનતા હોય એમાં ‘માનવું’ એ માન્યતા, પણ કોઈ ન માનતું હોય એમાં ‘માનવું’ એનું નામ વિશ્ર્વાસ’. મને રાજેન્દ્રમાં કોલેજકાળથી વિશ્ર્વાસ હતો. એ વિશ્ર્વાસ કેવો સાચો પુરવાર થયો એની બીજી વાતો આગળ ઉપર વિગતે આવશે. મેં જ રાજેન્દ્ર શુક્લનાં વધારેમાં વધારે નાટકો કદાચ તખ્તા પર રજૂ કર્યાં હશે એમ કહું તો કોઈ અતિશયોક્તિ નહિ કહેવાય. એક વાર એનું નામ રમતું થયું એ પછી તો એણે ઘણા મોટા મોટા નિર્માતાઓ સાથે પણ કામ કર્યું
બે દિવસને બદલે એણે બાર દિવસ લગાડ્યા એ દરમ્યાન મેં એને એક પણ ફોન કરી ‘ઉઘરાણી’ નહોતી કરી, પ્લોટને બદલે આખો સીન કદાચ એનું જ પરિણામ હશે… ફોન ન કર્યો એનું કારણ કદાચ મારી આગલી નિષ્ફળતા હશે? આ છૂપો ડર પણ જવાબદાર હોઈ શકે, કોને ખબર! આ દરમ્યાન નિર્માતા ચંદ્રકાંત ધ્રુવના મને ઘણા ફોન આવી ગયા જે બતાવતું હતું કે એ નાટક કરવા કેટલા અધીરા હતા. આ ગ્લેમરની દુનિયા જ એવી છે જેમાં પ્રવેશવા માટે લોઢું ગરમ જ હોવું જોઈએ. ઘણા શરૂઆતમાં ગરમાવો દેખાડી સાવ ઠંડા પડી જતા હોય એવા પણ મને મળ્યા છે, ખેર! જેવો રાજેન્દ્રનો મને ફોન આવ્યો કે બીજે દિવસે મેં નિર્માતાને ફોન કર્યો. બધાના સમયને અનુકૂળ સમય અમે નક્કી કરી લીધો મળવાનો. ત્યારે રાજેન્દ્ર થાણા રહેતો. હું કાંદિવલી. બધાને માફક આવે એ રીતે મીટિંગ ફિક્સ કરી લીધી. નિયત સમયે, રાજેન્દ્રની નોકરી પૂરી થયા બાદ અમે ત્રણેય મળ્યા. એણે લખેલો સીન વાંચી સંભળાવ્યો. સામાજિક વાત સાથે રહસ્ય અને હોરર વાતો પણ વણાયેલી હતી. એ સીન પૂરો કરી આખું નાટક કઈ રીતે આગળ વધશે એ પણ વિસ્તૃતમાં કહી સંભળાવ્યું. મને પ્લોટ રોચક લાગ્યો. નિર્માતાને પણ આ ‘થ્રી-ઇન-વન’ વસ્તુ જચી ગઈ.
એણે લખેલા પહેલા સીનમાં એક સંવાદ હતો કે છેતરપિંડી કરી લીધા પછી સંબંધ ગમે તેટલો મજબૂત બને, પરંતુ એમાં શંકાની તિરાડ રહી જતી હોય છે. રાજેન્દ્રએ સીનના પહેલા પાને નાટકનું નામ પણ લખી રાખેલું, ‘તિરાડ’. આ વાત છે ૧૯૮૫ની. અમને પણ ‘તિરાડ’ નામ ગમ્યું. નામ ‘છેતરપિંડી’ની પણ વાત થઇ, પરંતુ એ થોડું નેગેટિવ ફીલ થતું લાગ્યું. હજી તો માત્ર પહેલો સીન લખાયો હતો, નોકરીમાંથી સમય ચોરી, આખું નાટક ક્યારે પૂરું થશે એ માટે એ કોઈ બાંયધરી ન આપી શક્યો.
વસ્તુ જ્યારે ગમી જાય, પછી તમારું મન એ જ વાત મમળાવ્યા કરતું રહે છે. ગમે ત્યારે એ લખે, એવું તો નહોતું કે એ ‘તિરાડ’ની રાહ જોઇને પ્રેક્ષકો બેઠા હોય! અને હું કોઈ એવા સ્ટેજે પહોંચ્યો નહોતો, ઉપરથી ‘જીવન ચોપાટ’ નિષ્ફળ ગયું હતું એટલે રાહ જોવાનો તો સવાલ જ નહોતો. દુનિયા કદાચ દગો કરી અકલમંદ બની જાય પણ આપણે શું કામ ભરોસો ન કરી ગુનેગાર બનવું? આમ પણ જેટલી જરૂર મને હતી એટલી જ જરૂર રાજેન્દ્ર શુક્લ અને નિર્માતાને પણ હતી જ. વિચાર્યું, બીજો સીન આવશે પછી કલાકારો, સંગીત, સન્નિવેશ, એ બધાં અન્ય પાસાંઓ પર વિચારો થશે, પછી પસંદગી કરાશે, એ પછી રિહર્સલનાં પ્લાનિંગ થશે. સીન સેટ કરાશે એને પોલિશ્ડ કરાશે અને એ સમય દરમ્યાન રાજેન્દ્રને વધુ લખવાનો વખત મળી રહેશે. ચિંતાનું કારણ દેખાતું નહોતું. એ થાણાથી ટાઉનમાં નોકરી પર જતો. જવાબદારીભર્યું કામ, એટલે ઓફિસમાં વધુ સમય આપવો પણ પડતો. ભલે હાથમાં પેન પકડીને લખવાનું હોય, પણ મગજમાં વિચારો આવવા અને નાટકની ગતિ ધ્યાનમાં રાખી લખાવું જોઈએને? જ્યાં સુધી સંતોષકારક વિચારો કાગળ પર ચીતરાય નહિ ત્યાં સુધી એની પાસે સીનો માગ્યા કરવું ઉચિત તો નહોતું જ. હા, લેખન બાબત ખબર-અંતર પૂછ્યા કરવાના. અંતર ભલે ગમે તેટલું હોય (થાણા-કાંદિવલી), પરંતુ ખબર રાખવી તો પડે. એ દિવસે એ મીટિંગ પૂરી કરી. એણે આપેલા સીનની ઝેરોક્સ કઢાવી અને ઓરિજિનલ એને આપી દીધી.
આ મીટિંગ પછી ફરી ચાર દિવસ પસાર થઇ ગયા. હવે મને નાટક બનાવવાની તાલાવેલી શરૂ થઇ ગઇ હતી. એના માટે નિર્માતાના આવતા ફોન પણ જવાબદાર હતા. સમય તો સમયનું કામ કરતો જ રહે છે. વીતેલા સમય માટે અફસોસ કરવાનો કોઈ અર્થ પણ નથી હોતો, કારણ એ સમયે પણ સમય તો પસાર થતો જ હોય છે. ત્યાં એક દિવસ રાજેન્દ્ર શુક્લનો ફોન આવ્યો કે બીજો સીન તૈયાર થઇ ગયો છે, કાલે મળીએ અને આપણે કાસ્ટિંગનો વિચાર કરી લઈએ. આ બધા પ્રોસેસ દરમ્યાન મારા ‘અકસ્માત’ નાટકના શો તો ચાલતા હતા. બીજે દિવસે અમે, મેં અને નિર્માતાએ, રાજેન્દ્ર શુક્લને મળવાનું નક્કી કર્યું…
***
તકદીરના તાબામાં હજી રહેવું છે,
ચાહકોના પડખામાં હજી રહેવું છે,
બરબાદી હજી પૂરી નથી થઇ મારી,
વિશ્ર્વાસની દુનિયામાં હજી રહેવું છે.
——–
પત્ની: કહું છું… સાંભળો છો? બાજુવાળીની રિંકીને ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક આવ્યા…
પતિ: અચ્છા! એક માર્ક ક્યાં ગયો?
પત્ની: એ આપણો દીકરો લઈ આવ્યો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.