ફ્રિન્જ: લટ, લટખોર અને લુનાટિક

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ગયા સપ્તાહે એક અંગ્રેજી શબ્દ બહુ ચર્ચામાં હતો; ફ્રિન્જ એલિમેન્ટ. ભારતીય જનતા પાર્ટીની (ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પ્રવકતા નવીન કુમાર જિંદલે મહમ્મદ પૈગંબરને લઈને એક ટિપ્પણી કરી હતી. તેથી મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં મુસ્લિમ રાષ્ટ્રોમાં બહુ વિરોધ ઊઠ્યો હતો. તેના પગલે ભાજપે બંને પ્રવક્તાને પક્ષમાંથી પાણીચું પકડાવ્યું હતું. તે વખતે, કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે, ભાજપના લેટરપેડ પર લખાયેલું એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સૂચિત ટિપ્પણી ભારત સરકારનો મત નથી અને તે ફ્રિન્જ એલિમેન્ટ (નૂપુર શર્મા અને નવીન જિંદલ)ના વિચારો છે.
ફ્રિન્જ એલિમેન્ટ મોટાભાગે મીડિયાનો શબ્દ છે. પહેલીવાર કોઈ પાર્ટીએ તેમના જ અધિકૃત પ્રવકતાઓથી અંતર કરવા માટે તેમને ફ્રિન્જ એલિમેન્ટ ગણાવ્યા હતા. ફ્રિન્જ એલિમેન્ટ એટલે શું? તેનો ચોક્કસ ગુજરાતી પર્યાય નથી. ફૂટકણિયા કે છૂટક કહેવાય? ગુજરાતી અખબારોમાં લુખ્ખા તત્ત્વો એવો એક શબ્દ છે. હિન્દીમાં તેને મળતા આવતા અમુક શબ્દો છે; ચિરકૂટ, છૂટભૈયે, લટખોર, નિગોડા, ટુચ્ચા અથવા અરાજક.
જે મુખ્ય ધારાનો હિસ્સો ન હોય, તેને ફ્રિન્જ કહેવાય છે. દાખલા તરીકે, એક મોટા સંગઠનમાં છેવાડાના અમુક લોકો અલગ રીતે વિચારે, બોલે કે વર્તે તો તેમને ફ્રિન્જ એલિમેન્ટ કહે છે. ઓક્સફર્ડ શબ્દકોશ પ્રમાણે, ફ્રિન્જ એટલે કપાળ પર લટકતો વાળનો આગળનો હિસ્સો. ગઈ પેઢીની લોકપ્રિય સાધના તેની હેર-સ્ટાઈલ માટે પણ એટલી જ જાણીતી હતી. તેના કપાળ પર હંમેશાં વાળની લટો ફેલાયેલી રહેતી હતી. તેને સાધના કટ કહેતાં હતા અને તેની સ્ત્રી ચાહકોમાં તે બહુ લોકપ્રિય હતી.
૧૯૫૩માં, હૉલિવૂડમાં રોમન હૉલિડે નામની ફિલ્મ આવી હતી. તેની હિરોઈન ઓડ્રી હેપબર્નને એવા વાળની ફેશન કરી હતી. હૉલિવૂડમાં મનોરંજનની પત્રિકાઓ તેને ફ્રિન્જ કહેતાં હતાં. સાધના જયારે હિન્દી સિનેમામાં આવી ત્યારે, તેને તેના પહોળા કપાળને લઈને શરમની ભાવના હતી અને તેને ઢાંકવા માટે, હબિબ અહેમદ નામના હેરસ્ટાઈલિસ્ટની મદદથી તેણે વાળની ફ્રિન્જ બનાવી હતી.
સાધના એક ઇન્ટરવ્યૂમાં કહે છે, ફોટો ટેસ્ટમાં મારું પહોળું કપાળ દેખાતું હતું. તેને વાળની પટ્ટીઓ મારીને કવર કર્યું હતું. ‘લવ ઇન સિમલા’નું શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે, નિર્દેશક આર. કે. નય્યરે કહ્યું કે પટ્ટીઓ નહીં ચાલે. એ વખતે ઓડ્રી હેપબર્નની ‘રોમન હૉલિડે’ નવી જ રિલીઝ થઇ હતી. એટલે મને તાબડતોબ હેરડ્રેસર પાસે મોકલીને ફ્રિન્જ બનાવવામાં આવી.
ઓક્સફર્ડ શબ્દકોશ કહે છે કે આ શબ્દનો સંભાવત: પહેલો ઉપયોગ ૧૮૭૦ના દાયકામાં ઇંગ્લેન્ડ અથવા સ્કોટલેન્ડના એક સામાયિકમાં સ્ત્રી વાચકો માટે થયો હતો. તેમાં એક વિજ્ઞાપનમાં લખ્યું હતું, આગળના વાળ માટે વાંકોડિયા અથવા ગૂંથેલા ફ્રિન્જ. લગભગ એ જ સમયગાળામાં, ઓસ્ટ્રેલિયાના સમાચારપત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડમાં એક સમાચારમાં આવું વાક્ય હતું: તેમની ઊંચી અને કડક કાઠી રઈસ અને પ્રતાપી લાગતી હતી. માથું પ્રભાવશાળી અને સફેદ ભ્રમરવાળો ચહેરો મોસમના મારથી તરડાયેલો હતો. તેમના ઊંચા લલાટ પર સફેદ વાળની ફ્રિન્જ ઝૂલતી હતી.
ફ્રિન્જ શબ્દનો ઈતિહાસ ૧૪મી સદી સુધી જાય છે. તે વખતે તેને ફ્રેન્જ કહેવાતો હતો, અર્થ થતો હતો સુશોભનની કિનારી. જૂની ફ્રેંચ ભાષામાં, ફ્રેન્જનો અર્થ તંતુ, લટ, ઝાલર, કિનારી થતો હતો ૧૯મી સદીમાં આવતાં સુધીમાં તેનો અર્થ ધારની બહારનો હિસ્સો અથવા હાંસિયો થતો હતો.
અંગ્રેજી ભાષાશાસ્ત્રીઓ કહે છે કે આ શબ્દ દેશી લેટિન ભાષાના ફ્રિમ્બિયા પરથી આવ્યો છે, જેનો અર્થ સીમા અથવા સરહદ થાય છે. જૂનાં જમાનામાં કપડાં, મુગટ કે ઘોડાની જીનનું સુશોભના કરવા માટેની વસ્તુઓને ફ્રિન્જ કહેવાતી હતી.
મજાની વાત એ છે કે દાયકાઓ સુધી ફ્રિન્જ શબ્દ પુરુષના ચહેરા પરના વાળ માટે વપરાતો હતો. ઓક્સફર્ડ એના માટે ન્યૂગેટ ફ્રિન્જ શબ્દ આપે છે; અર્થ થાય છે દાઢી. ઇંગ્લિશ નવલકથાકાર ચાર્લ્સ ડિક્ધસે ૧૮૫૩માં એક પત્રમાં આવું લખ્યું હતું, મેં મારું સરસ રેઝર ઉઠાવ્યું અને દાખલો બેસાડવા માટે, મારી હડપચી નીચેની આખી ન્યૂગેટ ફ્રિન્જ ઉડાવી દીધી. ઓસ્ટ્રેલિયાના બીજા એક સમાચારપત્રમાં મૂંછો માટે ફ્રિન્જ શબ્દ વપરાયો છે.
આના પરથી ફ્રિન્જ સાયન્સ એવો શબ્દ બન્યો છે. સ્થાપિત વૈજ્ઞાનિક થિયરીઓથી હટીને જેની કલ્પના કરવામાં આવે તેને ફ્રિન્જ સાયન્સ કહે છે. ઘણીવાર સ્યુડોસાયન્સને પણ ફ્રિન્જ કહેવામાં આવે છે. દાખલા તરીકે, ખગોળશાસ્ત્રમાં જયારે પહેલીવાર બ્લેક હોલની કલ્પના કરવામાં આવી ત્યારે, મુખ્ય ધારાના વિજ્ઞાનીઓએ તેને ફ્રિન્જ સાયન્સ કહીને ખારીજ કરી નાખ્યું હતું.
માણસોના સંદર્ભે, એવો જ એક શબ્દ લુનાટિક ફ્રિન્જ છે. મરિયમ-વેબસ્ટર શબ્દકોશ અનુસાર, રાજકીય અથવા સામાજિક સમૂહ અથવા કોઈ ચળવળમાં સૌથી આત્યંતિક કે મૂર્ખામીભર્યા વિચારોવાળા માણસોને લુનાટિક ફ્રિન્જ કહેવાય. લેટિનમાં, ચંદ્ર માટે લુના શબ્દ છે, મતલબ ગાંડો. પાગલખાના માટે અંગ્રેજીમાં લુનાટિક અસાઈલમ શબ્દ છે.
આ શબ્દ પ્રચલિત કરવાનું માન, અમેરિકાના ૨૬મા પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટને જાય છે. ૧૯૧૩માં, ફરીથી પ્રેસિડેન્ટ બનવાની નાકામ કોશિશ પછી થોડા જ સમયમાં, રૂઝવેલ્ટે અમુક ચિત્રકારોના કળાપ્રદર્શન અંગે અકળાઈને લખ્યું હતું. આ ચિત્રકારો જેવું પેઈન્ટિંગ અગાઉ કોઈએ કર્યું નહોતું. તે વખતના કળાજગતમાં આ ચિત્રકારો લુનાટિક ફ્રિન્જ કહેવાતા હતા. રૂઝવેલ્ટે હિસ્ટ્રી ઑફ લિટરેચર આવું લખ્યું હતું:
…આપણે એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ કે કોઇપણ પ્રગતિશીલ ઝુંબેશના વફાદાર અનુયીઓમાં લુનાટિક ફ્રિન્જ હોય છે. તાજેતરના આ કળા પ્રદર્શનમાં લુનાટિક ફ્રિન્જનો દબદબો જોવા મળ્યો હતો.
અહીં, લુનાટિક ફ્રિન્જ એટલે માથાફરેલા ચિત્રકારો તો ખરા જ, પરંતુ તેનો સંદર્ભ અસલમાં પાગલ કરતાં માથામાં સરસ રીતે ગોઠવાયેલા વાળમાંથી વિદ્રોહ કરીને લલાટ પર છૂટા પડી ગયેલા ફ્રિન્જ વાળના અર્થમાં છે. આગળ વાત કરી તેમ, બ્રિટિશ હેરડ્રેસરો કાટ-છાંટ કરીને આંખની ભ્રમર સુધી વાળ લટકતા રાખે તેને ફ્રિન્જ કહેતા હતા.
નોર્થ અમેરિકન અંગ્રેજીમાં તેને બેંગ્સ કહે છે; ભ્રમરની ઉપર કપાળમાં ઝાલરની જેમ લટકતા વાળ. ગાય કે ઘોડાની પૂંછને સીધી કાપવામાં આવે તેને બેંગ્સટેઈલ કહે છે. કપાળ પરના વાળ પણ એવા છુંછા જેવા હોય છે એટલે તે ફ્રિન્જ કહેવાય.
બાય ધ વે, નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલને લુનાટિક ફ્રિન્જ કહેવાય?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.