ફેડરલના ૭૫ બેસિસ પૉઈન્ટના ફૂંફાડે આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવતાં સેન્સેક્સ-નિફ્ટી એક વર્ષના તળિયે: સેન્સેક્સ ૧૦૪૫ પૉઈન્ટ ખાબક્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસની નીતિવિષયક બેઠકના અંતે વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વર્ષ ૧૯૯૪ પછીનો સૌથી મોટો ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યાના નિર્દેશો સાથે આર્થિક વૃદ્ધિદરનો અંદાજ પણ ઘટાડ્યો હોવાથી વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૦૪૫.૬૦ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૩૩૧.૫૫ પૉઈન્ટના ઘટાડા સાથે એક વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૫૩૧.૧૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૨,૫૪૧.૩૯ના બંધ સામે સુધારાના ટોને ૫૩,૦૧૮.૯૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૧,૪૨૫.૪૮ અને ઉપરમાં ૫૩,૧૪૨.૫૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧.૯૯ ટકા અથવા તો ૧૦૪૫.૬૦ના ઘટાડા સાથે ૫૧,૪૯૫.૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
આમ આજે સેન્સેક્સમાં ૧૭૧૭.૦૨ પૉઈન્ટની અફરાતફરી રહી હતી. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૫,૬૯૨.૧૫ના બંધ સામે ૧૫,૮૩૨.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ ૧૫,૩૩૫.૧૦થી ૧૫,૮૬૩.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨.૧૧ ટકા અથવા તો ૩૩૧.૫૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૫,૩૬૦.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો અને સત્ર દરમિયાન ૫૫૮.૦૫ પૉઈન્ટની અફરાતફરી જોવા મળી હતી. આજના કડાકામાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૫.૫૪ લાખ કરોડ ઘટીને ૨,૩૯,૨૦,૬૩૧.૬૫ કરોડની સપાટીએ રહ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વર્ષ ૧૯૯૪ પછીનો સૌથી મોટો ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવા ઉપરાંત વૃદ્ધિદરમાં ઘટાડાનો અને વધુ આક્રમક નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો હોવાથી આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવતા બજારમાં વેચવાલીનું દબાણ વધ્યુ હતું અને સત્રના આરંભે જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે લાંબાગાળે ફુગાવાની અસર ન થાય તેવાં ફાઈનાન્સ અને સર્વિસીસ, આઈટી, ટેલિકોમ અને ફાર્મા જેવાં ક્ષેત્રોના શૅરોમાં આકર્ષણ રહે તેમ જણાય છે.
વધુમાં એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે વધી રહેલા ફુગાવાને ડામવા માટે કેન્દ્રવર્તી બૅન્કોએ લીધેલા પગલાંની ગ્રાહકોના ખર્ચ પર કેવી અસર થશે તેના પર રોકાણકારો મીટ માંડીને બેઠા છે. ખાસ કરીને આજે ફાસ્ટ મૂવિંગ ક્ધઝ્યુમર ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોનું આકર્ષણ જોવા મળ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી એકમાત્ર નેસ્લેમાં ૦.૩૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય તમામ શૅરોના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તેમાં મુખ્યત્વે ટાટા સ્ટીલમાં ૬.૦૪ ટકાનો, ટેક મહિન્દ્રામાં ૪.૩૭ ટકાનો, ભારતી એરટેલમાં ૪.૧૧ ટકાનો, વિપ્રોમાં ૪.૦૪ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૩.૯૬ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૩.૬૭ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈનાં સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૨.૮૭ ટકાનો અને ૨.૩૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. એકંદરે આજે બીએસઈ ખાતે ૨૭૫૪ શૅરના ભાવ ઘટીને, ૬૨૦ શૅરના ભાવ વધીને અને ૧૦૦ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈના તમામ બાવીસ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે મેટલ ઈન્ડેક્સમાં ૫.૪૮ ટકાનો, બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૫૫ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૩.૩૩ ટકાનો, પીએસયુ અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૩.૦૬ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૩.૦૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એશિયામાં શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર ઘટાડા સાથે અને ટોકિયો તથા સિઉલની બજાર સાધારણ સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે સ્વિસ નેશનલ બૅન્કે ૧૫ વર્ષ પછી પહેલી વખતા નીતિવિષયક દરમાં વધારો કર્યાના નિર્દેશ સાથે યુરોપિયન બજારોમાં મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬૬ ટકા ઘટીને બેરલદીઠ ૧૧૭.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસાના સુધારા સાથે ૭૮.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.