ફેડરલના વ્યાજદરમાં વધારો છતાં ટ્રેઝરીની યિલ્ડ મજબૂત રહેતાં વૈશ્ર્વિક સોનામાં નરમાઈ

વેપાર વાણિજ્ય

કોમોડિટી – રમેશ ગોહિલ

અમેરિકામાં ગત મે મહિનાનો ફુગાવો વધીને ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશ સાથે ગત ૧૪-૧૫ જૂનની નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, ફુગાવામાં નોંધપાત્ર વધારો થયો હોવાથી વ્યાજદરમાં વધારો અપેક્ષિત જ હતો, પરંતુ ફેડરલ રિઝર્વે વધતા ફુગાવાને નાથવા માટે વધુ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારાના અને આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થવાના પણ સંકેત આપતા વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફોલ ડાઉનનું વલણ જોવા મળ્યું હતું.
સામાન્યપણે ઈક્વિટીમાં ઘટાડો આવતાં સોના જેવી કીંમતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ ફેડરલના નિર્ણય સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈને નરમાઈતરફી રહ્યા હતા.
તેમ જ સાપ્તાહિક ધોરણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડો આવ્યા હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાત પડતરમાં વધારો થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૪નો અથવા તો ૦.૪૫ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. ૫૦,૯૩૫ સામે સુધારાના ટોને રૂ. ૫૧,૬૫૭ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૦,૬૧૯ અને ઉપરમાં રૂ. ૫૧,૬૫૭ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૨૩૪ વધીને રૂ. ૫૧,૧૬૯ની સપાટીએ બંધ રહ્યા હતા.
એકંદરે સપ્તાહ દરમિયાન સોનામાં નીચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ હવે લગ્નસરાની મોસમ ઓસરી રહી હોવાથી રિટેલ સ્તરની માગ શુષ્ક હોેવાનું એક હોલસેલરે જણાવતા ઉમેર્યું હતું કે જ્વેલરી ઉત્પાદકો વધુ ભાવઘટાડાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે ભાવમાં પુન: ઉછાળો આવી જતાં તેઓની લેવાલી ધીમી પડી હતી. તેમ છતાં જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે ઔંસદીઠ ૧૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે છ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યાના અહેવાલ હતા.
સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે કોવિડ-૧૯ નિયંત્રણોને કારણે વેપાર નિરસ રહ્યા હતા અને ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ પાંચ ડૉલર ડિસ્કાઉન્ટથી ૫૦ સેન્ટ પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
એકંદરે ચીનના ઘણાં શહેરોમાં કોવિડ-૧૯ને કારણે લોકો બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે અને અમુક ફેબ્રિકેટરો શૂન્ય આવક સામે ઓવરહેડ ખર્ચનો સામનો કરી રહી હોવાથી નાદારીને આરે હોવાથી ચીનમાં સોનાની આયાત પણ ઓછી રહે તેવી શક્યતા ચીનસ્થિત એમકેએસનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતા ઉમેર્યું હતું કે ઑગસ્ટ મહિનામાં બજાર રાબેતા મુજબ થતાં માગ ખુલવાની શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હૉંગકૉંગ ખાતે ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની તુલનામાં ઔંસદીઠ ૧.૮ ડૉલર ડિસ્કાઉન્ટથી ૧.૫ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે સિંગાપોર ખાતે ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગ ખૂલતાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧.૩થી ૧.૭ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. અમેરિકી ફેડરલ રિઝર્વે આક્રમક નાણાનીતિ અપનાવતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, કડક નાણાનીતિને પગલે અમેરિકાની આર્થિક વૃદ્ધિ ધીમી પડે તેવી શક્યતા પ્રબળ રહેતાં સોનામાં સલામતી માટેની માગ ખૂલે તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં ફુગાવામાં વધારાને પગલે કેન્દ્રવર્તી બૅન્કોએ આક્રમક નાણાનીતિ અપનાવી વ્યાજદરમાં વધારો કરતાં બજારમાં પ્રવાહિતા ઘટવાથી અર્થતંત્ર પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવતા ઈક્વિટી અને બૉન્ડ માર્કેટમાં ઑલ ફોલ ડાઉનનું વલણ રહ્યું હતું.
જોેકે, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે રોકાણકારોની સોનામાં માગ નિરસ રહેતાં ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં જો ફેડરલ રિઝર્વના પગલાં અસરકારક પુરવાર થશે અર્થાત્ વ્યાજદર વધારાથી ફુગાવામાં શમન થશે અને અર્થતંત્ર પર પણ માઠી અસર નહીં પડે તો સોનામાં સલામતી માટેની માગ વધુ ઓસરે તેવી શક્યતા નકારી ન શકાય. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં અત્યાર સુધીનો સૌથી મોટો ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. તે જ પ્રમાણે સ્વિસ બૅન્કે પણ આશ્ર્ચર્યજનક રીતે ૧૫ વર્ષમાં પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો અને બૅન્ક ઑફ ઈંગ્લેન્ડે પણ વ્યાજ વધાર્યા હતા.
એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકોના મતાનુસાર વર્તમાન સપ્તાહે વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૧૯૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૪૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૨,૦૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮૩૭.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા ઘટીને ૧૮૪૦.૬૦ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. તેમ જ હાજર સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૭ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.