ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કમ્યુનિસ્ટ કાવતરા’ની ગંધ

મેટિની

હેન્રી શાસ્ત્રી

‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મના દિગ્દર્શક તરીકે આપણે ત્યાં વધુ જાણીતા શેખર કપૂરે તાજેતરના કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક અત્યંત મહત્ત્વની વાત કરી છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના આયોજનમાં કાન બહુ મોટું નામ વર્ષોથી ગણાયું છે. શેખર કપૂરની દલીલ છે કે ‘કાન ફેસ્ટિવલ એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં હવે એમાં નવીનતા નથી રહી. ભારત કહાણીઓનો દેશ છે. અહીંના ફિલ્મમેકરો આપણી વાર્તાને એવું સ્વરૂપ આપવા માગે છે જેમાં પશ્ર્ચિમના દર્શકોને પણ રસ પડે. આ વાતાવરણમાં કાન જેવા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન હવે ભારતમાં થવું જોઈએ. બહુ સમય આપણે પશ્ર્ચિમથી પ્રભાવિત થયા. હવે આપણી ફિલ્મોથી પશ્ર્ચિમ પ્રભાવિત થાય એ સમય પાકી ગયો છે અને એ માટે આપણે જ આત્મવિશ્ર્વાસ સાથે પ્રયાસ કરવા જોઈશે.’ શેખર કપૂરનો વિચાર હકીકત બને છે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે, પણ આજથી ૭૦ વર્ષ પહેલા ભારતમાં યોજાયેલા પ્રથમ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલને રાજકીય રંગ લાગ્યો હતો એ વાત ‘મુંબઈ સમાચાર’ના વાચકોએ જાણવી જોઈએ.
૧૯૫૨ના જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં આયોજિત આ ચિત્રપટ મહોત્સવનું આયોજન ફિલ્મ્સ ડિવિઝને કર્યું હતું અને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ એમાં સક્રિય રસ લીધો હતો. આ ફેસ્ટિવલમાં રજૂ થયેલી ઈટલીની ફિલ્મોએ ઘણા ભારતીય ફિલ્મમેકરોને પ્રભાવિત કર્યા. ઈટલીની નવ વાસ્તવવાદી ફિલ્મો જોઈ પ્રભાવિત થયેલા બિમલ રોયએ ‘દો બીઘા જમીન’ જેવી યાદગાર ફિલ્મ આપી તો ઈટાલિયન ફિલ્મ ‘જવજ્ઞયતવશક્ષય‘ થી પ્રભાવિત થયેલા રાજ કપૂરે ‘બુટ પોલિશ’ ફિલ્મનું નિર્માણ કર્યું. આ ફેસ્ટિવલમાં રજૂ થયેલી ‘ઇશભુભહય ઝવશયદયત’ જોઈને સત્યજિત રાય ફીચર ફિલ્મ બનાવવા પ્રેરાયા. એકંદરે ફિલ્મ ફેસ્ટિવલના આયોજને ફિલ્મ મેકિંગ માટે એક નવો દરવાજો ઉઘાડી આપ્યો જેને પગલે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો. જોકે, એ સમયે વિકાસશીલ દેશનું લેબલ મેળવનાર ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવના આયોજનની જાહેરાત થઈ ત્યારે દેશ – વિદેશમાંથી વિવિધ પ્રતિક્રિયા આવી. એમાંથી સૌથી આશ્ર્ચર્યકારક પ્રતિક્રિયા અમેરિકાની હતી. અમેરિકન સત્તાધીશોને આ ફેસ્ટિવલમાં ‘કોઈ પ્રકારના સામ્યવાદી – કમ્યુનિસ્ટ કાવતરા’ની ગંધ આવી હતી. આ કહેવાતું કાવતરું ઉઘાડું પાડવા અને ફેસ્ટિવલમાં અવરોધ ઊભો કરવા એક ખાસ ડેલિગેશન મોકલવામાં આવ્યું હતું. યુએસએ – યુએસએસઆર વચ્ચેના ‘શીત યુદ્ધ’નો આ શરૂઆતનો દોર હતો. બંને દેશ તેમની તરફ નહીં ઝૂકેલા પ્રત્યેક દેશને પોતપોતાની વિચારસરણીથી પ્રભાવિત કરવાના પ્રયાસ કરતા હતા. ફિલ્મ ઈતિહાસના ઊંડા અભ્યાસુ અમૃત ગંગરના કહેવા પ્રમાણે ‘બંને સુપરપાવરનો ડોળો પાંચ વર્ષ પહેલા સ્વતંત્ર થયેલા ભારત પર હતો. ૧૯૫૨નો ફિલ્મ ફેસ્ટિવલ ભારતનો અભિપ્રાય પોતાની તરફેણમાં લાવવા માટે એક સારી તક હોવાનું બંને દેશનું માનવું હતું. આ ફેસ્ટિવલના આયોજનના થોડા મહિના પહેલા જ યુએસએસઆર ગયેલા ભારતીય ફિલ્મ પ્રતિનિધિમંડળનું ઉમળકાભેર સ્વાગત થયું હતું.’
ભારતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવમાં ૧૨ દેશના પ્રતિનિધિ મંડળ આવ્યા હતા જેમાં સૌથી મોટું મંડળ યુએસએસઆર (૧૩ સભ્યો)નું હતું. અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ‘ચોરી ચોરી’ અને ‘દિલ હૈ કે માનતા નહીં’ એ જેનામાંથી પ્રેરણા લીધી હતી એ ઈંિં ઇંફાાયક્ષયમ ઘક્ષય ગશલવિં ફિલ્મના હોલિવૂડ ડિરેક્ટર ફ્રેન્ક કાપ્રાને સોંપવામાં આવ્યું હતું. કાપ્રાએ ઝવય ગફળય અબજ્ઞદય વિંય ઝશહિંય નામની આત્મકથામાં કાપ્રાએ લખ્યું છે કે ૧૯૫૧ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને કેટલાક અઠવાડિયા માટે ભારત જવા માટે કહેવામાં આવ્યું હતું. ભારત ખાતેના અમેરિકી રાજદૂતને આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ પ્રકારે કમ્યુનિસ્ટ કાવતરું રચાયું – દાળમાં કંઈક કાળું હોવાની શંકા છે. અલબત્ત શું રંધાયું છે એનો અણસાર નથી આવ્યો એમ પણ કહેવામાં આવ્યું. ભારતમાં કાપ્રા લોકપ્રિય હોવાથી તેમની પસંદગી કરવામાં આવી હતી. એક વાત ખાસ નોંધવા જેવી છે કે એ સમયે ચોક્કસ કારણોસર ફ્રેંક કાપ્રાની યુએસએ પ્રત્યેની વફાદારી અંગે શંકા ઉઠાવવામાં આવી હતી. ભારત જવાની ઓફર આવી ત્યારે કાપ્રાએ સોદાબાજી કરી કે પોતાના પરનું આળ દૂર થાય તો જ પોતે ભારત જશે અને અમેરિકન સરકારે એની ઈચ્છા પૂરી કરી. આના પરથી કાપ્રાને ભારત મોકલવા વિશેની અમેરિકન ઉત્સુકતા અને ગંભીરતાનો ખ્યાલ આવે છે. ભારતમાં કાપ્રાને કહેવામાં આવ્યું કે ‘આ ફિલ્મ ફેસ્ટિવલ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સામ્યવાદી વિચારસરણી ધરાવતા લોકોનું રશિયન ફિલ્મોને ભારતમાં પ્રવેશ આપવાનું કારસ્તાન છે. રશિયન ફિલ્મો રાજકીય રંગ ધરાવતી અને ઉશ્કેરણીજનક બાબતોવાળી હોવાથી સેન્સરની મંજૂરી નહોતી મળતી. એટલે આ ફેસ્ટિવલના માધ્યમથી ચાર શહેરમાં રશિયન અને ચાઈનીઝ ફિલ્મો દર્શકોને દેખાડવાનો ઉદ્દેશ છે.’ કાપ્રાને કાવતરાની વાત ગળે ઊતરી ગઈ. તેમણે આયોજકોને જણાવી દીધું કે ‘જો ફેસ્ટિવલ દરમિયાન સામ્યવાદની તરફેણ કરતું વક્તવ્ય રજૂ થશે તો પોતે બધી અમેરિકન ફિલ્મો લઈને પાછા જતા રહેશે અને પત્રકાર પરિષદનું આયોજન કરી અધવચ્ચેથી પાછા ફરવાનું કારણ પણ જણાવી દેશે.’ આમ કહેવાતા ‘કમ્યુનિસ્ટ કાવતરાની ગંધ’ના વાતાવરણમાં ફેસ્ટિવલ હેમખેમ પાર પડ્યો અને એ વાવેલા વૃક્ષના ફળ આજે આપણે માણી રહ્યા છીએ.
————-
૨૩ દેશ, ૪૦ ફીચર ફિલ્મ, ૧૦૦ શોર્ટ ફિલ્મ – ડૉક્યુમેન્ટરી

મુંબઈ અને અન્ય ચાર શહેરમાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (૧૯૫૨) ભારતમાં જ નહીં, એશિયામાં આયોજિત આ પ્રકારનો પ્રથમ ચિત્રપટ મહોત્સવ હતો. મુંબઈમાં ઉદ્ઘાટન થયા પછી દિલ્હી. કલકત્તા, મદ્રાસ અને ત્રિવેન્દ્રમના સિને રસિકોને એનો લાભ મળ્યો હતો. જોકે, ફેસ્ટિવલ શરૂ થયા પછી ઈંગ્લેન્ડમાં રાજા જ્યોર્જ (પાંચમા)નું અવસાન થતા મહોત્સવમાં ઈંગ્લેન્ડની એક પણ ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેસ્ટિવલમાં ૨૩ દેશ સહભાગી થયા હતા. પરિણામે દર્શકોને ભારત ઉપરાંત યુએસએ, સોવિયેત રશિયા, ચીન, ઇજિપ્ત, પૂર્વ જર્મની, ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની, સ્વીડન, ચેકોસ્લોવેકિયા, જાપાન વગેરે દેશોની ફિલ્મો જોવા – જાણવાનો અવસર મળ્યો હતો. મહોત્સવમાં કુલ ૪૦ ફીચર ફિલ્મ, આશરે સો એક શોર્ટ ફિલ્મ અને ડૉક્યુમૅન્ટરીનો સમાવેશ હતો. ભારતની ‘આવારા’ (હિન્દી), ‘પાતાલ ભૈરવી’ (તમિળ – તેલુગુ), ‘અમર ભૂપાળી’ (મરાઠી) અને ‘બાબલા’ (બંગાળી) દર્શાવવામાં આવી હતી.
મુંબઈમાં આયોજિત મહોત્સવમાં કેટલાક ગુજરાતીઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આઝાદ મેદાનમાં પેવેલિયન્સ ઊભા કરવામાં કે. વી. ઠક્કર, મગનભાઈ સવાણી અને કાંતિ મહેતા વગેરે સદ્ગૃહસ્થોનો સિંહફાળો હતો. આ ઉપરાંત આયોજનમાં એક નામ અંબાલાલ પટેલનું. પણ હતું. શ્રી પટેલ ફોટોગ્રાફર હતા અને ૧૯૫૨માં શરૂ થયેલી ભારતની પહેલી કલર લેબ ફિલ્મ સેન્ટરના માલિક હતા.
ફેસ્ટિવલના આયોજનનો સૌથી મહત્ત્વનો લાભ એ થયો કે આંતરરાષ્ટ્રીય સિનેમાથી વાકેફ થવાને કારણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકાર અને કસબીઓનો દૃષ્ટિકોણ વ્યાપક બન્યો. ૧૯૫૩માં રિલીઝ થયેલી ‘ભાગ્યવાન’ જાપાનીઝ ફિલ્મ પર આધારિત હતી. ‘ભાગ્યવાન’ના નિર્માતા મહીપત રાય શાહ અને અનુપચંદ શાહ, હિરોઈન નિરૂપારોય હતાં અને સંગીત અવિનાશ વ્યાસનું હતું. આમ આ ફિલ્મ બનાવવામાં ચાર ગુજરાતીઓનો સિંહફાળો હતો. આ મહોત્સવને પગલે ફિલ્મ સોસાયટી જેવી પ્રવૃત્તિ શરૂ થઈ અને વધુ લોકો વિદેશી ફિલ્મો જોતા થયા. ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, ફેડરેશન ઑફ ફિલ્મ સોસાયટીઝ ઓફ ઈન્ડિયા અને નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થા સરકારી સહયોગથી અસ્તિત્ત્વમાં આવી જેનો એકંદર ફાયદો ફિલ્મમેકિંગને થયો. એશિયાના સર્વપ્રથમ અને વેનિસ – કાન પછી વિશ્ર્વના ત્રીજા ફિલ્મ ફેસ્ટિવલની સફળ પૂર્ણાહુતિ બાદ ભારતમાં બીજો આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવ દસ વર્ષ પછી ૧૯૬૧માં આયોજિત થયો. ૧૯૬૫માં આ મહોત્સવ સ્પર્ધાત્મક બન્યો. ૧૯૭૭થી આ ફેસ્ટિવલ દર બે વર્ષે આયોજિત થાય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.