ફિલ્મોમાં સાઉથની રિમેક અને ટીવી સિરિયલમાં બંગાળી સિરિયલ્સનો દબદબો

મેટિની

કલ્પના મહેતા

બૉલિવૂડની સાથે સાથે ટીવી ઈન્ડસ્ટ્રીનો વિસ્તાર પણ દિવસે દિવસે વધતો જ જઈ રહ્યો છે અને ટીવી પર આવતી સિરિયલ્સમાંથી કેટલીક સિરિયલ તો એટલી બધી લોકપ્રિય થઈ જાય છે કે ન પૂછો વાત… ‘અનુપમા’થી લઈને ‘ઈમલી’ સુધીની ટીવી સિરિયલ્સની પૉપ્યુલારિટી દિવસે દિવસે વધતી જ જઈ રહી છે. મેકર્સ પણ ટીઆરપી જળવાઈ રહે એ માટે દિવસ-રાત જદ્દોજહેમત કરતા જોવા મળે છે, પણ તમને ખબર છે કે તમારાં આ મનગમતાં ટીવી સિરિયલ્સ, કેરેક્ટર કોઈ ને કોઈ પ્રાદેશિક ભાષામાંથી કૉપી કરવામાં આવ્યાં છે? ચોંકી ગયાને? કારણ કે અત્યાર સુધી તમે સાઉથની ફિલ્મોની હિંદી રિમેક વિશે સાંભળ્યું હશે, પણ ટીવી સિરિયલ્સની પણ રિમેક આવી શકે? આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી જ ટીવી સિરિયલ્સ વિશે કે જેની હિંદી રિમેક તમે અત્યારે જોઈ રહ્યા છો અને તમને ખ્યાલ પણ નથી કે તમે કોઈ ઉઠાંતરી કરેલી ટીવી સિરિયલ જોઈ રહ્યા છો…
——
અનુપમા
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે ‘અનુપમા’નું… અત્યારની સૌથી પોપ્યુલર ટીવી સિરિયલ છે આ… રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના, મદાલસા શર્મા સ્ટારર આ સિરિયલ જ્યારથી ઓન એર થઈ છે એ દિવસથી જ ટીઆરપીના લિસ્ટમાં ટોપ પર છે. મૂળ આ બંગાળી ટીવી સિરિયલ ‘શ્રીમોઈ’ની હિંદી રિમેક છે. બંગાળી સિરિયલમાં ઈન્દ્રાણી હલ્દરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ‘અનુપમા’ આજે ભારતના મોટા ભાગના પરિવારોનો મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે.
——
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
છેલ્લાં કેટલાંય વર્ષોથી દર્શકોનાં દિલો પર આ ટીવી સિરિયલ એકદમ ટોપ પર છે. જોકે સમય સમય પર સિરિયલના કેરેક્ટરમાં પરિવર્તન ચોક્કસ આવ્યાં છે. ચેન્જીસ છતાં પણ દર્શકોની અને આ ટીવી સિરિયલ વચ્ચેની કનેક્ટિવિટી હતી એવી ને એવી જ છે આજે પણ. ટીઆરપીની વાત કરીએ તો એ મામલામાં પણ આ શો અન્ય કોઈ શોથી જરાય ઓછો ઊતરતો નથી. અત્યારે ચાલી રહેલી અક્ષરા અને અભિમન્યુવાળી સીઝન બંગાળી ટીવી સિરિયલ ‘ઈચ્ચે નોડે’ની હિંદી રિમેક છે.
——-
ગુમ હૈ કિસી કે પ્યાર મેં
બીજા નંબર પર આવે છે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં…’. આ સિરિયલ પણ ટીઆરપીની બાબતમાં ‘અનુપમા’ પાછળ બીજા નંબરે આવે છે. લવ ટ્રાએન્ગલ દેખાડતી આ ટીવી સિરિયલ પણ બંગાળી ટીવી સિરિયલ ‘કુસુમ ડોલા’ની હિંદી રિમેક છે.
——–
ઈમલી
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ‘અનુપમા’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની જેમ જ ‘ઈમલી’ પણ ટીઆરપીની બાબતે ટોપ ફાઈવમાં આવે છે. ચુલબુલી, ગામડાની પણ સ્માર્ટ ઈમલીની સ્ટોરી દર્શાવતી આ સિરિયલ બંગાળી શો ‘ઈશ્ટિ કુટુમ’ની હિંદી રિમેક છે.
——
પંડ્યા સ્ટોર
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હવે ‘પંડ્યા સ્ટોર’ની વાત પણ કરી લઈએ… આજના સમયમાં પરિવારની સાથે એકજૂટ થઈને રહેવાનું શીખવાડે છે આ સિરિયલ અને તમારી જાણ માટે કે આ ટીવી સિરિયલ ‘પાંડિયન સ્ટોર’ની હિંદી રિમેક છે.
——-
પવિત્ર રિશ્તા
એકતા કપૂરનો પોપ્યુલર ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ તો યાદ જ હશેને? આ શોએ ખૂબ જ ઓછા સમયમાં ટીવીની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી અને આ જ શોને કારણે બૉલિવૂડને સુશાંત સિંહ રાજપૂત જેવો સ્ટાર મળ્યો હતો. અંકિતા લોખંડે અને સુશાંત સિંહ સ્ટારર આ શો તેલુગુ સિરિયલ ‘તિરુમકિ સેલ્વમ’નું હિંદી વર્ઝન છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.