ફિકરમાં રહો તો ખુદ બળીએ, એના કરતાં બે-ફિકર બની જાઓ તો દુનિયા બળે

મેટિની

અરવિંદ વેકરિયા

બીજે દિવસે રાજેન્દ્ર શુક્લને મળવાનું નક્કી કરી લીધું. આગલે દિવસે હિન્દુજા થિયેટરમાં ઘણાએ ઘણી બધી વણમાગી સલાહો આપી. એક તો ‘જીવન ચોપાટ’ની નિષ્ફળતાનો ભાર મનથી હળવો કરી રહ્યો હતો ત્યાં આ બધા… ખરેખર! સમય એવું ત્રાજવું છે કે ખરાબ સમયે તમારું વજન બતાવી દે છે. આ બધા મારું વજન બતાવી દેવા સલાહોનો પ્રવાહ અવિરત ચલાવી રહ્યા હતા અને વિકૃત આનંદ માણી રહ્યા હતા. ઘણાએ તો એવી સલાહ પણ આપી કે આજે કેટલાં નાટકો ચાલી રહ્યાં છે, નીવડેલા બીજા દિગ્દર્શકોનાં પણ અમુક નાટકો આવી રહ્યાં છે તો થોડો સમય જવા દે, પણ મેં માંડ માંડ મન મક્કમ કરી લીધું હતું નાટક કરવાનું. આમ પણ જો બાજ આકાશમાં ન ઊડે એથી આકાશ થોડું કબૂતરોનું થઈ જાય? સૌ પોતાનું કામ પોતાની રીતે કરતા રહેતા હોય છે. હું નિર્માતાની લગનને કારણે ખેંચાયો હતો એ કબૂલ પણ ખેંચાયા પછી નિર્માતા અને લેખક બંનેની મારી તરફ જોવાની નજર બદલાઈ જવાની હતી એ પણ એટલી જ વાસ્તવિકતા હતી. સંબંધ હંમેશાં સુખી કરવા માટે બાંધવો, સુખી થવા માટે નહિ. રાજેન્દ્ર શુક્લ – મિત્ર, મારે માટે બધું નક્કી થયા પછી મહેનત કરી લખી રહ્યો હતો… નાટક આમ પણ એક જુગાર હોય છે, કોઈ હારે તો કોઈ જીતે. આ હાર-જીત પ્રેક્ષકો જ નક્કી કરતા હોય છે. સારી શિખામણો અને યોગ્ય સલાહો આપી મને પ્રોત્સાહિત કરવાને બદલે સતત નિરુત્સાહ કરી રહ્યા હતા. તેઓનો કદાચ અંગત સ્વાર્થ ન પણ હોય, પણ વણમાગી સલાહો એમના મોઢામાંથી નીકળતી જ રહેતી. હું મારી જાતને અંદરથી મજબૂત કરતો રહેતો. મારે નિષ્ફળતા મળશે એ ફિકર છોડી લક્ષ અર્જુન જેવું કરી નાખવાનું હતું. ફિકરમાં રહો તો ખુદ બળીએ, એના કરતાં બે-ફિકર બની જાઓ તો દુનિયા બળે. નાટકની સફળતા-નિષ્ફળતા જે પણ આવે, વધાવી લેવાની. પ્રયત્ન નાટક સારું બને એ માટે ૧૦૦ % કરવાનો, જીત જ્યારે નક્કી હોય ત્યારે અર્જુન તો કોઈ પણ બની શકે, પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે સાહસ જોઈએ. નોકરીને તિલાંજલિ આપ્યા પછી મારે માટે બ્રેડ-બટર હતા, કલાકાર કે દિગ્દર્શક તરીકે અથવા બંને. આમ પણ આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો નાટકો જોઈને રડે છે અને હકીકત જોઈને કહે છે કે આ બધું નાટક છે… એટલે આવી ફિલસૂફી મનમાં ધરબી ફિસિયાણી વાતોને રુખસદ આપી દીધી.
બીજે દિવસે હું, નિર્માતા ચંદ્રકાંત ધ્રુવ અને લેખક-મિત્ર રાજેન્દ્ર શુક્લ હોટેલમાં મળ્યા. હાય… હેલો…માં વધુ સમય ન બગાડતાં મૂળ વાત પર આવી ગયા. રાજેન્દ્ર શુક્લે ફરી વાત તાજી કરવા પ્રથમ સીન ફરી વાંચ્યો. બંને સીન્સમાં વાર્તા અવનવા વળાંકો ધરાવતી હતી. મુખ્ય પાત્રોમાં પતિ-પત્ની અને એમનો નાનો દીકરો, બીજા અન્ય સભ્યો. દીકરો સાત-આઠ વર્ષનો. એક રિલીફ આપનારા પાત્રનું પણ ધ્યાન રાખ્યું હતું. જે વાર્તાની રહસ્ય જાળની વધતી માત્રાને પ્રેક્ષકો માટે ઓવર-ડોઝ ન બને એટલે હળવી પળો પૂરું પાડતું એક નોકરનું પાત્ર. પત્નીને એક ભૂતનો ઓછાયો દેખાયા કરે છે એવી સુંદર વાત નાટકમાં વણી લેવામાં આવી હતી.
હું અને રાજેન્દ્ર શુક્લ જ્યારે કોલેજમાં એકાંકીઓ કરતા હતા ત્યારે લેડીઝના પાત્ર માટે જબરો શૂન્યાવકાશ હતો. એક છોકરી હતી, રાજકુમારી ચોપરા, જે પંજાબી હોવા છતાં ચુલબુલી અને સરસ ગુજરાતી બોલી શકતી. બીજાં હતાં નયન ભટ્ટ. યસ! જેમણે એકતા કપૂરની ‘કહાની ઘર ઘર કી’થી લઈ ઘણી સિરિયલો કરી, હજુ કરતાં રહે છે. રાજકુમારી થોડી ઠીંગણી હતી એટલે પત્નીના પાત્રમાં એની સ્ટેજ-પ્રેઝંસ પણ કદાચ પ્રેક્ષકો સામે વામણી પુરવાર થાય એ બીક હતી. રાજેન્દ્રની ઇચ્છા હતી કે આપણે નયન ભટ્ટને જ પૂછી જોઈએ. પતિનું પાત્ર બીજ-વરનું હતું. એની પહેલી પત્ની મૃત્યુ પામી હતી. નયન ભટ્ટનું જે પાત્ર હતું એ ધનાઢ્ય બાપની એકની એક દીકરીનું હતું. પતિનું પાત્ર ગ્રે-શેડ ધરાવતું હતું. ‘જીવન ચોપાટ’માં અને એ પહેલાં ‘બહુરૂપી’ સંસ્થામાં કામ કરનાર દેવેન્દ્ર પંડિત આમાં એકદમ ‘ફિટ’ થતા હતા. એમનું ફિલ્મોના કમિટમેન્ટ વિષે વિચારવાનું હતું. પછી વિચાર કર્યો રિલીફ આપતા નોકરના પાત્રનો. નાટકની ઈકોનોમી બહુ મર્યાદિત હોય છે એટલે એ પણ મગજમાં રાખવાનું હતું. પ્રીમિયર લિમિટેડ- જે ફિયાટ કાર બનાવતી હતી એ કંપનીમાં કામ કરતા તરુણ નાયકનું નામ અચાનક મગજમાં ઝબક્યું. થોડા દિવસ પહેલાં જ મને મળી ગયેલા અને મેં પ્રવૃત્તિ શું કરો છો એમ પૂછ્યું તો કહે હમણાં ખાલી ‘ફિયાટ’ ચલાવું છું. મારે લાયક કોઈ રોલ હોય તો ધ્યાન રાખી યાદ કરજો. તેઓએ બહુરૂપીના ‘વિસામો’ નાટકમાં ડબલ રોલ કરેલો. એ ઉપરાંત તેમણે જૂની રંગભૂમિનાં નાટકોમાં પણ અભિનય કરેલો. બાકી રહેતું હતું પાત્ર ભૂતનું. એ સ્ત્રી માટે ઘણું વિચાર્યું. કારણ એક જ, એમાં સંવાદો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હતા. પાત્ર અગત્યનું હતું. રાજેન્દ્ર કહે એ વિચારીશું. મેં કહ્યું હવે સાત-આઠ વર્ષનો દીકરો. રાજેન્દ્રએ તરત કહ્યું કે તારા તન્મયને લઈએ, બહાર શા માટે શોધવું? તન્મયે ત્યારે અદી મર્ઝબાન સાથે ‘આવો મારી સાથે’ના થોડા એપિસોડ દૂરદર્શન પર બાળ કલાકાર તરીકે કરેલા. ‘વૈષ્ણવ જન’ નાટક જે જ્યોતિ વ્યાસે દૂરદર્શન પર જ્યારે રજૂ કરેલું ત્યારે એમાં દીપક દવેના દીકરાનું પાત્ર પણ કરેલું. (આજે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં બાઘાબોયની ભૂમિકા ભજવી રહ્યો છે.) રાજેન્દ્રનું તન્મય માટેનું સૂચન બરાબર જ હતું. બીજો લોભ રાજેન્દ્રએ એ બતાવ્યો કે ક્યારેક સ્કૂલને લીધે ન પણ આવી શકે તો ભારતમાતા (મારી પત્ની ભારતીને એ ‘ભારતમાતા’ કહી બોલાવતો) એને ઘરે બેઠાં ડાયલોગ પણ કરાવી શકે…
ટૂંકમાં આ બધાં પાત્રોના વિચારો કર્યા, એમાં તન્મયનું ૯૯ % નક્કી કહી શકાય, વાત ઘરની હતીને!
મેં વિચાર્યું, ચાલો તન્મયનો નિર્ણય તો મારે અને ભારતીએ લેવાનો છે. બીજા વિચારેલા કલાકારોનો સંપર્ક કરી જોઈશું. આગે કી બાત આગે… વર્તમાનનો આનંદ લેવાનો જ પ્રયત્ન કરું, ભવિષ્ય તો કપટી હોય છે, એ આશ્ર્વાસન આપશે, ગેરંટી નહિ. તન્મય મારે માટે ગેરંટી જ હતી તો એ આનંદ માણતાં માણતાં અમે બધા છૂટા પડ્યા. મેં વિચારેલા કલાકારોનો સંપર્ક કરવાનું બીજા દિવસે નક્કી કર્યું.
***
એકબીજાને અમસ્તા બેઉ જણ મળતા રહ્યા,
એ પછી પળ-પળ થયા ત્યાં સુધીની વાત છે,
એકદમ સીધી જ લીટીની બધી વાતો હતી,
વાતમાંથી વળ થયા, આ ત્યાં સુધીની વાત છે! ઉ
***
——-
નાના હતા ત્યારે પપ્પા પાસે જીદ કરતા કે લાલ ચાંદલાવાળી બંદૂક લાવી આપો, જે દિવાળી પૂરતી ફૂટતી હતી. હવે મોટા થઈ ગયા. પપ્પાએ લાલ ચાંદલાવાળી જ લાવી આપી જે દરરોજ ફૂટે છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.