ફળોના રાજા આંબામાં રાણી તરીકે સ્થાન ધરાવે છે ‘કેસર કેરી’

ઇન્ટરવલ

શ્રીલેખા યાજ્ઞિક – સ્વાસ્થ્ય સુધા

ઉનાળામાં ફળોની વાત ચર્ચાતી હોય એટલે સૌથી વધુ ચર્ચા આંબા વિશે જ થતી જોવા મળે છે. સગાંસંબંધીઓ પણ જ્યારે પોતાના વતન કે મામા-માસી-કાકા-કાકી કે મિત્રોને ત્યાં થોડા દિવસ રહેવા જવાનો પ્રોગ્રામ બનાવે ત્યારે પણ પોતાના રાજ્યની વખણાતી કેરીનો સ્વાદ અંગત લોકોને માણવા મળે તે માટે અચૂક સાથે લઈ જતાં હોય છે. પ્રત્યેક રાજ્યમાં ઊગતા આંબાનાં સ્વાદ-સોડમની એક આગવી વિશિષ્ટતા જોવા મળે છે. તેમાં પણ આફૂસ કેરીની વાત આવે એટલે મહારાષ્ટ્રના રત્નાગિરિમાં પાકતી કેરીનો સ્વાદ માણીને મોજ પડી જાય, તેવી લાગણી અચૂક પ્રત્યેક વ્યક્તિના દિલમાં હોય છે. અનેક વ્યક્તિઓ એવી પણ જોવા મળે છે કે તેમને ઉનાળાના દિવસોમાં ભોજનમાં કોઈ પણ પ્રકારનો આંબો ભાણામાં હોવો જ જોઈએ. તે પછી ચીરી કે રસ કે કટકા સ્વરૂપે હોય તો પણ ચાલે. બજારમાં મળતી વિવિધ વરાઈટી જેવી કે આફૂસ કે આલ્ફાન્ઝો, દશેરી, બદામ, લંગડો કે રાજાપુરી મળી જાય તો પણ તેઓ સંતોષ માણી લેતા હોય છે. આજે પણ ભારતમાં એવા અનેક લોકો છે જેઓ કેરીના સ્વાદ માટે અત્યંત ચોક્કસ મત ધરાવે છે. તેમને માટે કેરી એટલે આફૂસ કે પછી કેસર કેરીનો સ્વાદ જ સર્વોત્તમ ગણાય છે. કેસર કેરીના તેઓ એવા તો દીવાના હોય છે કે કેરીની મોસમ શરૂ થાય ત્યારથી લઈને વરસાદ બાદ પણ જ્યાં સુધી બજારમાં કેરી ઉપલબ્ધ હોય ત્યાં સુધી કેસરની લિજ્જત માણવાનું પસંદ કરે છે. કેસર કેરીની વાત નીકળે એટલે સૌરાષ્ટ્રનું નામ સૌપ્રથમ હોઠે ચડે. તેમાં પણ ગીર પંથક તથા કચ્છમાં થતી કેસર કેરીની વાત તો અચૂક જાણવા જેવી છે.
ચાલો, આજે આપણે પણ આંબાના ફળની રાણી તરીકે ઓળખાતી ખાસ ‘કેસર કેરી’ વિશે અવનવી વાતો જાણીને તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા વિશે પણ જાણકારી મેળવીએ. આજકાલ તો કેરીનું વેચાણ વધે તથા ટૂરિઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ રાજ્યો દ્વારા મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ રાજ્યોના કેરી ઉત્પાદકો તથા વિક્રેતાની સાથે કેરીના શોખીનોને કેરીની વિવિધ પેદાશ તથા તેના સ્વાદની મોજ માણવાનો મોકો એક જ સ્થળે મળી જવા લાગ્યો છે.
કેરીના પાકને હવામાનના બદલાવથી થતા નુકસાનથી બચાવવા વલસાડ જિલ્લાના ખેડૂતોએ પેપર બૅગનો ઉપયોગ કરીને કેરીનો વધુ સારો પાક મેળવવામાં સફળતા મેળવી છે. કેરીનું ફળ વૃક્ષ પર લીંબુ જેટલું થાય ત્યારે તેના પર પેપર બૅગ બાંધી દેવામાં આવે છે, તેથી તેને બદલાતા હવામાનની અસરથી બચાવી શકાય છે, તથા પાકની ગુણવત્તામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતોના મત મુજબ ઝાડ પર પાકેલી કેરી ખાવી વધુ આરોગ્યપ્રદ ગણાય છે. હાલમાં તો કેરીને પકાવવા ગેસ વેલ્ડિંગમાં વપરાતું રંગ વગરનું કેમિકલ એટલે કે કૅલ્શિયમ કાર્બાઈડનો કાચી કેરી પર છંટકાવ કરીને તેને પકાવવામાં આવે છે. તેનો ખાવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રશ્ર્નો વિકસે છે, જેમ કે ઊલટી કે છાતીમાં બળતરા, દસ્તની તકલીફ વધવી. બજારમાંથી કેરી લાવ્યા બાદ તેને ૧-૨ કલાક પાણીમાં પલાળ્યા બાદ જ તેનો ઉપયોગ ખાવા માટે કરવો જોઈએ.
કેરીનાં સમોસાં, કેરીની જલેબી, કેરીનો આઈસક્રીમ, કેરીની રબડી કે રસમલાઈ, કેરીનાં રસગુલ્લાં, કેરીની ખીર, કેરીની લસ્સી કે કેરીનો શ્રીખંડ વગેરે મોંમાં પાણી લાવી દે તેવી વાનગીઓ આજકાલ બનીને બજારમાં વેચાવા લાગી છે.
એવું જાણવા મળે છે કે કેસર કેરીનું મૂળ સ્થાન સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં જોવા મળે છે. હાલમાં તાલાલા કેસર કેરીનું ઘર બની ગયું છે. સ્વાદમાં કેસર જેવી મીઠી તથા ઠંડક આપનારી કેરી એટલે જ કેસર કેરી. માવાથી ભરપૂર દેખાવમાં થોડી લીલી છાંટવાળી ડીંટિયા પાસેથી ગોળાકાર ધરાવતી હોય છે. કેસર કેરીનો ઈતિહાસ પણ જાણી લઈએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બોટનિક વિભાગ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ જૂનાગઢમાં આવેલું નાનું ગામ એટલે વનથલી. વનથલીમાં રહેતા ખેડૂત વઝીરભાઈ સાલે ૧૯૩૧ના વર્ષમાં સૌપ્રથમ વખત કેસર કેરીનો પાક મેળવવા માટે આંબાવાડી બનાવવાનું બીડું ઝડપ્યું હતું. ધીમે ધીમે આસપાસના ગીરના વિસ્તારમાં કુલ ૭૫ પ્રકારની કેરીનું વાવેતર શરૂ કર્યું. તેમના ખેતરમાં પાકેલી કેસર કેરીને માંગરોળના શેખ જહાંગીર મિયાને ચખાડવામાં આવી. તેમણે ચાખ્યા બાદ તરત જ તેનો ગોટલો પોતાના બાગમાં વાવવાનું સૂચન કર્યું. તેમણે નામ આપ્યું ‘સાલેકી અંબાડી’. જે આગળ જતાં લાલ ડોરી ફાર્મ તરીકે ઓળખાવા લાગી. ગિરનારની આસપાસ ધીમે ધીમે કેસર કેરીનો વધુ પાક લેવાની શરૂઆત થઈ.

કેસર કેરી નામ કઈ રીતે પડ્યું?
કેસર કેરી નામ કઈ રીતે પડ્યું તે વિશે પણ માહિતી મળે છે. ૧૯૩૪ની સાલમાં જૂનાગઢના નવાબ મુહમ્મદ મહાબત ખાન-૩એ ભોજનમાં પીરસવામાં આવેલી એક કેરીના ગરનો સ્વાદ માણ્યો તેની સાથે તેમના ચહેરા પર એક મીઠા સંતોષની લહેરખી ફરી વળી. તેમનો ચહેરો અત્યંત આનંદિત બની ગયો. નવાબ સાહેબના મુખમાંથી એકાએક નીકળી ગયું આ તો કેસર જેવો સ્વાદ ધરાવે છે. આમ વિશિષ્ટ પ્રકારનો સ્વાદ ધરાવતી કેરીનું નામકરણ ‘કેસર કેરી’ તરીકે લોકપ્રિય બન્યું.
ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીર, અમરેલી તથા જૂનાગઢની આસપાસના કુલ ૨૦ હજાર હૅક્ટરમાં કેસર કેરીનો પાક લેવામાં આવે છે. સૌરાષ્ટ્રના અન્ય તાલુકાની વાત કરીએ તો તાલાલા, વનથલી, કોડિનાર, માલિયા, વિસાવદર, ઉના વગેરે વિસ્તારમાં સરેરાશ પ્રતિવર્ષ ૨ લાખ ટન કેસર કેરીનો પાક લેવામાં આવે છે.

કેસર કેરીના સ્વાસ્થ્યવર્ધક ગુણો
કેરીમાં કુલ ૨૦ પ્રકારનાં વિવિધ વિટામિન, મિનરલ્સ તથા અન્ય પૌષ્ટિક ગુણો સમાયેલાં છે. આમ એક જ ફળમાં સૌથી વધુ પ્રમાણમાં સ્વાસ્થ્યપ્રદ ગુણોનો સમાવેશ જોવા મળે છે, તેથી જ તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.
એક કેરીનું ફળ શરીરની ૫૦ ટકા વિટામિન સીની જરૂરિયાત પૂર્ણ કરે છે. ૮ ટકા શરીરની પ્રતિદિન વિટામિન એની જરૂરિયાત પૂર્ણ કરે છે. ૮ ટકા શરીરની વિટામિન બી-૬ની આવશ્યકતા એક કેરીનું ફળ ખાવાથી પૂર્ણ થાય છે. કેરી માટે એવું પણ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવે છે કે દિવસમાં ફક્ત એક ટાઈમ કેસર કેરીના એક ફળનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ મળે છે. ચયાપચયની પ્રક્રિયાને સુચારુરૂપે ચલાવવામાં ઉપયોગી બને છે.

કૅન્સરથી બચાવવામાં ઉપયોગી
કેસર કેરીમાં ઍન્ટિઑક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું છે, જેથી તેનું સેવન કરવાથી ચોક્કસ પ્રકારના કૅન્સર જેવા કે કૉલોન કૅન્સર, લ્યુકેમિયા તથા પ્રોસ્ટેટલ કૅન્સર સેલની સામે રક્ષણ મેળવી શકાય છે. તેનું મુખ્ય કારણ છે કેરીમાં ક્યુર્સેટિન, એસ્ટ્રાગાલિન તથા ફિસેટિન જેવાં સ્વાસ્થ્ય માટે જરૂરી અનેક સત્ત્વ સમાયેલાં છે, જે કૅન્સરથી બચાવમાં મદદ કરે છે. કેરી માટે એવું કહેવાય છે કે સૌથી સ્વાદિષ્ટ કેરી ભારતમાં જ પાકે છે. તે પણ ફક્ત ઉનાળામાં.

કૉલેસ્ટરોલ નિયમિત રાખવામાં મદદરૂપ
કેરીમાં વિટામિન સી તથા ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે, તેથી કેરીનું સેવન કરવાથી લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલને વધતું અટકાવવામાં મદદ મળે છે.

સ્મરણશક્તિ વધારવામાં મદદરૂપ
યાદશક્તિ ઓછી હોય કે વારંવાર સામાન્ય વાત પણ ભુલાઈ જતી હોય તેવી વ્યક્તિએ કેરીનું સેવન કરવું જોઈએ. કેરીમાં ગ્લુટામિન એસિડ નામક તત્ત્વ સમાયેલું છે, જે યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. કેરીનો આહારમાં સમાવેશ કરવાથી રક્તકોશિકા સક્રિય બનવા લાગે છે, તેથી જ ડાયાબિટીસની સમસ્યા ન હોય તો ગર્ભાવસ્થામાં કેરીનો આહારમાં સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.

ગરમીમાં રાહત
ગરમીના દિવસોમાં લૂ લાગવાની તકલીફ મોટે ભાગે થતી જોવા મળે છે. બપોરના સમયે જો ઘરની બહાર નીકળવાનું થાય તો કાચી કેરીનું શરબત પીવાથી ઠંડક મળે છે. કાચી કેરીનું શરબત શરીરમાં પાણીના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને
નિયંત્રણમાં રાખે છે
કેરીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી જેવા અનેક પોષક
ગુણો સમાયેલા છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ નામક પોષક સત્ત્વ થાઈરોઈડ જેવી સમસ્યાથી કેરીનું સેવન કરતી વ્યક્તિને બચાવે છે.

પાચનક્રિયા સુધારવામાં ગુણકારી
કેરીમાં એવા સત્ત્વ છે જે પ્રોટીનને તોડવાનું કામ કરે છે. કેરીનો આહારમાં સમાવેશ કરવાથી ભોજન ઝડપથી પચવામાં મદદ મળે છે. કેરીમાં સાઈટ્રિક એસિડની માત્રા સમાયેલી જોવા મળે છે, જે શરીરમાં ક્ષારીય તત્ત્વોને સમતુલિત કરવામાં મદદ કરે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.