પ્રોફેસરે નોકરી છોડી વંચિતો, દિવ્યાંગો અને પીડિતો માટે ખોલ્યાં ૧૧ કેફે

પુરુષ

સંઘર્ષ કરનારાઓને પગભર કરવાનું અનોખું અભિયાન

પ્રાસંગિક -પ્રથમેશ મહેતા

મહાદેવન મુથલમપેટ વર્ષ ૧૯૭૯માં ચેન્નાઈની એક હોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે જ તેમણે પોતાની જાતને એક વચન આપ્યું હતું કે એક દિવસ હું એ લોકોને મદદ કરીશ જેઓ મારી જેમ બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરે છે. આજે ૪૩ વર્ષો બાદ મહાદેવને ચેન્નાઈમાં ૧૧ ચેરિટી કેફે ખોલ્યાં છે, જેમાં આર્થિક રીતે પછાત, દિવ્યાંગ અને તેમના જેવા અન્ય લોકોને નોકરી અપાય છે.
‘હું દિવસે કોમર્સ અને એકાઉન્ટ્સના પ્રોફેસરની નોકરી અને રાતે રેસ્ટોરાં તેવી બે ઘોડે સવારી કરીને બે છેડા ભેગા કરતો હતો. આ પરિસ્થિતિએ મારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. મેં પોતાને કહ્યું કે જ્યારે અને જો એવો દિવસ આવે કે મારી પાસે એવો સ્રોત શક્ય બને, ત્યારે હું એવા લોકોને મદદ કરીશ જેમને તકની આવશ્યકતા હોય,’ એવું કહે છે મહાદેવન મુથલમપેટ.
એ દિવસ પણ આવ્યો જ્યારે મહાદેવન પોતાની કારકિર્દીની ટોચે પહોંચ્યા. ૧૯૮૯માં પ્રોફેસરની નોકરી છોડી અને નવું સાહસ હોટ બ્રેડ્સ શરૂ કર્યું, જે ખૂબ સફળ થયું. સ્વયંને આપેલા વચનને પાળતાં તેમણે ૨૦૦૫માં અલવરપેટમાં ચેન્નાઈ કોર્પોરેશનની મદદથી એક બેકરીની શરૂઆત કરી જે અભ્યાસ અધૂરો છોડનારા લોકોને કામની તક પૂરી પાડે. પછી નિરાધારોને નોકરી આપવી શરૂ કરી. એકલી માતાઓ, આગપીડિતોને પણ તક આપવી ચાલુ કરી. આ સાહસને મળેલી સફળતાએ મહાદેવનને પોતાનાં બીજાં સાહસો શરૂ કરવા વિશ્ર્વાસ પૂરો પાડ્યો. સમાજને કશુંક અર્પણ કરવાની ભાવના તેમનાં બધાં સાહસોમાં કેન્દ્ર સ્થાને રહી.
‘મને લોકોનાં કૌશલ્યને નિખારવાનું મહત્ત્વ પણ સમજાયું, જેથી તેઓ પોતાની કારકિર્દી ઘડી શકે,’ એવું મહાદેવન જણાવે છે. તેમણે સાઠ વર્ષની વયે રોકાણ શરૂ કર્યું અને પાંસઠ વર્ષની વયે મળેલો બધો નફો ચેરિટી કેફે ખોલવામાં લગાવી દીધો. આ ચેરિટી કેફે મહાદેવન દ્વારા ૨૦૦૬માં રજિસ્ટર કરાવેલા ટ્રસ્ટ અંતર્ગત આવે છે.
મહાદેવન કહે છે, ‘એક ટકાઉ મોડેલથી લોકોનું જીવન કઈ રીતે બદલી શકાય છે તે મને બેકરી દ્વારા શીખવા મળ્યું.’ ઑટિઝમ અને માનસિક વિકલાંગતાથી પીડાતા તથા ગરીબ પશ્ર્ચાદ્ભૂના કર્મચારીઓ યોગ્ય તાલીમ મેળવીને તૈયાર થઇ જાય એટલે મહાદેવન તેમના હાથમાં કમાન સોંપી દે છે. તેઓ કહે છે, તેમનો મૂળ ઉદ્દેશ એ છે કે ચેરિટી કેફે હોવા છતાં ત્યાં મળતાં ભોજન અને સેવા બંને ઉચ્ચ કક્ષાનાં હોય. લોકોને એક ક્ષણ માટે પણ એવું ન લાગવું જોઈએ કે ચેરિટી કેફેનો મતલબ ગુણવત્તા સાથે સમાધાન કરાયું હશે.
સમગ્ર ચેન્નાઈમાં ફેલાયલી ૧૧ શાખાઓમાં રિવાઈવ કેફેની બે શાખા છે. એક શાખામાં માનસિક આરોગ્ય સંસ્થા (ઈંક્ષતશશિિીંંયિં જ્ઞર ખયક્ષફિંહ ઇંયફહવિં)ના લોકોને કામ પર રખાય છે, જ્યારે બીજી શાખા એકલ માતાઓને તાલીમ આપે છે. અન્ય એક કેફેમાં આગથી પીડિત અને દિવ્યાંગોને કામ કરવાનો મોકો
આપે છે.
અન્ય એક કેફેની શરૂઆત ઑટિઝમથી પીડાતાં બાળકોને બેકિંગ સ્કિલ્સ શીખવવા કરાઈ હતી. મહાદેવન અને તેમની ટીમે એક બિનસરકારી સંસ્થામાં પણ પોતાનું કેન્દ્ર ખોલ્યું જેથી તેમના લોકોને તાલીમ આપી શકાય. આવું બીજું કેન્દ્ર સ્પાસ્ટિક્સ સોસાયટી ઓફ તમિળનાડુ દ્વારા ચલાવાય છે. કોઈ શાખા હાંસિયામાં ધકેલાયેલા લોકોને કામ કરવાની તક પૂરી પાડે છે, તો કોઈ શાખા કોઈ સંજોગોને કારણે જેમનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોય તેમને તક આપે છે. મહાદેવનના જૂથ દ્વારા શરૂ કરાયેલી અન્ય એક બેકરી આવી જ એક શાખા છે, જે એકલ માતાઓને જીવન આગળ ધપાવવા મદદ કરે છે.
‘દારૂડિયા પતિથી પીડિત સ્ત્રી હોય કે વિધવા હોય અથવા બીજું કોઈ પણ કારણ હોય, તેમનું અહીં સ્વાગત છે. સ્ત્રીઓ સીવણકામ, મીણબત્તી અને કૂકીઝ બનાવવી વગેરે કામ કરે છે. આ વસ્તુઓ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં વેચવામાં આવે છે,’ એવું મહાદેવન કહે છે.
એક શાખાનું નામ છે ઈટ રાઈટ, ત્યાં આગથી પીડિતો પિઝા યુનિટ ચલાવે છે. અન્ય એક શાખા કોલેજના વિદ્યાર્થીઓને નોકરી આપે છે. આ વિદ્યાર્થીઓ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોમાંથી આવે છે. અહીં કામ કરીને તેઓ પોતાની ટ્યુશન ફી ભરવા જેટલું કમાઈ લે છે.
પુઝલ જેલની અંદર રહેલી બેકરીમાં જેલના ૩,૦૦૦ જેટલા કેદીઓ બ્રેડ મેકિંગ દ્વારા તેમના બેકરી કૌશલ્યને નિખારે છે. આ બ્રેડ સરકારી હોસ્પિટલોમાં મોકલાય છે. આ બધી શાખાઓમાં ઓન ધ જોબ, અર્થાત્ કામ સાથે તાલીમ અપાય છે અને બધી જ વાનગીઓ અનુભવી શેફની દેખરેખ હેઠળ બને છે. વસ્તુઓ વેચીને થતી કમાણીમાંથી રોજિંદા ખર્ચાઓ નીકળી જાય છે. દરેક શાખા આત્મનિર્ભર છે. દરેક શાખાના કર્મચારીઓને ઓછામાં ઓછું રૂપિયા ૬,૦૦૦ જેટલું માનધન અપાય છે. જે લોકો તાલીમ પૂરી કરીને શાખામાં કાયમી ધોરણે જોડાય છે તેમને રૂપિયા ૧૨,૫૦૦નો પગાર, ભોજન અને રહેવાની સગવડ અપાય છે.
એક બેકરીમાં છેલ્લાં સાત વર્ષથી કામ કરતી આગથી પીડિત પરિમાલા કહે છે કે ‘આ કામ મને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે. આગથી પીડિત માટે સમાજમાં ટકી રહેવું મુશ્કેલ છે, પણ તાલીમ પામ્યા પછી હવે હું મારા પગ પર ઊભી રહી શકું છું.’ રિવાઇવ કેફેમાં કામ કરતી તુલસીના કહેવા પ્રમાણે અહીં કામ કરીને તે આજીવિકા તો મેળવે જ છે, પણ સાથે સાથે પોતાનાં બાળકો પણ એક સ્થિર જીવન પામ્યાં છે.
લોકોને સશક્ત બનાવવાની આ વર્ષોની કવાયત પછી મહાદેવન માટે ગૌરવની ક્ષણ ત્યારે આવે છે કે જ્યારે તાલીમ પામેલા
ઘણા પોતાનો વ્યવસાય શરૂ કરીને પોતાની બેકરીના માલિક બને છે.
કોઈ પણ યોજનાના પોતાના પડકારો હોય છે. અહીંયાં સૌથી મોટો પડકાર તાલીમાર્થીઓને કાયમી બનાવવાનો હતો. મહાદેવન કહે છે કે ‘ખાસ કરીને આગથી પીડિતોને ઘણી પારિવારિક સમસ્યાઓ હોય છે. અમારી પાસે ૧૮ તાલીમાર્થીઓ હતા, જેમાંથી અમારી સાથે અત્યારે ૧૧ જ છે, કારણ કે અમે તેમની અંગત સમસ્યા અને કામ વચ્ચે તાલમેલ જાળવી ન શક્યા.’
મહાદેવન અહીં અટકવાના નથી. તેમના કહેવા મુજબ નિવૃત્તિ એટલે કોઈ કામ વગર નવરા થઇ જવું એવો અર્થ નથી. તેઓ કહે છે કે પોતે ૭૦ વર્ષની ઉંમર સુધી તો નવી નવી શાખાઓ ખોલવાનું ચાલુ રાખવા માગે છે અને કદાચ તેના પછી પણ. અત્યારે ત્રિવેન્દ્રમમાં પોતાની બારમી શાખા ખોલવા તરફ આગળ વધી રહ્યા છે. આ શાખા તેઓ એક બિનસરકારી સંસ્થા માટે ખોલી રહ્યા છે, જ્યાં માનસિક બીમારીથી પીડિતોને તક મળશે.
પાછલા દસકાની યાત્રા તરફ નજર કરતાં મહાદેવન કહે છે કે ‘હજી તો લાંબી મજલ કાપવાની છે. સમાજનું ઋણ ચૂકવવા તમે કેફે જ ખોલો તેવું જરૂરી નથી. પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ તમે લોકોની યથાશક્તિ મદદ કરી શકો છો.’

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.