પ્રાઈડ મંથ સમાપ્ત થાય છે ત્યારે હજુ ઘણું જાણવાનું બાકી છે, હજુ ઘણું શીખવાનું બાકી છે

પુરુષ

મેલ મેટર્સ – અંકિત દેસાઈ

પ્રાઈડ મંથને લઈને સોશિયલ મીડિયા આખો મહિનો ભરચક રહ્યું. ભારતનાં મોટાં શહેરોમાં શરૂઆતના તબક્કામાં ચાલતી રહેલી એલજીબીટીક્યુની ચળવળો અને પ્રાઈડ રેલીઝ હવે ભારતનાં નાનાં સેન્ટર્સ તરફ પણ આગળ વધી રહી છે. એનું કારણ કદાચ સોશિયલ મીડિયાનું સાર્વત્રિક ચલણ હશે અને એ ચલણને લીધે વિશ્ર્વગ્રામ બની રહેલા આપણા સમાજનું હકારાત્મક લક્ષણ હશે. આને એક પોઝિટિવ સાઈન કહી શકાય, પરંતુ આટલું બધું થતું હોવા છતાં એલજીબીટીક્યુ સંદર્ભે કે પ્રાઈડ મંથ સંદર્ભે ભારતીય સમાજે હજુ ઘણું જાણવાનું બાકી છે. આ તો ઠીક સમાજ તરીકે આપણે ઘણું શીખવાનું બાકી છે અને એ જ રીતે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ્સ, ટ્રાન્સજેડર્સ કે ક્વીર્સ બાબતે ઘણું બધું સ્વીકારવાનું પણ બાકી છે. ઑન અ સેઈમ નોટ એલજીબીટીક્યુએ પણ કેટલીક બાબતો સમજવી પડશે અને સામાજિક સ્વસ્થતા માટે કેટલીક સામાજિક મર્યાદાઓને સ્વીકારવી પડશે, કારણ કે મોડર્ન એજમાં બદલાઈ રહેલા સામાજિક માળખાને સ્વસ્થ રાખવાની જવાબદારી માત્ર કોઈ એક વર્ગની નથી. બંને વર્ગે એમાં યથાયોગ્ય યોગદાન આપવું પડશે.
ખેર, એલજીબીટીક્યુઝ માટેના પ્રાઈડ મંથનો મૂળ આશય તો સામાજિક તેમ જ કાયદાકીય જાગૃતિ અને સ્વીકૃતિનો જ છે, પરંતુ જેમ દરેક મૂવમેન્ટ્સમાં થાય છે એમ પ્રાઈડ મંથની ચળવળ અનેક જગ્યાએ ઉજાણી અને દેખાવો પૂરતી જ સીમિત રહી ગઈ હોય એવું લાગે છે. ઠીક છે. ઉજાણી હોવી જ જોઈએ, પરંતુ ભારતીય સમાજમાં એલજીબીટીક્યુના જે મૂળ પ્રશ્ર્નો છે એના પર હજુ જોઈએ એટલું ફોકસ નથી કરાઈ રહ્યું. આ પ્રશ્ર્નો સામાજિક સ્વીકૃતિના છે, આ પ્રશ્ર્નો છે સ્વીકૃતિ સાથેના સન્માનના, આ પ્રશ્ર્નો છે સન્માન સાથે પ્રાપ્ત થતા મૂળભૂત અધિકારોના અને આ પ્રશ્ર્નો છે એ કોમ્યુનિટીને તેમની શારીરિક કે માનસિક સ્થિતિ સાથે તેમને મળવા યોગ્ય તકો સંદર્ભના, પરંતુ હજુય એ સંદર્ભે જોઈએ એવી સફળતા મળી નથી રહી, જેનાં કારણો બહુઆયામી છે.
પહેલાં આપણે સમાજની જવાબદારી વિશે જોઈએ. ભારતમાં કાયદાએ ભલે તેમને
સ્વીકૃતિ આપી હોય, પરંતુ હજુય ભારતમાં એક બહોળા વર્ગ માટે એલજીબીટીક્યુ એ હસવાનો કે મજાક કરી લેવાનો વિષય છે. સામાજિક અસમાનતાની ચરમસીમા તો ત્યારે વટે છે, જ્યારે આ કોમ્યુનિટીમાંથી આવતા કોઈને પણ શારીરિક અથવા માનસિક ત્રાસ આપવામાં આવે કે તેમને નબળા ગણીને તેમનું શોષણ કરવામાં આવે છે.
આપણી પાસે તો આ કિસ્સામાં ઑનર કિલિંગના દાખલા પણ ઉપબ્લધ છે. તો એવા કિસ્સામાં જાહેર સ્થળોએ કે કામનાં સ્થળોએ તેમનો સ્વીકાર કે તેમને મળવા પાત્ર અધિકારની વાતો હજુ ઘણે દૂરની જણાય છે, પરંતુ સમાજે એ દિશામાં વહેલા કે મોડા નક્કર કામ કરવું જ પડશે.
તો બીજી તરફ એ કોમ્યુનિટીમાંથી આવતા મોટા ભાગના લોકો સોશિયલ બિહેવિયર બાબતે અત્યંત બેજવાબદાર હોય છે. બહુ જૂજને બાદ કરતાં આ વર્ગમાંથી આવતા મોટા ભાગના સભ્યો જાહેર સ્થળોએ સહી ન શકાય એ પ્રકારના વર્તન કે પહેરવેશનો આશરો લેતા હોય છે. આફ્ટર ઑલ વ્યક્તિની વ્યક્તિગત પસંદગી એ જુદો વિષય છે અને તેનું જાહેર વર્તન એ જુદો વિષય છે. જાહેર જગ્યાના પોતાના નિયમો છે અને તેની પોતાની એક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ પર પોતાની વ્યક્તિગત માન્યતાઓને હાવી થવા દઈ જાહેરમાં અણછાજતું વર્તન કરવું કે કોઈને ક્ષોભમાં મૂકવા એ પણ કોઈ ન્યાય નથી. આખરે સન્માન પણ ગિવ એન્ડ ટેકના સિદ્ધાંતે મળતી બાબત છે અને એવામાં જો જાહેર વર્તણૂક બાબતની મર્યાદા નથી રખાતી તો સન્માન માટે અલાયદી પ્રાઈડ પરેડ કાઢવાની જરૂર નથી જણાતી.
ઈન શોર્ટ, એલજીબીટીક્યુ પ્રશ્ર્ને બંને પક્ષે ઘણું યોગદાન આપવાનું અને ઘણો સહયોગ આપવાનો છે. આ વિષય ઘણો ગહન છે એટલે એની ચર્ચા કંઈ એક લેખમાં ન થઈ શકે, પરંતુ હા, આ આખીય બાબતની શરૂઆત થાય છે સન્માન અને અધિકાર જેવી બેઝિક બાબતથી. તો સન્માન અને અધિકારો પરસ્પર સરખા એફ્ટર્સ આપવાથી મળશે. તો બીજી તરફ એક આખો પ્રશ્ર્ન જાગૃતિનો, જે જાગૃતિ પણ બંને પક્ષે એકસરખી અને યોગ્ય રીતની હોવી ઘટે. આખરે યોગ્ય જાગૃતિથી જ એલજીબીટીક્યુના સન્માન અને અધિકારોને પણ વાચા મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.