પ્રયાગરાજમાં હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદનું ઘર તોડી પડાયું

દેશ વિદેશ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશમાં શુક્રવારે કરવામાં આવેલી હિંસાના કથિત માસ્ટરમાઈન્ડ જાવેદ અહમદ ઉર્ફે પમ્પનું ગેરકાયદે ઘર પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટી (પીડીએ)એ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે તોડી પાડ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે કરવામાં આવેલી હિંસાના કથિત માસ્ટરમાઈન્ડ જાવેદ અહમદ ઉર્ફે પમ્પની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
એક દિવસ અગાઉ સરહાનપુર પથ્થરમારાના બે મુખ્ય આરોપીના ઘર પણ તોડી પાડવામાં આવ્યા હતા.
સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી-સહરાનપુર) રાજેશકુમારે કહ્યું હતું કે બંને આરોપીને સીસીટીવી કૅમેરાના ફૂટેજની મદદથી ઓળખી કાઢવામાં આવ્યા હતા.
બંને આરોપીને મુઝ્ઝામીલ અને અબ્દુલ વાકીર તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. જાવેદ અહમદનું ઘર પ્રયાગરાજના કારેલી વિસ્તારમાં આવેલું હતું. પોલીસટુકડી અને જેસીબી મશીન સવારે સાડાદસ વાગ્યે કારેલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બપોરે એક વાગે તોડકામ શરૂ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને બે જેસીબી સહિત ત્રણ મશીનની મદદથી ઘર તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
પત્રકારોને આપેલી મુલાકાતમાં એસપી દિનેશકુમારે કહ્યું હતું કે સવારે જાવેદના પરિવારજનો આવ્યા હતા અને ઘરમાંથી અમુક વસ્તુઓ લઈને પાછલે બારણેથી જતા રહ્યા હતા.
હાલ, ઘરમાં કોઈ જ ન હોવાનું તેમણે કહ્યું હતું.
પીડીએ પાસે પ્લાન મંજૂર કરાવ્યા વિના જ આ ઘર બાંધવામાં આવ્યું હતું. આ માટે ૧૦ મેએ તેને નોટિસ આપવામાં આવી હતી અને ૨૪ મે સુધીમાં તેનો જવાબ આપવા જણાવવામાં આવ્યું હતું. જોકે, ૨૪ મેએ જાવેદ કે તેનો વકીલ બંનેમાંથી કોઈ હાજર નહોતું થયું અને એ મામલે કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં નહોતા આવ્યા. આ કારણે પચીસ મેએ ઈમારત તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.