Homeસ્પેશિયલ ફિચર્સપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: ૮૦,૦૦૦ સ્વયંસેવકો ખડે પડે સેવા આપી રહ્યા છે અને...

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: ૮૦,૦૦૦ સ્વયંસેવકો ખડે પડે સેવા આપી રહ્યા છે અને ભણાવી રહ્યા છે મેનેજમેન્ટના પાઠ

દેશ કે વિશ્ર્વની શ્રેષ્ઠ મૅનેજમેન્ટ સ્કૂલોમાં પણ ન ભણી શકાય તેવા પાઠ એક મહિનામાં પ્રમુખસ્વામી નગરમાં ભણવા મળી શકે છે. હજારો સંતોની દેખરેખ હેઠળ અહીં ૮૦, ૦૦૦ સ્વયંસેવકો ખડે પગે તમારી સુવિધામાં હાજર છે. આમાંથી કોઈ અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિ છે તો કોઈ મલ્ટી નેશનલ કંપનીના સીઈઓ, સીએ, એન્જિનિયર, મૅનેજર, પ્રોફેસર લાંબી કતાર લાગી છે અને સેવા કરનારાઓની. દેશના અલગ અલગ ભાગ ઉપરાંત વિદેશથી આવેલા આ સેવકો રસોડામાં કે શૌચાલયોમાં કે પાર્કિગમાં નમ્રતાપૂર્વક તમારી નાની મોટી તમામ સુવિધાનો ખ્યાલ રાખે છે. આ તમામ સંકલ્પનાને સાકાર કરવી ખૂબ જ અઘરી છે. એવી કોઈ સુવિધા નથી જે તમને અહીં નહીં મળે. અહીં કરવામાં આવેલા મૅનેજમેન્ટને સમજવા માટે પણ લાંબો સમય જોઈએ અને તેને લખવા માટે લગભગ પાનાંઓ નાના પડે. માનવીય કુનેહ અને ટેકનોલોજી અને તે સાથે સેવાભાવના જોડાઈ ત્યારે આવી વ્યવસ્થાઓ શક્ય બને છે.
———
દરેકના સ્વાસ્થ્યની કાળજી
પ્રમુખસ્વામી મહારાજ સ્વયં સમાજના સ્વાસ્થ્ય માટે રાત દિન ચિંતા કરતા.તેઓએ દર્દીઓને પત્રો લખી, રૂબરૂ મુલાકાત કરી અને ફોન પર વાત કરી તેમને હૂંફ અને પ્રેરણા આપતા રહેતા. તેમની સાથે વાત કરીને દર્દીઓને હૂંફ મળતી અને બીમારી સામે લડવા હિંમત મળતી. સ્વામીજીના જન્મ શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો દર્શનાર્થી આવતા હોય છે. એવામાં હરિભક્તો અને સ્વયંસેવકોને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી શકે એ હેતુથી નગરમાં આરોગ્ય સહાયની સુવિધા ઊભી કરવામાં આવી છે. નગરમાં નારાયણ માર્ગ અને શાંતિ માર્ગ ઉપર બે મુખ્ય આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નગરની અંદર ૬ ફરતા દવાખાના પણ કાર્યરત છે જેમાં ૪૫૦ ભાઈઓ તથા બહેનો દ્વારા નિસ્વાર્થ ભાવે મેડિકલ સેવા આપવામાં આવી રહી છે. એલોપેથિક, આર્યુવેદિક, હોમિયોપેથિક ફિલ્ડના ડૉક્ટર્સ ઉપરાંત પેરામેડિકલ, ફાર્મોસ્ટ્રિક, નર્સ સ્ટાફ, કંપાઉન્ડર સ્ટાફ પણ સેવા આપી રહ્યા છે. દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થાય ત્યારે ત્રણ ઇમરજંસી નંબર ડિસપ્લેમાં સમયાંતરે પ્રદર્શિત થતા રહે છે. દર્દીઓને મેડિકલ કેમ્પ સુધી લાવવા માટે ઈમરજન્સી વાહનો સતત તૈનાત રહે છે. નગરના દરેક ગેટની બહાર એક એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. જો દર્દી ક્રિટીકલ જણાય તો તુરંત એમ્બ્યુલન્સ મારફતે સંસ્થાની મોટી હૉસ્પિટલમાં લઇ જવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સ્વયંસેવકોના ઉતારા ઉપર પર જગ્યાએ ૨૪આરોગ્ય સહાય કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે. બન્ને આરોગ્ય કેન્દ્રમાં સંતો, સ્વયંસેવકો, સદ્ભાવીઓ રક્તદાન કરી શકશે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
———
૨૧૫૦ સ્વયંસેવકો પ્રમુખસ્વામી મહારાજ નગરની સ્વચ્છતા વ્યવસ્થા માટે કટિબદ્ધ છે
પ્રમુખસ્વામી નગરના મુખ્ય ભાગમાં ૨૧ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ ભૂભાગમાં પેવર બ્લોક પથરાયેલા છે.આ વ્યવસ્થા દર્શનીય નગરને ડસ્ટફ્રી બનાવે છે. નગરમાં૭ વિશાળ પ્રવેશદ્વારો છે. દરેક દ્વારની બંને બાજુ વિશાલ શૌચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેમ્પરરી પણ પરમેનેન્ટ બાંધકામ કેવું હોઈ શકે તે અહીં ૨૪૦પાકા બાંધકામવાળા શૌચાલયો દ્વારા સાર્થક થયું છે. દરેક શૌચાલયની બહાર સુગંધી ફૂલછોડનો નાનો બગીચો રચવામાં આવ્યો છે. નગરમાં ઠેર ઠેર મળીને કુલ ૧૭૦૦ થી વધુ કચરાપેટીઓ મૂકવામાં આવી છે. જેમાં એકઠા થનારા કચરાનું રોજેરોજ વર્ગીકરણ કરીને તેનો નિકાલ કરવામાં આવશે.
નગરમાંથી એકઠા થનાર બિન ઉપયોગી ફ્રુટ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલુંક ખાતર બનાવવામાં વપરાશે. તદુપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયોના ચારા રૂપે પણ જશે. સાથે જ ભેગા થનાર પ્લાસ્ટિકના કચરાનો પણ અનેક રીતે સદુપયોગ થઈ રહ્યો છે. અહીં પ્લાસ્ટિકની બોટલોને ભેગી
કરીને તેમાંથી કલાત્મક રીતે કચરાપેટીઓ બનાવાઈ છે.
પ્રતિદિન લાખો ભક્તો આવશે, તે નજરમાં રાખીને દર કલાકે ટોઇલેટ બ્લોક સ્વચ્છ રાખવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કીટાણુ નાશક દવાનો પ્રયોગ તેમ જ ફોગસ્પ્રે દ્વારા મચ્છર દૂર કરવા નિયમિત છંટકાવ કરીને ભક્તોના સુસ્વાસ્થ્યનો પણ વિચાર કરવામાં આવ્યો છે.
વળી, આખા નગરનું ઝોન પ્રમાણે વિભાગીકરણ કરીને તેની સ્વચ્છતાનું સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે કુલ ૧૦ સંતો અને ૨૧૫૦ જેટલા મહિલા અને પુરુષ સ્વયંસેવકો રાત દિવસ પુરુષાર્થ કરી રહ્યા છે. આ સ્વયંસેવકોમાંથી કેટલાક મોટી ડિગ્રી ધરાવે છે, વળી કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પણ છે. અમદાવાદ નિવાસી હિતેશભાઈ જોગલ મોટા બિલ્ડર હોવા છતાં સફાઈની સેવા શ્રદ્ધા અને મહિમાપૂર્વક કરી રહ્યા છે.
———
ભવ્યાતિભવ્ય આયોજનમાં પર્યાવરણની કાળજી
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિતે અમદાવાદ ખાતે ૬૦૦ એકરના વિસ્તારમાં ભવ્ય નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ લાખો લોકો મુલાકાતે આવે છે. ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ શરૂ થયેલ આ મહોત્સવ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પૂર્ણ થશે. ત્યારે સવાલ એ થાય કે આ નગરના નિર્માણ માટે વપરાયેલ હજારો ટન મટિરિયલનું શું થશે? શું એને ફેંકી દેવામાં આવશે?
પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં કહેતા કે પ્રકૃતિ આપણી માતા છે અને માતાની કાળજી લેવી એ આપણો ધર્મ છે. સ્વામીજીની આ વાતને ધ્યાનમાં રાખીને નગરના નિર્માણ અને મહોત્સવમાં વપરાયેલ દરેક વસ્તુને રિસાયકલ અને રિયુઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને જરા પણ નુકશાન ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવમાં આવી છે.
દાખલા તરીકે નગરમાં ધૂળ ના ઊડે એટલે સમગ્ર વિસ્તારમાં એક કરોડથી વધુ પેવર બ્લોકસ પાથરવામાં આવ્યા છે. આ મહોત્સવ પૂર્ણ થયા બાદ આ પેવર બ્લોકસનો વિવિધ ક્ધસ્ટ્રકશન સાઈટ પર ઉપયોગ કરી લેવામાં આવશે.
મહોત્સવ દરમિયાન જમા થયેલા પ્લાસ્ટિકને ખાસ રીતે પ્રોસેસ કરીને તેમાં અન્ય મટિરિયલ ઉમેરી બાંકડા બનાવવામાં આવશે જેને વિવિધ ઉદ્યાનોમાં મૂકવામાં આવશે.
રસોડામાં વધેલ કચરા, ફૂલ પાંદડા અને અન્ય ભીના કચરામાંથી બાયોલોજીકલ પ્રોસેસના માધ્યમથી જૈવિક ખાતર બનાવવામાં આવશે, જેનો ઉપયોગ ખેતીમાં જમીનની ઉત્પાદકતા વધારવા થશે.
નગરનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે ઉપયોગમાં લેવાયેલા ૭૦ ટકા મટિરિયલ રીયુઝ અથવા રિસાયકલ કરી શકાય. જેમકે મહોત્સવ પૂર્ણ થયા બાદ સિમેન્ટ અને પ્લાસ્ટર ઓફ પેરીસને ખાસ પ્રકારે પ્રોસેસ કરી તેમાંથી બાંકડા, કુંડા અને પેવર બ્લોકસ બનાવવામાં આવશે. આમ ભવ્યાતિભવ્ય આયોજનમાં પર્યાવરણને નુકશાન ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
———-
પાર્કિંગ-ટ્રાન્સપોર્ટમાં ૪૦૦૦ સ્વયંસેવક જોડાયેલા છે
મુંબઈ, અમદાવાદ કે પછી કોઈપણ શહેરમાં આખો પરિવહન વિભાગ હોવા છતાં પાકિર્ંગ, ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યારે એક સાથે ૬૦૦ એકર જગ્યામાં લાખો લોકો આવે ત્યારે પાર્કિંગ મોટો પડકાર સાબિત થઈ શકે છે. વળી, સાધુસંતો સાથે રાજકીય મહાનુભાવો અને સેલિબ્રિટીઓના આવવાથી ટ્રાફિક અને સુરક્ષા બન્ને મહત્ત્વના બની રહે છે. આથી અહીં
ત્રણ વિભાગમાં ટોટલ ૪૦૦૦ સ્વયંસેવક કાર્યરત રહે છે.
પાર્કિંગ વિભાગમાં ૧૭૦૦ સ્વયંસેવકે ૧ વર્ષ થી પૂર્વ તૈયારી કરી હતી.
નગરની બંને બાજુ ટોટલ ૬૫ પાર્કિંગ પ્લોટ છે. ૬૦૦ એકરમાંથી ૩૨૫ એકર જમીનમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવી છે. જેમાં ૧૩૦૦ બસ , ૨૬૧૩૫ કાર , ૧૨૫૦ આઇશર અને ટ્રેકટર , ૧૩૦૦૦ ટુ- વ્હીલર, એમ ટોટલ ૪૧૭૨૫ વ્હિકલનું પાર્કિંગ થઈ શકે છે. અંદાજિત ૩ લાખથી વધારે લોકોનાં વાહનો પાર્ક થઈ
જાય છે.
૨૫ સંતો અને ૧૭૦૦ કાર્યકરોને સ્વયંસેવકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. અહીં શૌચાલયની વ્યવસ્થા પણ છે. જોકે આ કામ સહેલું ન હતું. મહિનાઓ પહેલા આ તૈયારીઓ થઈ હતી. બ્લોક માર્કિંગ માટે ૨૫ ટન ચૂનો , ૧૩૦૦૦ લાકડાના દંડા, ૩ ટન દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે નગરમાં વૃદ્ધ અને અશક્ત અને વિકલાંગ માટે ૨૫ જેટલા શટલ વ્હિકલ પણ ચલાવવામાં આવે છે. પાર્કિંગ નંબર અહીં એલઈડી સ્ક્રીન વડે દર્શાવેલ છે. અહીં ૨૨ જેટલા એન્ટ્રી ગેટ છે, જેના પર ૧૧૦૦ સ્વયંસેવક બે શિફ્ટમાં કામ કરે છે.
દરેક ગેટ બહાર ઊંચા બલૂન લગાડવામાં આવ્યા છે આથી ગમે ત્યાંથી તમને જે તે ગેટમાં પ્રવેશ કરવો હોય ત્યાં થઈ શકે.
———
ભૂખે પેટ ભજન નાહી: નગરનું રસોડું ને રસોઈ લાજવાબ
આટલા મોટા આયોજન અને વિશાળ જનમેદની અહીં એકઠી થતી હોય ત્યારે તેમના ભોજનની વ્યવસ્થા એક બહુ મોટો પડકાર અને જવાબદારી છે. રોજના બે લાખ કરતાં પણ વધારે લોકોનું પેટ ઠારવા માટે ૫૦૦૦ પુરુષ અને ૬૦૦૦ મહિલા સ્વયંસેવક ખડેપગે કામ કરી રહ્યાં છે. કુલ ૨૨ એકરમાં પથરાયેલાં આઠ ભોજનાલયોમાં રોજ નવી વાનગીઓનો રસથાળ પિરસાઈ છે. આ માટે ૧૩ એકરમાં ખૂબ જ હાઈજેનિક પદ્ધતિથી હાઈટેક ટેકનોલોજીવાળાં સાધનો અને માનવ સંસાધનોની અથાગ મહેનતતી પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. રોટલી, પરોઠા, મીઠાઈ, શાકભાજી ઉપરાતં વિવિધ પ્રકારના નાસ્તા, બેકરી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. દાળ રોટલીથી માંડી પીત્ઝા-પાંઉભાજી અહીં મળે છે. લાકડાના બોઈલર દ્વારા જમવાનું પકાવવામાં આવે છે. દરેક વસ્તુઓનો ઉપયોગ ટનમાં થાય છે. સ્વામિનારાયણ ખીચડીની જ વાત કરીએ તો ૧ કલાક માં ૮ ટન ખીચડી, ૫ બેચ માં ૪૦ ટન ખીચડીનું આઉટપુટ, ૧ વેસલમાં ૪૦૦૦ વ્યક્તિઓની ખીચડી બને છે. રોટલી માટે ૨૪ મશીન છે, એક કલાકમાં ૧ મશીન દ્વારા ૨૦૦૦ રોટલી થાય છે. બહેનો દ્વારા ૬-૭ કલાક માં સ્ટફિંગ વાળી વસ્તુ,:ઘારી, રાજભોગ , કાળા જાંબુ વગેરે મીઠાઈ બને છે. ફરસાણમાં સમોસા , કચોરી. કટલેસ , ગોટા માટે ૬ મશીન છે. ૬ ફ્રાયર છે જેમાં ૨૦ મણ (૪૦૦ કિલો) લોટનાં ગોટા ૧ લાખ માણસ માટે બની શકે છે. રસોઇ બગડે નહીં તે માટે ૬૦૦૦ ઇન્સ્યુલેટેડ કેન રાખવામાં આવ્યા છે, જેમાં ૪ કલાક વસ્તુ ગરમ રહી શકે છે. આ તમામ વાનગીઓ બનાવવા માટેની સામગ્રી હરિભક્તો હોંશે હોંશે આપે છે.
——–
મહિલાઓ સંભાળે છે પ્રેમવતી સેન્ટરો
સ્વામિનારાયણ સંપ્રદાયના જમવાનું પિરસતાં સેન્ટરોને પ્રેમવતી નામ આપવામાં આવ્યું છે. અહીં ૩૦ જેટલા પ્રેમવતી સેન્ટર છે. આ સેન્ટરમાં કેશ કાઉન્ટરથી માંડી તમામ જવાબદારી મહિલાઓની છે. આ સાથે પાણીની પરબ પણ મહિલાઓ સંભાળે છે. તાલીમબદ્ધ ૨૨૦૦ મહિલા સ્વયંસેવક આ સેન્ટરોમાં સેવા આપે છે. પ્રેમવતીમાં ભોજન પહોંચાડવા ૨૦ જેટલી ઇલેક્ટ્રિક રિક્ષાથી સપ્લાય કરવામાં આવે છે. સેન્ટરની બહાર જમી શકાય તેવી વ્યવસ્થા છે. દરેક ગેટ બહાર જ સેન્ટર રાખવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓએ અહીંથી ત્યાં ભટકવું ન પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular