Homeસ્પેશિયલ ફિચર્સપ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પ્રમુખસ્વામી મહારાજ નગર મુલાકાતનો લહાવો અચૂક લેવા જેવો છે

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પ્રમુખસ્વામી મહારાજ નગર મુલાકાતનો લહાવો અચૂક લેવા જેવો છે

શ્રદ્ધા-ભક્તિ અને કળાનો સોનેરી સમન્વય: સાથે સાથે વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટનું અદ્વિતીય ઉદાહરણ

કોઈપણ ધર્મ કે સંપ્રદાય સાથે ભક્તિ, શ્રદ્ધા અને અધ્યાત્મ જોડાયેલાં હોય છે, પરંતુ તે ધર્મ સાથે જોડાયેલા લોકો જ્યારે તેમાં કળા, સર્જનશીલતા, મેનેજમેન્ટ અને ટેક્નોલોજીને સાંકળીને પોતાના ગુરુની જન્મશતાબ્દીની ઉજવણી કરે ત્યારે તે એક લહાવાની સાથે સુખદ અનુભવ અને અનુકરણીય ઉદાહરણ બની જતાં હોય છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અમદાવાદના ઓગણાજ ગામવિસ્તારમાં ૬૦૦ એકરમાં પથરાયેલું પ્રમુખસ્વામી મહારાજ નગર આ તમામનો સમન્વય છે અને અહીંની મુલાકાત કોઈપણ મુલાકાતીને જીવનભરનો એક યાદગાર અનુભવ કરાવે છે. તો ચાલો આપણે પણ મારીએ આ નગરની એક લટાર…

પૂજા શાહ – સાવન ઝાલરિયા

નગરમાં પ્રવેશતા જ સંતદ્વાર તમારું મન મોહી લેશે. પીઓપીથી બનેલા આ સંતદ્વારમાં ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવી છે. ૩૮૦ ફૂટની લંબાઈ અને બાવન ફૂટની ઊંચાઈવાળા આ દ્વારમાં પ્રવેશતા જ જાણે સંતો આશીર્વાદ આપતા હોય તેમ ભક્તકવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, સ્વામી વિવેકાનંદ, આદિ શંકરાચાર્ય સહિતના ૨૮ સંતની મૂર્તિઓ અહીં ગોઠવવામાં આવી છે. આ પ્રવેશદ્વારથી થોડા પહેલા મધ્યમાં બનેલી કલાકૃતિ વિશ્ર્વની નોંધપાત્ર કલાકૃતિમાં સ્થાન મેળવી શકે તેવી છે. પ્રમુખ સ્વામીના હાથમાં માળા. નેતરથી બનેલી આ કલાકૃતિમાં બારીકાઈથી થયેલું કામ આંખને આંજી દે તેવું છે. આ સાથે દરેક કૃતિ સાથે એક સંદેશ છે. પ્રમુખ સ્વામી સમાજિક કાર્યોમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં ઈશ્ર્વરનું રટણ ક્યારેય ન છોડતા તે આ કૃતિ સમજાવે છે. આવી જ નેતરથી બનેલી તેમના હાથની પત્ર લખતી, ધૂન ગાતી કૃતિઓ તમને આકર્ષી જાય તેવી છે. આ દ્વારમાં પ્રવેશો એટલે આસપાસ ગાંધર્વો ફૂલો દ્વારા તમારું સ્વાગત કરે અને સામે નજર નાખો એટલે પ્રમુખ સ્વામીની વિશાળ મૂર્તિ. ૧૫ ફીટા પોડિયમ પર ૩૦ ફૂટની ઊંચી આ મૂર્તિ આસપાસ સ્વામીના જીવનના ઘણા પ્રસંગો વર્ણવ્યા છે. આ પ્રસંગોને ૨૪ અગલ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તેઓ ૨૪ કલાક હરિભક્તિ અને લોકોની સેવામાં જ રચ્યાપચ્યા રહેતા.
આવા અનેક આકર્ષણો અહીં છે, જે આધ્યાત્મિકતા સાથે કલાત્મકતાની અનુભૂતિ પણ કરાવે છે. જેમાં સંતદ્વાર ઉપરાંત ૧૧૬ ફૂટ લાંબા અને ૩૮ ફૂટ ઊંચાં ૬ કલાત્મક ભવ્ય પ્રવેશદ્વારો છે. પ્રત્યેક પ્રવેશદ્વાર પાસે પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને કાર્યનો ચિત્રાત્મક પરિચય આપવામાં આવ્યો છે. આ સાથે અહીં ભજન કુટિર બનાવવામાં આવી છે, જેમાં ભક્તજનો અખંડ ભજન કરે છે. ‘ભગવાન ભજવા અને ભજાવવા’ એ જેઓનું મુખ્ય કાર્ય હતું તેવા પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિમાં અખંડ ભજનના આંદોલનો પ્રસરાવતી ભજન કુટિર સૌને આકર્ષી રહી છે અને લોકો અહીં ભાવવિભોર થઈ ભજનો ગાય છે અને ગરબે ઘૂમે છે. આ સાથે છે ગ્લો ગાર્ડન. પૂર્ણ કદના પશુ-પક્ષીઓ, વૃક્ષો અને આકર્ષક પ્રતીકો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના સંદેશની – શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં વિશ્ર્વાસ અને વિશ્ર્વબંધુત્વની પ્રસ્તુતિ કરતું ૩૦ એકરમાં ફેલાયેલું નયનરમ્ય ગાર્ડન આંખોને ઠાઢક આપે તેવું છે. અહીં રાતના સમયે થતી લાઈટિંગ જોવા લોકો લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. બાળકોમાં ધર્મ અને જ્ઞાનનું સિંચન કરવું અતિ આવશ્યક છે ત્યારે અહીં ૧૯ એકરમાં ફેલાયેલી બાળ નગરી ૪૦૦૦ બાળ સ્વયંસેવકો- સ્વયંસેવિકાઓ દ્વારા સંચાલિત આ નગરીમાં ઉચ્ચ જીવનશૈલીની પ્રેરણા આપતા ત્રણ બાળ પ્રદર્શનખંડો છે. અહીં બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવે છે અને તેને જોવા લોકોની લાંબી લાઈન અને રીતસરનો ધસારો
થાય છે.
આ ઉપરાંત સેલ્ફી પોઈન્ટ, નિયમ કુટિર જેવા આકર્ષણો પણ છે. લાઈટ અને સાઉન્ડ શો, ૩૦૦ બાળકો-યુવાનોના અભિનય, ૩ઉ પ્રોજેક્શન ટેક્નિક, અલગ અલગ પ્રદશર્ન ખંડો છે, જેમાં સંત પરમ હિતકારી, તૂટે હૃદય, તૂટે ઘર, ચલો તોડ દેં યે બંધન, આપના ભારત, મેરા ભારત, સહજાનંદ જ્યોતિ મંડપ, નારી ઉત્કર્ષ મંડપમ, નારાયણ સભાગૃહ જ્યાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત મહાનુભાવો, સંતોની ઉપસ્થિતમાં એક મહિના સુધી સાંજે ૫ થી ૭:૩૦, વિશિષ્ટ પ્રેરણાદાયી કાર્યક્રમો થાય છે. જેમાં નિયમિત એક થીમ હોય છે અને તે અનુસાર કાર્યક્રમો યોજાય છે.
આ સાથે અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન થાય છે. કુલ ૨૨ પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. પ્રકૃતિ અને આધ્યાત્મ ક્યારેય અલગ થઈ શકે નહીં ત્યારે ‘પ્રમુખસ્વામી નગર’માં ૨૦૦ પ્રકારના ૧૦,૩૫,૦૦૦ જેટલાં ફૂલછોડ રોપવામાં આવ્યાં, ગુજરાત અને ભારતના અનેક સ્થળોએથી ફૂલ-છોડ લાવવામાં આવ્યા છે. આ તમામને એક મહિના સુધી લીલાછમ રાખવા માટે ટપક સિંચાઇ પદ્ધતિના ઉપયોગથી પાણી આપવા માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી છે.
અત્રે કહેવાની જરૂર નથી કે લોકો લાખોની સંખ્યામાં આ નગરની મુલાકાત લે છે અને ભક્તિના રંગમાં રંગાઈ એક સુંદર સંભારણું પોતાની સાથે લઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular