પ્રજામત

રાગ: લાલ મોટર આવી…
‘સ્વાધીનતાનું રતન’
પંદર ઑગસ્ટ આવીને અવસર એવો લાવી,
પ્યારે બંધુ, મુક્તિ નો તહેવાર છે
નીકળે પ્રભાત ફેરી ને ગજવે શેરી શેરી,
ગૂંજે નારા, હિંદનો જયકાર છે.
ત્રિરંગો આ ફરકે છે સંદેશો કંઇ અર્પે છે,
આઝાદીનો, શેરદિલ સંચાર છે
બ્યુગલ સૂરો વાગે શૌર્યનાં સીમાડે,
દેશભક્તિ, ની આસ્થા અપરંપાર છે.
લાલ રંગની યારી છે શહીદની ખુમારી,
રણશૂરો, રણવીરનો રણકાર છે.
વીરની કુરબાની જનનીની જીવદાની,
જવાંમર્દો, એ આપનો ઉપકાર છે.
સ્વાધીનતાનું રતન કીધું અમને અર્પણ,
હેમકારો, અદ્ભુત અલંકાર છે.
જયોત રાષ્ટ્ર ભાવની ઉજાળશે અમ અવની,
કુંજવીરો ન અતીતનો અંધકાર છે
એકતાનાં તાંતણે બંધાઇ રહીયે આપણે,
ભાતૃજનો, દેશદાઝની દરકાર છે.
સૈનિક બની સૂરા સંભાળશું તારી ધૂરા,
માતૃભૂમિ, નિરમોલ નિર્ધાર છે.
ચંદ્રકાન્ત એચ. પારેખ “કલ્પ,કાંદિવલી (વેસ્ટ)
———
આઝાદીના નામે
અડધી રાત્રે અંધારા પીધા!
આ તે કેવું? આઝાદીના નામે
અમે અડધી રાત્રે અંધારા પીધા
આઝાદીના નામે ‘સત્તાની ફેરબદલીમાં’
અમ સૌ ભારતીયો છેતરાયા
શાસકો અમારા પણ
કાયદાઓ એમના!
અર્થઘટન કાયદાઓના
શાસકોના મનગમતા,
આઝાદીમાં નવી આઝાદીનું,
નામ પણ ન લેવાય!
ગુલામીમાં એટલું તો હતું,
આઝાદીના દિવા સ્વપ્નનું ભારત,
શાસકો અમારા લોહી સમાન,
પણ વોટ પડતા જ બની જતા,
સંવેદન શૂન્ય સંસદના પત્થર સમાન,
જાણે અડધી રાત્રે ઉજાસના નામે, અંધારા પીધા!
પાપી ‘ભ્રષ્ટાચારે’ બનાવ્યો
હવે ‘પવિત્ર-પુણ્ય’, ‘ગુલામી’ શબ્દ,
ગુલામીમાં સારી આઝાદીનું સ્વપ્ન તો જોતા હતા,
હવે જાણે થઇ ગયા, આઝાદ દેશનાં ગુલામ સમા,
‘અમે’ સૌ ‘અમારા’ વિરુદ્ધ હવે થઇ બેઠા,
ઉજવીએ છીએ આઝાદીના નામે અંધારા
પછી બેભાન થઇને આખું વર્ષ સહી લેતા,
કોને કહીયે આઝાદીના દિવા સ્વપ્નનું ભારત!
હરેન્દ્ર એન. ભટ્ટ, કાંદિવલી (વેસ્ટ)
——
લખાવી લખાવીને
આવ્યો છું સુખના સમણાં વટાવીને,
માંડ શાંત કરી છે પીડાને પટાવીને.
આ તરફ જરા અજવાસ પથરાયો,
લાગે છે જોયું એણે ઘૂંઘટ હટાવીને.
દુશ્મનો નવરો પડવા ન દે હજુ,
શું કામ છે દોસ્તો નવા બનાવીને!
યત્ન કરીએ એનો ઇનકાર જાણવા,
પ્રશ્ર્નો પતશે નહીં કોઇને પતાવીને.
તારી દૂરતા પરિણમત મોતમાં જ,
જિવાડ્યો તેં રચના લખાવી લખાવીને.
સંજીવ અજિતભાઇ પંડયા
ગાંધીનગર
———
ચાલો અમૃત-મહોત્સવ ઉજવીએ
ચાલો આઝાદીનો પર્વ ઉજવીએ
ચાલો અમૃત-મહોત્સવ ઉજવીએ
દેશ માટે જીવીએ ને મરીએ
ગાંધીનાં સપનાં સાકાર કરીએ
પરિશ્રમી ને ઉદ્યમી બનીએ
પોતાની ફરજથી ના ચુકીએ
કર્તવ્ય નું પાલન કરીએ
ગાંધીનાં સપનાં સાકાર કરીએ
ના કોઈને દગો દઈ છેતરીએ
સ્વાર્થ છોડી પરમાર્થ આચરીએ
નિત્ય સત્ય ને વળગી ને રહીએ
ગાંધીનાં સપનાં સાકાર કરીએ
સંસ્કૃતિનું જતન સહુએ કરીએ
પર્યાવરણની રક્ષા કરીએ
અન્યાય કદાપિ ના સહીએ
ગાંધીનાં સપનાં સાકાર કરીએ
ના એક-બીજા સાથે લડીએ
સૈનિકોનું બલિદાન ના વેડફીએ
આઓ પ્રેમથી સહુ સાથે રહીએ
ગાંધીનાં સપનાં સાકાર કરીએ
– બીજલ શાહ, ઘાટકોપર (ઈસ્ટ)
——-
કચરાના નિકાલની સમસ્યા અને સમાધાન
ભારતમાં દર વર્ષે છ કરોડ કે તેનાથી પણ વધારે ટન કચરો ફકત મહાપાલિકા ક્ષેત્રમાં પેદા થતો હશે.
મુંબઇની વાત કરીએ તો મુંબઇ શહેરમાં પ્રતિદિન અંદાજે સાત હજાર મેટ્રિક ટન કે તેથી પણ વધુ કચરો દેવનાર-મુલુંડ અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવે છે. તેમાંથી મુલુંડ અને દેવનારની ક્ષમતા પૂરી થઇ હોઇ કચરો ક્યાં નાખવો એ સમસ્યા માથાના દુ:ખાવા સમાન છે.કચરાથી ઉભરાતી શેરીઓ-ગંદકીથી ખદબદતી ગટરો, ઝૂંપડપટ્ટીના ગંદા વસવાટો શહેરની સ્વચ્છતા માટે જોખમરૂપ છે. કચરો જયાં ઠાલવવામાં આવે છે એ ડમ્પિંગ ગ્રાઉન્ડ તો ખરેખર એક પ્રદૂષણ બોંબ લાગે! જેથી સ્થાનિક રહેવાસીઓનું આરોગ્ય પણ જોખમાય છે. વરસો પહેલા ગામમાં, શાકભાજી-ફળનાં છીલતાં વિ. પશુઓનો ખોરાક બનતો. ઘરનો એંઠવાડ શેરીની કુંડીમાં નાખતા જે કૂતરાઓ ખાઇ જતા છેલ્લે વધેલો કચરો કાગડા-ચકલી વિ. પક્ષીઓ ચણી લેતાં. આમ આ રીતે કચરાનો સહજ અને સરળ રીતે નિકાલ થઇ જતો તથા પશુ-પંખી-પ્રાણીનું પેટ પણ ભરાતું, હાલમાં શહેરોના શાકભાજી ફળનાં છીલતાં વિ. નો સૂકો કચરો અલગ રીતે ભેગો કરી નજીકની પાંજરાપોળના પશુઓને ખવડાવવાની ગોઠવણ ન કરી શકાય? અથવા બિનઉપજાઉ અમુક એકર જમીન રખડતાં પશુઓને માટે ફાળવી કોઇ સેવાભાવી સંસ્થા દ્વારા આ રીતનું આયોજન કરાય તો રખડતા પશુઓના પ્રશ્ર્ન સાથે અમુક અંશે કચરાના નિકાલનો પ્રશ્ર્ન પણ ઉકેલાઇ જાય. સેવંતી મ. સંઘવી (થરાદ), અંધેરી (પૂર્વ)

Google search engine