પ્રજામત

પ્રજામત

પબ્લિક સ્કૂલોમાં ભણાવાશે શૅરબજારના પાઠ!?
આર્થિક સાક્ષરતા મિશન હેઠળ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નાની ઉંમરમાં તેમને આર્થિક સાક્ષરતાના પાઠ ભણાવવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધેલ છે. જેમાં પબ્લિક સ્કૂલ (જૂનું નામ નગરપાલિકા શાળા)ના વિદ્યાર્થીઓને બોમ્બે સ્ટોક એકસ્ચેન્જના માધ્યમથી શૈક્ષણિક વર્ષ જૂન ૨૦૨૨થી ધોરણ આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીગણના અભ્યાસક્રમમાં શૅરમાર્કેટ અને બેંકિંગનો સમાવેશ કરવામાં આવેલ છે.
પાલિકાની પબ્લિક સ્કૂલોમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા હોઈ, તેમના પરિવારની જવાબદારી આવી શકે છે. તેથી પાલિકાએ તેમને નાનપણમાં આર્થિક પાઠ ભણાવવાનો નિર્ણય લીધેલ છે. બોમ્બે એકસ્ચેન્જના સભાગૃહમાં મુંબઈ મહાનગરપાલિકા અને બોમ્બે એકસ્ચેન્જ ઈન્સ્ટિટ્યૂટ લિમિટેડ વચ્ચે કરાર થયેલ છે. આ શિક્ષણમાં થિયરીની સાથે પ્રેક્ટિકલ નૉલેજ પણ પીરસાશે.
આ શિક્ષણ માટે પ્રથમ તબક્કામાં બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ દ્વારા પબ્લિક સ્કૂલસ્ના ૧૦૦ શિક્ષકો તાલીમ પામી રહેલ છે. જેઓ પછી વિદ્યાર્થીઓને નાણાંનું મહત્ત્વ, નાણાંનો ઉપયોગ, બચતનું આયોજન, બેન્કનું મહત્ત્વ, બેન્કની કામગીરી, રિઝર્વ બેન્કની ભૂમિકા, શૅરબજાર, નાણાં બજાર, ડિમાન્ડ ડ્રાફટ, બચતની આવશ્યકતા, બેન્કમાં જઈને નાણાં ડિપોઝિટ કરવું, ચેક ભરવો, સ્લિપ ભરવી વિગેરે મહત્ત્વની/ રોજિંદી માહિતીથી વાકેફ કરશે.
અમે મુંબઈ મહાનગરપાલિકાના ચીફ કમિશનર મહોદયશ્રીને ઉપયુક્ત કારણોસર અભિનંદનનો પુષ્પહાર અર્પણ કરીએ છીએ.
– પ્રિન્સિ. કુંવરજી અને અનસુયા બારોટ
અંધેરી (પ.)

મરણનોંધ – ફનવર્લ્ડ
‘મુંબઈ સમાચાર’માં મરણનોંધનું શીર્ષક જ્યાં મૂકવામાં આવે છે તેની નીચે મરણ નોંધ હોતી નથી. ત્યાં કોઈ વાર સમાચાર તો કોઈ વાર ક્લાસીફાઈડ જાહેરખબર હોય છે. તેથી મારું સૂચન છે કે જ્યાં મરણનોંધ લખવામાં આવે છે તેની ઉપર જ મરણનોંધનું શીર્ષક હોવું જોઈએ. જો તમને યોગ્ય લાગે તો તેમાં સુધારો કરવા ઘટતું કરશો.
મારે એક બીજું સૂચન પણ કરવું છે. ‘ફનવર્લ્ડ’માં કેટલાક સમયથી ‘ભાષા વૈભવ’માંં અંગ્રેજી-ગુજરાતી તેમજ મરાઠી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો શરૂ કરવામાં આવ્યો છે તેમાં એક વધુ ઉમેરો કરવો જોઈએ અને તે છે હિન્દી-ગુજરાતી શબ્દોની જોડી. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. મોટા ભાગના લોકો હિન્દી બોલે છે અને સમજે છે, પણ કેટલીક વાર હિન્દીના કોઈ શબ્દની સમજ પડતી નથી અને કેટલીકવાર આપણી ભાષાના કોઈ શબ્દનું હિન્દી ખબર હોતું નથી. તો જો હિન્દી-ગુજરાતી શબ્દોની જોડી શરૂ કરવામાં આવે તો ઘણા હિન્દી શબ્દોની જાણકારી મળશે.
– ઋષભ મઝુમદાર
બોરીવલી (વેસ્ટ)

નવા સ્મરણ સિક્કા
ગયે અઠવાડિયે વડા પ્રધાનશ્રી મોદીજીએ આઝાદીના પંચોતેર વર્ષની યાદગીરી રૂપે નવા સિક્કાનું વિમોચન કર્યું. આ સિક્કા ખાસ સંગ્રહ કરનારા માટે છે અને લગભગ ચલણમાં નહીં આવે. આમે હવે એક કે બે રૂ.ની ખાસ કોઈ કિંમત રહી નથી. એકાદ ચોકલેટ કે પીપરમીન્ટ સિવાય એનાથી કંઈ ખરીદી ન શકાય. એનો ઉપયોગ મોટે ભાગે ચીલ્લર પાછી આપવા થાય છે. રિઝર્વ બૅંકેને ફરિયાદ કરવાની છે કે અહીં એણે છેલ્લે બહાર પાડેલા દસ રૂ.ના સિક્કા કોઈ સ્વીકારતું નથી. અરે બૅંકવાળા પણ દલીલો બાદ મોઢું બગાડી સ્વીકારે છે. મોલવાળા પણ લેતા નથી તો શું આ સિક્કા કાયદેસર નથી? જો એમ ન હોય તો બધી બૅંકો અને મોલને નોટિસ મોકલે કે આ વૈદ્ય કરન્સી છે અને એનો અસ્વીકાર કાનૂની અપરાધ છે. એવી જ રીતે રિઝર્વ બૅંક પોતે સ્વીકારે છે કે પાંચસો રૂપિયાની લાખો બનાવટી નોટો ચલણમાં ફરી રહી છે તો ચકાસીને લેવી. હવે કેટલા સામાન્ય લોકો એ ઓળખી શકે? બૅંકમાં તમે પૈસા જમા કરાવતી વખતે આવી નોટો આપો તો તમને ફાડી નાખવાની સલાહ આપે છે. (આ મારો જાત અનુભવ છે. આવી નોટો એ.ટી.એમ.માંથી પણ નીકળે છે.) કારણ બનાવટી નોટો વાપરવી એ ગંભીર ગુનો છે. તો અશિક્ષિત અને બિનઅનુભવી લોકો શું કરે?
– જીતેન્દ્ર શાહ, હૈદરાબાદ

નવી શિક્ષણ નીતિ
સરકારે નવી શિક્ષણ નીતિ બનાવી છે, પરંતુ અમલ કેમ થતો નથી તે ચિંતાજનક છે. અંગ્રેજી માધ્યમની શાળાઓના સંચાલકોથી દબાયેલી ગુજરાતની ભાજપ સરકાર માતૃભાષા ગુજરાતીની અવગણનાને જોઈ રહી છે.
અંગ્રેજીના સ્નાતક-અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાંથી વિદેશી વાર્તાઓ અને નાટકોને રદ કરી ભારતીય સંસ્કૃતિ આધારિત નાટકો, કાવ્યો જેવા કે શાકુંતલ, રામાયણ, મહાભારતને સામેલ કરી તેનો અમલ કરે. જેથી વિદ્યાર્થીઓને અંગ્રેજી પ્રત્યે આકર્ષણ અને રસ જાગે. અંગ્રેજો ગયા છતાં હજુ અંગ્રેજી સાહિત્ય ચાલે છે. અંગ્રેજી શીખવા માટે ભારતીય વાર્તાઓ ને કાવ્યો સામેલ કરો. નવી શિક્ષણ નીતિમાં તેનો અમલ જરૂરી છે.
– જગદીશ ડી. ઉપાધ્યાય, વલ્લભવિદ્યાનગર

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.