પોતાને માટે નહિ, પરંતુ ‘પોતાના’ની માટે જીવી જાણે છે એ…!

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

તમે ક્યારેય કોઈ સ્ત્રીને પૂછ્યું છે કે ‘તું કોના માટે જીવે છે?’ ઘર-પરિવાર, પતિ, બાળકોને સંભાળતી, જોબ કે વ્યવસાય કરતી સ્ત્રીને જોઈને એવું થયું કે એ પોતાના માટે ક્યારે જીવે છે? આ બધું જ સંભાળતાં એ પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ, સપનાંઓને સાથે રાખી પૂરાં કરી શકે છે?
આપણે કોઈ હાઈફાઈ કે રિચ ફેમિલીમાં જન્મીને ઊછરેલી સ્ત્રીની વાત નથી કરવી જેને જન્મથી જ કોઈ કામ કરવાની જરૂર ન હોય, પણ વાત કરવી છે મિડલ ક્લાસ અને લો મિડલ ક્લાસ સ્ત્રીની જે પોતાના સપનાની પાંખો કાપીને ઘરના સભ્યો માટે પોતાનો જીવ રેડી દે છે.
આપણે ત્યાં દીકરી નાની હોય ત્યારથી જ એને ભણવાની સાથોસાથ રસોડાની જવાબદારી શીખવવામાં આવે છે. શિક્ષણ એ સ્ત્રી માટે પોતાની ક્ષમતાને દુનિયા સમક્ષ લાવીને ઉડાન ભરવાનું માધ્યમ બને છે. સાથોસાથ એના માથે વર્ષોથી સોંપેલી ઓછી ને થોપેલી વધુ સ્ત્રીસહજ જવાબદારી પણ શિખવાડાય છે, જેથી લગ્ન પછી કોઈ તકલીફ ન થાય, પરંતુ લગ્ન પછી ઘરની જવાબદારી, સાથોસાથ વ્યાવસાયિક જવાબદારી, બંને પક્ષો તરફથી લગ્નના થોડા સમય બાદથી સંતાન માટેની અપેક્ષાઓ અને સંતાનના જન્મ બાદ વધતી જવાબદારીઓ મોટા ભાગે સ્ત્રીના ખભે લાદવામાં આવે છે.
સવારના છથી લઈને રાતના દસ સુધી મશીનની જેમ કામ કર્યે રાખતી ઘરની ગૃહિણીને જ્યારે કોઈ એમ કહે કે ‘ઘરે રહીને કરે છે શું?’ ત્યારે એની પાસે સો જવાબ હોવા છતાં કોઈ જવાબ નથી આપતી. પતિનું ટિફિન, બાળકોનું લંચબોક્સ, સાસુ-સસરાની દવા, કપડાંની ઈસ્ત્રી, ઘરના સભ્યોની ભાવતી રસોઈ, બાળકોનું હોમવર્ક, અન્ય સભ્યોની નાનીમોટી જરૂરિયાતો વગેરે પૂરી કરતાં કરતાં પણ ફ્રી સમયે પતિને આર્થિક ટેકો કરી શકાય એવું કંઈક કામ કરે. ઘરના વ્યવહારો સાચવે, સારા-મોળા પ્રસંગોએ હાજરી આપે, નાના-મોટા ઉપવાસની સાથે વાર-તહેવારો ઊજવી જાણે, દૂધનાં બિલોથી લઈને ગાડી કે મકાનના હપ્તા સંબંધી માહિતી સમયસર યાદ અપાવે અને બીજું ઘણુંય… આ તો થઈ માત્ર ઘર સંભાળતી સ્ત્રીઓની વાત, પરંતુ એની સાથોસાથ નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ જે ઉપર જણાવ્યાં એ દરેક કામ કરે જ છે, પણ આના સિવાય ૮થી ૧૦ કલાક અલગ પ્રકારના વર્કલોડમાંથી પસાર થાય છે. પોતાની બંને પ્રકારની જવાબદારીઓ અને બંને પ્રકારની અપેક્ષાઓ સંતોષવા જતાં ક્યાંક ને ક્યાંક પોતાના માટે જીવવાનું એ ભૂલી જાય છે.
ઘરના તમામ સભ્યોની ઈચ્છાઓને સુપેરે પૂરી કરનારની ઈચ્છા શું છે એ જાણવાની તસદી લીધી છે ક્યારેય? પતિ માટે હોંશે હોંશે ટિફિન તૈયાર કરતી સ્ત્રીને ક્યારેય એવું પૂછ્યું કે ‘તને ક્યારેય અન્યના હાથનું જમવાની ઈચ્છા થાય છે ખરી?’ રોજ ઘરના સભ્યોને ત્રણ ટાઈમ મનગમતી રસોઈ બનાવીને હેતે જમાડતી સ્ત્રીને પૂછ્યું કે ‘તને ક્યારેય રસોઈ બનાવવાની આળસ આવે છે?’ બાળકો માટે નિતનવી રેસિપી શીખીને પ્રેમથી ખવડાવતી મમ્મીને ક્યારેય એવું પૂછ્યું કે ‘તારા માટે મનગમતી ડિશ તેં છેલ્લે ક્યારે બનાવી?’ સાસુ-સસરાનાં ડાયેટ અને દવાનું ધ્યાન રાખતી સ્ત્રીને પૂછ્યું કે ‘તારી તકલીફ વખતે દવાનું ધ્યાન કોઈ રાખે છે?’ બાળકોને હોમવર્ક કરાવતી મીઠી મમ્મીના સવારથી લઈને મોડી રાત સુધીના હોમવર્કમાં ક્યારેય ડોકિયું કરી જોયું? ઘરના તમામ સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખતી ઘરનો આધારસ્તંભ સમી સ્ત્રીને ક્યારેય પૂછ્યું કે ‘તારી કોઈ જરૂરિયાત છે કે નહીં?’ ઘર સાથે ઓફિસ મેનેજ કરતી વર્કિંગ વુમનને ક્યારેય કહ્યું કે ‘ચાલ, આજે બહારથી ડિનર મગાવી લઈએ, તું થાકી ગઈ હોઈશ.’ ઓફિસનો વર્કલોડ સતત સ્ટ્રેસ સાથે પૂરો કરતી સ્ત્રી જ્યારે ઘરે આવે ત્યારે ‘ચાલ, તું ફ્રેશ થઈ જા. તારા માટે ગરમાગરમ ચા રેડી છે’ આવું કહ્યું છે? ૧૬થી ૧૮ કલાક મશીનની જેમ ઘડિયાળના કાંટે કામ કરનાર સ્ત્રીને પૂછ્યું કે ‘તને થાક લાગે છે કે નહીં?’
બસ આ અને આના જેવા અન્ય પ્રશ્ર્નોના ઉત્તરમાં જેની જીવવા માટેની તલપ રહેલી છે, એની ઈચ્છાઓ, સપનાંઓ અને આશાઓ સમાયેલી છે. વિચાર્યું ક્યારેય કે કિચન, જોબ, પરિવાર, બાળકો અને વ્યવહાર – આ બધું જ સારીપેઠે સંભાળતી એમ્પાવર્ડ સ્ત્રી પોતાના માટે ક્યારે જીવે છે? પતિની દરેક ટૂરની ગોઠવણ કરી આપનાર સ્ત્રી જો ક્યારેક એવું કહે કે ‘તમે એક વીક ઘર સંભાળી લેજો. મારે સોલો ટ્રિપ પર કે મિત્રો સાથે ફરવા જવું છે’, ‘હુંય ઘર સંભાળીને થાકી એટલે થાક ઉતારવા અને મારા માટે જીવવા લોન્ગ ટૂર પર જવું છે. મારું પેકિંગ કરી આપજોને…’ આવું કેટલા ટકા પતિઓ સાંભળી શકશે? અને સાંભળ્યા બાદ કેટલા ટકા પતિઓ અને ઘરના સભ્યો એની વાતમાં સહમત થશે? આખી લાઈફનું સરવૈયું કાઢો તો સરેરાશ સ્ત્રી કેટલા દિવસો પોતાના માટે જીવે છે? કેટલો સમય પોતાની ઈચ્છાઓ અને શોખ માટે ફાળવે છે? જેમાં એ માત્ર પોતાનો જ વિચાર કરે, પોતાની રસની પ્રવૃત્તિઓ કરે, પોતાનું ધાર્યું કરે.
‘જીવવું’ અને ‘જીવી જાણવું’ આ બંનેમાં બહુ મોટો ફેર છે. મોટા ભાગે સ્ત્રીઓ બીજાની ખુશી, તકલીફ, ગમા-અણગમા, બીજાના સપનાને પોતાનાં માની જીવતી હોય છે. પોતાને પાંખો આપી હોવા છતાં એને કાપીને અન્યોની સપનાની ઉડાનમાં સવાર થાય છે સ્ત્રી… પોતાનાં અઢળક સપનાંઓ હોવા છતાં અન્યના સપનાને સાકાર કરવા નીકળી પડે છે સ્ત્રી… પોતાની અગણિત ઈચ્છાઓના પોટલાને સંકેલીને બીજાની ઈચ્છાઓની ગાંસડીઓનો બોજ હસતા મોઢે ઉપાડે છે સ્ત્રી… પોતાના શોખને હાંસિયામાં રાખી અન્યોની નાનામાં નાની જરૂરિયાતોનું હેડિંગ બનાવી લે છે સ્ત્રી… પોતાની ક્ષમતાઓની ઉપરવટ જઈને પણ બીજાને કાબિલ બનાવી જાણે છે સ્ત્રી… ૧૦૩ ડિગ્રી તાવમાં પણ હૂંફાળા હાથના સ્પર્શથી ખીલી ઊઠે છે સ્ત્રી… નથી પરવા પોતાના અસ્તિત્વની, ગમતા પાત્ર માટે પોતાનું સમગ્ર અસ્તિત્વ કુરબાન કરી દે છે સ્ત્રી… પોતાની ઈચ્છાઓનું દમન કરી ક્યારેક ચેતનમાંથી જડ બની જાય છે સ્ત્રી…
જેનું સમગ્ર જીવન પોતાના પરિવારની આસપાસ વીંટળાયેલું છે, જેની હાજરીમાત્રથી જીવન બાગબગીચા જેવું રમણીય લાગે છે અને જેની ગેરહાજરી સ્મશાન જેવી શાંતિનો આભાસ કરાવે છે, જેની બક બક પણ આંતરમનને આરામ આપે છે અને જેનું મૌન કરડવા દોડે છે એવી અઢળક અરમાનોથી ભરેલી સ્ત્રી કે જે જીવે છે બીજા માટે અને મૃત્યુ વખતે પણ વિચારે છે માત્ર પોતાનાઓનું… અને જ્યારે સવાલ પોતાના માટે જીવવાનો થાય ત્યારે ઢગલો વિટંબણાઓ વચ્ચે એ ઝંખે છે હૂંફાળો સ્નેહ, માથે ફરતો વહાલભર્યો હાથ, થોડી મોકળાશ અને થોડી સ્ત્રીસહજ લાગણીનો સહવાસ… ક્યારેક રાડો પાડીને કે વિરોધ જતાવીને દુનિયાને એ જણાવવા માગે છે કે ‘મારે પણ જીવવું છે.’ તો ક્યારેક મૌન રહીને, મૂક પ્રેક્ષકની જેમ, સઘળું કુરબાન કરીને પોતાની જાત સાથે લડ્યા કરે છે કે ‘તું આવી નહોતી, તો આવી કેમ થઈ ગઈ?’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.