પોતાની આભાસી પ્રતિમા દુનિયા સમક્ષ રજૂ કરવાની ધૂન ટીનેજર્સમાં વધી રહી છે

લાડકી

ઉડાનમુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

આજે ઓફિસમાં એટલું કામ હતું કે માથું ઊંચું કરવાનો પણ સમય મળ્યો નહોતો. આજે તો હવે ઘેર જતાં રાત જ પડી જવાની એમ વિચારતી નિરાલીએ હળવો થાક ખાવા લેપટોપની સ્ક્રીન બંધ કરી, ખુરશી પર માથું ઢાળી, પોતાનો ફોન હાથમાં લીધો. બીજી જ ક્ષણે ફટ્ દઈને એ ઊભી થઈ ગઈ. નજર હજુ ફોન પરથી હટતી નહોતી. તેને આ રીતે ત્વરિત રીએક્શન આપતાં જોઈ બાજુમાં બેસતી દીપાએ પૂછ્યું, ‘શું થયું?? anything serios ?? જવાબમાં નિરાલીએ નકારમાં ડોકું હલાવ્યું. ખેર, દીપાએ મલ્ટિનેશનલ કંપનીઓમાં પ્રવર્તતા પ્રોફેશનલિઝમ મુજબ ફરી વધુ કંઈ પૂછ્યું નહીં તો પણ નિરાલીનો ભવાં ચડાવેલો ચહેરો ચાડી ખાતો જ હતો કે કંઈક બન્યું છે ખરા!
માત્ર તેર જ વર્ષની તેની લાડકી દીકરી દીવાએ જે રીતે પાર્ટીવેર માટેનો ડ્રેસ પહેરી, મેકઅપ કરી, હાઈ હીલ્સ અને ટ્રેન્ડી લુક સાથેના તૈયાર થયેલા ફોટોઝ તેને મોકલ્યા હતા તે જોઈને નિરાલીને રીતસર આંચકો જ લાગ્યો હતો. જાણે કોઈ પ્રોફેશનલ મોડેલ હોય એવો દેખાવ મેળવવા પાછળ દીવાએ આખી બપોર ખર્ચી નાખી હતી અને એ મહિનાની પોકેટમની પણ. પોતાની આવી ટાપટીપ માટે દીવાએ ખાસ્સી મહેનત કરી હતી જે એ ગર્વપૂર્વક નિરાલીને ફોનમાં વર્ણવતી હતી, પરંતુ સાવ આવડી ઉંમરે દીકરી રમવા, ભણવા કે નિશ્ર્ચિતંપણે જીવવાને બદલે પોતાના દેખાવ પ્રત્યે આટલી હદે સભાન બની જાય તે વાત નિરાલીથી કોઈ રીતે પચતી નહોતી.
એક ક્ષણ માટે નિરાલીએ પોતાની આદતવશ દીવાની આવી વર્તૂણૂક માટે પોતાની જાતને દોષી માની લીધી. ઘર, નોકરી અને કારકિર્દી આ બધા વચ્ચે તે શું એટલી ગૂંચવાઈ ગઈ હતી કે તે દીકરીનાં આવાં મહત્ત્વનાં નિર્ણાયક વર્ષો દરમિયાન આવતા ફેરફારોમાં સહભાગી ન બની શકી?? અને હવે એક દિવસ અચાનક દીવા પોતાની ઉંમર કરતાં એકદમ મોટી થઈ ગયાનો અહેસાસ તેને થયો. હવે શું કરવું? તે ઝડપથી ‘હું આવું છું હમણાં’… એમ બોલી બહાર તરફ ઘસી ગઈ અને સીધો લગાડ્યો દીવાને ફોન. ફોટોઝ જોઈ મમ્મી હમણાં ફોન કરીને તેનાં વખાણ કરશે, મારી દીકરી કેટલી સરસ લાગે છે એવું કહેશે એવા વિચારોમાં રાચતી દીવા તો રાજી થઈને હજુ તો માત્ર ‘હાઈ મમ્મા…’ એટલું બોલે ત્યાં તો નિરાલીએ મોઢું તોડી લીધું… ‘આ બધું શું છે? તારી ઉંમર છે આવું કરવાની??’ કોર્પોરેટ ફાઈનાન્સના ક્ષેત્રમાં સારું નામ ધરાવતી નિરાલી જુનવાણી માનસિકતા ધરાવતી નહોતી, પરંતુ જે રીતે દીવા તેની ઉંમર કરતાં વહેલા મોટી થઈ રહી હતી એ તેના મગજમાં કોઈ રીતે ઊતરતું નહોતું.
દીવાએ પાંચેક મિનિટ સુધી નિરાલીને સાંભળ્યા બાદ કહ્યું, ‘પણ મમ્મી, મારી બધી ફ્રેન્ડ્સ આમ જ તૈયાર થાય છે. કોઈની મમ્મા ના નથી પાડતી અને એ બધાને મારા કરતાં વધુ લોકો સ્કૂલમાં ઓળખે છે…’
‘હા, તો શું થયું?? આપણને ભણવાને કારણે, અન્ય કોઈ આવડતના કારણે પણ બધા ઓળખી શકે કે નહીં?’
‘ના, આવી રીતે ના ઓળખે…’ દીવાએ થોડું મોં મચકોડી જવાબ આપ્યો.
‘તો કેવી રીતે ઓળખે… સમજાવ જરા મને!’
‘અરે, યાર મમ્મી, જવા દે તું નહીં સમજે…’ એમ કહીને દીવાએ રીતસર ફોન કાપી જ નાખ્યો.
નિરાલી વિચારતી જ રહી ગઈ કે શું કહેવું આને હવે!?
દીવા ને નિરાલી બંનેએ પોતપોતાની રીતે સામસામે બળાપો ઠાલવી લીધા બાદ પણ કોઈ રીતે તેનું મન શાંત નહોતું થઈ રહ્યું એવામાં નિરાલીને પોતાની સ્કૂલની મિત્ર કૃતિ યાદ આવી જે હાલ, પોતાના જ શહેરમાં મનોચિકિત્સક તરીકે પ્રેક્ટિસ કરી રહી હતી. એક ક્ષણના પણ વિલંબ વગર તેણે ક્લિનિક પર ફોન લગાવ્યો. બીજા દિવસે ખાસ એપોઈન્ટમેન્ટ મેળવી કૃતિ પાસે પોતાનો પ્રશ્ર્ન રજૂ કર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દીવાની માફક લગભગ એંસી ટકા ટીનેજ છોકરીઓના દિમાગ પર સારા અને એકદમ હોટ દેખાવાની ઘેલછા છવાઈ ગઈ છે. પોતાની જાત જેવી છે નહીં એ રીતે દુનિયા સમક્ષ રજૂ કરવાની આવી ધૂન ખરેખર ચિંતાજનક રીતે ટીનેજર્સમાં વધી રહી છે. પોતાનાં આવાં વર્ચ્યુઅલ તેમ જ આભાસી પ્રતિષ્ઠા, માનપાન અને કીર્તિને સફળતાના માપદંડ તરીકે તેઓ સ્વીકારવા લાગ્યાં છે એ રોકવામાં ન આવે તો આગળ જતાં જીવનમાં તેનાં ઘણાં ગંભીર પરિણામો આવી શકે છે.
આજની તરુણીઓ સોશિયલ મીડિયામાં ચમકવા આતુર હોય છે. પોતાના ફોલોઅર્સ વધારવા, પોતાની જાતને પોપ્યુલર, મોડર્ન, બિનધાસ્ત અને આકર્ષક દર્શાવવા તેઓ કંઈ પણ કરી છૂટે છે. ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર્સને પોતાના રોલ મોડલ માને છે. તેમને લેટેસ્ટ સ્ટાઈલ, ફેશન અને દરેક વસ્તુનાં બ્રાન્ડ સાથેનાં નામ કડકડાટ મોઢે હોય છે અને તેની અસર હેઠળ અચાનક જ તેઓ ૧૯-૨૦ વર્ષની યુવતી જેવા ડ્રેસ પહેરતી અને એ પ્રકારનાં નખરાં કરતી થઈ જાય છે જે એક રીતે અત્યંત આઘાતજનક બાબત સાબિત થઈ રહે છે.
તરુણાવસ્થા જીવનની એટલી કોમળ અવસ્થા છે કે તેનું જતન કરવું, સારા-નરસાનો ભેદ પારખવો, સુંદરતા અને ફેશન વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી, સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં ઝળકતી ક્ષણિક ઝાકઝમાળથી દૂર રહેવું આ સમયે ઘણું જ મુશ્કેલ છે. આ દરેક વાત અત્યંત ાprotective parentingમા માનતી નિરાલી એક માતા તરીકે જાણતી હતી અને એટલે જ એકની એક દીકરી દીવાને લઈને ખૂબ ચિંતા અનુભવવા લાગી હતી. કૃતિ સાથે દીવાને તેની ઉંમર પહેલાં જ એડલ્ટહૂડમાં પ્રવેશતાં કઈ રીતે અટકાવવી એ વિષે થયેલી વાતોને વિચારતી અંતે તે ઘર તરફ ચાલી નીકળી.(ક્રમશ:)ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.