પેજથી પ્રોજેક્ટર સુધી પ્રાદેશિક પુસ્તકોનો પાવર

મેગેઝિન

રિજનલ બુક્સ પરથી બનેલી હિન્દી ફિલ્મ્સના ક્લાસિક કિસ્સાઓ

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

ફિલ્મ્સના વિષયો અને વાર્તા માટે ઘણી જગ્યાઓથી ફિલ્મમેકર્સને પ્રેરણા મળતી હોય છે. દાયકાઓથી એમાંનો એક કલાજગતમાંથી જ આવતો મોટો પ્રેરણાસ્ત્રોત એટલે પુસ્તકો. ઘણી પ્રખ્યાત નવલકથા પરથી ફિલ્મ્સ બન્યાના કિસ્સાઓ જાણીતા છે. એક તો રસપ્રદ વાર્તા ને ઉપરથી લોકોમાં પહેલેથી પ્રચલિત હોવાનો ફાયદો. આ બાબતે આપણને ‘હેરી પોટર’ પુસ્તક સિરીઝનું ઉદાહરણ કદાચ સૌથી પહેલું યાદ આવે જેની લોકપ્રિયતાએ ફિલ્મ ફ્રેન્ચાઇઝની કમાણી સાથે તેની લેખિકા જે. કે. રોલિંગને બિલિયોનેર બનાવી દીધી. પણ આપણે આજે વાત કરીએ ફક્ત હિન્દી ફિલ્મ્સની અને એમાં પણ ફોર અ ચેન્જ એવી ફિલ્મ્સની જે કોઈ પુસ્તક પરથી તો બની જ છે પણ એ પુસ્તકો હિન્દી નહીં પણ કોઈ પ્રાદેશિક ભાષામાં લખાયેલા છે. સો, લેટ્સ સ્ટાર્ટ!
શરૂઆત કરીએ ગુજરાતી ભાષાની જ એક અતિ લોકપ્રિય નવલકથા પરથી બનેલી ફિલ્મની. ૧૯૬૮માં આવેલી ગોવિંદ સરૈયા દિગ્દર્શિત અને નૂતન અભિનિત હિન્દી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ના મૂળમાં છે એ જ નામથી લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ લખેલી નવલકથા. ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી જેના માટે સિનેમેટોગ્રાફર નરીમન ઈરાનીને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો નેશનલ એવોર્ડ પણ મળેલો. એટલું જ નહીં, મૂળ ગુજરાતી એવા મ્યુઝિક કમ્પોઝર કલ્યાણજી-આણંદજીને પણ ફિલ્મના સંગીત માટે નેશનલ એવોર્ડ મળેલો. એ વખતમાં એક ગુજરાતી નવલકથા એક હિન્દી ફિલ્મ તરીકે દેશભરમાં પહોંચી એ અનોખી ઘટના હતી.
ગુજરાતી ભવ્યતા અને સંસ્કૃતિ પરની એ દળદાર નવલકથા પાછી ૨૦૦૦ પાના અને ચાર ભાગમાં વહેંચાયેલી છે, જેને લખવામાં જ ગોવર્ધનરામે ૧૮૮૭ થી ૧૯૦૧ એમ પંદર વર્ષનો સમય લીધેલો.
‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી એમ તો નાટકો, રેડિયો શો, ટીવી ધારાવાહિકો પણ બન્યા છે. ૨૦૧૩માં સંજય લીલા ભણસાલીએ સ્ટાર પ્લસ માટે ધારાવાહિકનું નિર્માણ કરેલું એ ઉપરાંત ત્રણ વખત આ પુસ્તક પરથી ધારાવાહિકો બની છે. નૂતન અભિનીત આ ફિલ્મ ઉપરાંત ૧૯૭૨માં ગોવિંદ સરૈયાએ જ ફરી ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નામથી એ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બનાવેલી. એ ફિલ્મને પણ બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળેલો. લેખક અને નવલકથા વિશે બીજી ઘણી મજેદાર વાતો જાણવા જેવી છે પણ આપણે ફિલ્મ્સની વાત આગળ વધારીએ.
દિગ્દર્શક મણિ કૌલની ૧૯૭૩ની ફિલ્મ ‘દુવિધા’ પણ એક રાજસ્થાની વાર્તા પરથી બનાવવામાં આવી હતી. પદ્મશ્રી લેખક વિજયદાન દેથા બીજ્જી’ની આ જ નામની વાર્તા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી.
વિજયદાનની વાર્તા પરથી ફક્ત ફિલ્મ બની એટલું જ નહીં પણ તેના જ ગામ બોરૂંદામાં (જોધપુર જિલ્લો) ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવેલું. મજાની વાત એ પણ છે કે ફિલ્મનું સંગીત પણ મણિ કૌલે લોક સંગીતકાર રમઝાન હમ્મુ, સાકી ખાન અને લતીફ દ્વારા ખાસ તૈયાર કરાવડાવેલું. વાત કંઈ ફક્ત ‘દુવિધા’ વાર્તા પરથી ફિલ્મ બની ત્યાં જ પૂરી નથી થતી. ૨૦૦૫માં આવેલી શાહરુખ ખાનની અમોલ પાલેકર દિગ્દર્શિત ફિલ્મ ‘પહેલી’ પણ વિજયદાનની આ જ ટૂંકી વાર્તા દુવિધા’ પરથી બનેલી. ‘દુવિધા’ ઉપરાંત વિજયદાનની બીજી વાર્તાઓ પરથી પણ પ્રકાશ ઝા, શ્યામ બેનેગલ જેવા અનેક ફિલ્મમેકર્સે ફિલ્મ્સ બનાવી છે.
૧૯૭૬માં આવી જ એક પ્રાદેશિક ભાષાની નવલકથા પરથી ફિલ્મ બની છે જેનું નામ છે- ‘બાલિકા વધુ’. સાહિત્ય અકાદમી એવૉર્ડ વિજેતા લેખક બિમલ કારની આઝાદીની લડતના સમયગાળામાં આકાર લેતી એક છોકરીની યોગ્ય ઉંમર પહેલા લગ્નની ઘટના પર લિખિત બંગાળી નવલકથા આધારિત આ ફિલ્મ છે.
નિશાળે જતા એ પતિ-પત્ની છોકરો અને છોકરી પછી સમય જતા એકબીજાને સાચે જ પ્રેમ કરવા લાગે છે તેવી એ ફિલ્મની વાર્તા છે. તરુણ મજુમદાર દિગ્દર્શિત આ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મમાં સચિન પિલગાંવકર અને રજની શર્માએ કામ કર્યું છે. ફિલ્મમાં અસરાની, પૈંટલ, એ. કે. હંગલ જેવા ઉમદા કલાકારોએ પણ કર્યું છે. આર. ડી. બર્મન અને આનંદ બક્ષી પણ મ્યુઝિક કમ્પોઝર અને ગીતકાર તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે. હિટ સોન્ગ ‘બડે અચ્છે લગતે હૈ’ આ જ ફિલ્મનું છે.
આ ઉપરાંત બાલિકા વધુ પ્રથા પરથી ૨૦૦૮માં શરૂ થયેલી ટીવી ધારાવાહિક ‘બાલિકા વધુ’ પણ ખૂબ લોકપ્રિય થયેલી. જોકે મજેદાર વાત એ પણ છે કે દિગ્દર્શક તરુણ મઝુમદારે જ તેની હિન્દી ફિલ્મ અગાઉ ૧૯૬૭માં આ જ પુસ્તક પરથી મૌશમી ચેટર્જીને લઈને બંગાળી ફિલ્મ બનાવેલી. મતલબ આ રીતે પ્રાદેશિક ભાષાના પુસ્તક પરથી હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ ફિલ્મ્સ બની હોવાના કિસ્સાઓ પણ ઘણા છે પણ તેની વાત ફરી ક્યારેક. જેમ દક્ષિણ ભાષાની ફિલ્મ્સની રીમેક હિન્દીમાં ખૂબ બને છે તેમ બંગાળી ફિલ્મ્સની પણ બનતી આવી છે એ થોડી ઓછી જાણીતી વાત છે.
હજી એક જબરદસ્ત બંગાળી કૃતિ પરથી ૧૯૬૨માં ગુરુદત્તે હિન્દી ફિલ્મ નિર્માણ કરી હતી તેની વાત જાણવા જેવી છે. એ બંગાળી નવલકથા એટલે ૧૯૫૩માં લેખક બિમલ મિત્રાએ લખેલી ‘સાહેબ બીબી ગુલામ’ અને ફિલ્મનું નામ એટલે ‘સાહિબ બીબી ઔર ગુલામ’. વાર્તા ૧૯મી સદીની કોલકાતાની એક સ્ત્રીના પ્રેમના અનુભવોની વાત કરે છે.
આ ક્લાસિક ફિલ્મમાં મીના કુમારી, ગુરુદત્ત, રહેમાન અને વહીદા રહેમાને કામ કર્યું છે. જો કે આ ફિલ્મ રિલીઝ સમયે ફ્લોપ નીવડેલી પણ એ પછી વિવેચકો અને દર્શકોએ ફિલ્મના વખાણ કરીને તેને એક ઉચ્ચ સિનેમેટિક સ્થાન આપ્યું છે. પુસ્તક પરથી ફિલ્મ બનેલી આ વાર્તાની કિસ્મત એવી છે કે ૨૦૧૨માં ફરી ‘સાહિબ બીબી ઔર ગુલામ: ધ ઓરીજીનલ સ્ક્રીનપ્લે’ તરીકે તેને એક પુસ્તક તરીકે પબ્લિશ કરવામાં આવી હતી. અને રસપ્રદ વાત એ પણ છે કે ઉપરના કિસ્સાઓ માફક આ ફિલ્મ બનતા પહેલા ૧૯૫૬માં દિગ્દર્શક કાર્તિક ચેટર્જીએ પણ આ વાર્તા પરથી બંગાળીમાં ‘સાહેબ બીબી ગુલામ’ ફિલ્મ બનાવેલી.
‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મથી આજકાલ ચર્ચામાં આવેલા દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીની પ્રથમ હિન્દી ફિલ્મ ‘પિંજર’ (૨૦૦૩) પણ આ યાદીમાં સામેલ થાય છે. ગુજરાતી, રાજસ્થાની અને બંગાળી ભાષાની વાર્તાઓ પરથી બનેલી યાદગાર હિન્દી ફિલ્મ્સની જેમ જ ‘પિંજર’ એક પંજાબી નવલકથા પરથી આધારિત ફિલ્મ છે. જાણીતા લેખિકા અમૃતા પ્રિતમે ૧૯૫૦માં આ નવલકથા લખેલી જેમાં પાર્ટીશનના સમયગાળામાં એક હિન્દુ છોકરીને મુસ્લિમ આદમી અપહરણ કરીને રાખી લે છે એવી વાર્તા છે. પાર્ટીશન પર લખાયેલી તમામ કૃતિઓમાં ‘પિંજર’ને ઘણો ઊંચો દરજ્જો મળતો આવ્યો છે. તેના પરથી બનેલી આ ફિલ્મમાં
મનોજ બાજપેયી, ઉર્મિલા માંતોડકર અને સંજય સુરીએ કામ કર્યું છે. ફિલ્મને નેશનલ ઈન્ટિગ્રેશન પર બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મમાં ગુલઝારના લખેલા ગીતો ઉપરાંત
અમૃતા પ્રીતમના લખેલા પણ બે ગીતો ‘ચરખા ચલાતી મા’ અને ‘વારિસ શાહનુ’ સામેલ છે. ફિલ્મને વિવેચકો તરફથી પણ ખૂબ પ્રેમ મળ્યો છે.
આ બધી ફિલ્મ્સ પ્રાદેશિક ભાષાની રાષ્ટ્રીય સ્તરે પહોંચેલી તાકાતની નિશાની છે. પણ એમાં જો સર્વોચ્ય સ્થાન કોઈ પુસ્તકને આપવું હોય તો એ છે- ‘દેવદાસ’. પણ ૧૯૧૭માં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલી આ અફલાતૂન નવલકથા અને તેના પરથી બનેલી ફિલ્મ્સની વાત ટૂંકમાં સમાવવી એ પાપ ગણાય એટલે તેની વિગતે વાત કરીશું આવતા સપ્તાહે!
(ક્રમશ:)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.