પુરુષ તેના સ્વાસ્થ્ય માટે કેટલો સજાગ છે?

પુરુષ

મેલ મેટર્સ – અંકિત દેસાઈ

પુરુષો તેમના આરોગ્ય બાબતે અત્યંત બેજવાબદાર હોય છે એ બધા જાણે જ છે. જે પુરુષો પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ ન હોય એ પુરુષોને એ વિશે તો નહીં જ ખબર હોય કે વિશ્ર્વમાં દર વર્ષે ‘મેન્સ હેલ્થ વીક’ ઊજવવામાં આવે છે અને એ દિવસોમાં પુરુષોના સ્વાસ્થ્ય સંબંધી ચર્ચાઓ થાય છે, પુરુષોમાં કઈ બીમારીઓ વધુ દેખાઈ રહી છે એના પર સંશોધનો થાય છે અને એ બીમારીઓમાંથી પુરુષોએ કઈ રીતે બહાર આવવું અને સ્વસ્થ જીવન જીવવું એ માટે બાકાયદા અવેરનેસ ડ્રાઈવ્ઝ થાય છે, જેમાં કોર્પોરેટ કંપનીઝથી લઈ સરકારી કચેરીઓ અને પાર્ક કે પબ્લિક પ્લેસીસથી લઈ ડોર ટુ ડોર કેમ્પેઈન્સ સુધીની બાબતોને આવરી લેવાય છે અને પુરુષોને તેમના હેલ્થ ચેકઅપ્સ કે અમુક ચોક્કસ બીમારીઓ માટે જાગૃત કરાય છે.
જોકે આ બધુ કંઈ ભારતમાં નથી બનતું. આવું બધું તો થાય છે વિદેશમાં. અમેરિકા, યુકે કે ઓસ્ટ્રેલિયા જેવા સ્પોટ્સ પર. ભારતમાં તો પુરુષોનો એક મોટો વર્ગ એ વાતથી જ અજાણ છે કે તેમના સ્વાસ્થ્ય સંબંધની જાગૃતિ માટે આખેઆખું સપ્તાહ ઊજવાય છે, પણ એ વાત બિલકુલ સાચી છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો તેમના સ્વાસ્થ્ય બાબતે અત્યંત બેદરકાર હોય છે. નિયમિત હેલ્થ ચેકઅપ્સ તો બહુ દૂરની વાત છે, પરંતુ મોટા ભાગના પુરુષો ખાવા-પીવામાં કે કસરતો કરવામાં પણ ધ્યાન નથી રાખતા. એક સર્વે મુજબ તો ભારતના પાંસઠ ટકાથી વયસ્ક પુરુષો તમાકુ અથવા આલ્કોહોલ અથવા કોઈ પણ પ્રકારના વ્યસનના શિકાર છે. તો બીજી તરફ ભારતના પુરુષોનો એક મોટો વર્ગ કામને કારણે માઈગ્રેટ થયો છે અને વર્ગ પરિવાર વિના અન્ય શહેરોમાં જીવે છે, જ્યાં તેમનો જમવાનો સમય નિયત નથી હોતો કે નથી તો તેઓ પોષણયુક્ત ખોરાક ખાતા.
આ કારણે ભારતના પુરુષો ઓરલ કેન્સર, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત અનિયમિત જીવનશૈલી, કામના દબાણ અને પરિવારથી દૂર રહેવાને કારણે તેઓ જે માનસિક સમસ્યાઓનો ભોગ બને એ વધારાનું! પરંતુ પુરુષ આ બાબતે ક્યારેય સજાગ થતો જ નથી કે તેણે ખાનપાનથી લઈ યોગ કે કસરતો સુધીની બાબતોમાં અત્યંત સજાગ રહેવાનું છે અને એ સજાગતાથી તેણે અનેક શારીરિક-માનસિક બીમારીઓથી દૂર રહેવાનું છે.
આ માટે પુરુષે તેના રૂટિનમાં માત્ર ત્રણ-ચાર નાનકડા બદલાવ આણવાના છે. એક બદલાવ એ કે તેણે તેના ભોજન બાબતે કોઈ બાંધછોડ નથી કરવાની. પુરુષ પોતાના ખોરાકને લઈને અત્યંત બેદરકાર રહે છે, જેને કારણે તે દિવસમાં કોઈ પણ સમયે જમે છે અથવા જે મળે એનાથી ચલાવી લે છે. એના કારણે બને એવું કે તેનું પેટ તો ભરાઈ જાય છે, પરંતુ તેને
પોષણ નથી મળતું, જેને કારણે તે ધીમે ધીમે કેટલીક બીમારીઓનો શિકાર બનતો જાય છે. તો બીજો તેણે બદલાવ લાવવાનો છે કસરતો બાબતે. આજની ભાગદોડભરી જિંદગીમાં જિમ ન જવાય તો વાંધો નહીં, પરંતુ થોડી કસરતો અને યોગ કરવા તેના માટે અત્યંત જરૂરી બની જાય છે. તો જે બાબતે પુરુષ સાવ બેદરકાર છે એ બાબત એટલે તેની ઊંઘની સાઇકલને યોગ્ય રીતે મેઈન્ટેઈન કરવાનું. પુરુષ તેના કામના સમય બાબતે જરાય સજાગ નથી હોતો અને તેના કામના કલાકો નાહકના લંબાયા કરે છે. આ કારણે તેઓ યોગ્ય સમયે ઊંઘી શકતા નથી કે નથી તો તેઓ યોગ્ય ઊંઘ લઈ શકતા, પરંતુ પુરુષને માટે ઊંઘવું પણ અત્યંત જરૂરી બાબત બની જાય છે. તે યોગ્ય ઊંઘ નથી લેતો ત્યારે પણ અનેક સમસ્યાઓનો ભોગ બને છે.
પરંતુ હવે પુરુષે આ તમામ બાબતોને પ્રાથમિકતા આપવી જ રહી, નહીંતર તેને માટે જીવન દુષ્કર બની જશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.