પુણેના જાણીતા બિલ્ડર અવિનાશ ભોસલેને નજરકેદમાં રાખવાનો કોર્ટનો આદેશ

દેશ વિદેશ

મુંબઈ: યસ બેન્કના સ્થાપક રાણા કપૂર અને ડીએચએફએલના કપિલ વાધવાનને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ દ્વારા ગુરુવારે ધરપકડ કરાયેલા પુણેના જાણીતા બિલ્ડર અવિનાશ ભોસલેને શુક્રવારે વિશેષ સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે ભોસલેને ૩૦ મે સુધી નજરકેદમાં રાખવાનો આદેશ આપ્યો હતો. કોટે આપેલા નિર્દેશ અનુસાર ભોસલેને સીબીઆઇના ગેસ્ટહાઉસમાં નજરકેદમાં રાખવામાં આવશે. અહીં ભોસલેને તેમના વકીલ અને પરિવારનો એક સભ્ય મળી શકે છે.
ભોસલેને સીબીઆઇના બીકેસી ખાતેના ગેસ્ટહાઉસમાં રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ભોસલેના વકીલોને બે દિવસ સાંજે પાંચથી છ દરમિયાન તેમને મળવાની પરવાગની આપવામાં આવી છે. સીબીઆઇએ ભોસલેના ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે સીબીઆઇની કાર્યવાહી ગેરકાયદે હોવાનો દાવો કરીને ભોસલે દ્વારા રિમાન્ડનો વિરોધ કરાયો હતો. આ અંગેની
અરજી પણ કોર્ટમાં દાખલ કરાઇ હતી. સીબીઆઇએ આ અરજી પર જવાબ નોંધાવવા માટે સોમવાર સુધીનો સમય માગ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ભોસલેને ૩૦ મે સુધી સીબીઆઇના ગેસ્ટહાઉસમાં નજરકેદમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
પુણે સ્થિત રિયલ એસ્ટેટ ગ્રુપ એબીઆઇએલના ગ્રુપ ચેરમેન અવિનાશ ભોસલેની સીબીઆઇએ ગુરુવારે ધરપકડ કરી હતી. રાજ્યમાં અનેક રિયલ એસ્ટેટ કંપનીઓ થકી ભંડોળની અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી હોવાનો સીબીઆઇએ આરોપ કર્યો છે. ૩૦ એપ્રિલે સીબીઆઇએ રાજ્યના નામાંકિત બિલ્ડરોના સંકુલો પર દરોડા પાડ્યા હતા. ભોસલે અને એબીઆઇએલના સંકુલોની પણ તપાસ કરવામાં આવી હતી. હાલમાં રેડિયસ ડેવલપર્સના સંજય છાબરિયાની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
——-
અવિનાશ ભોસલેની ધરપકડની મને શી ખબર: અજિત પવાર
અવિનાશ ભોસલેની ધરપકડ વિશે શુક્રવારે જ્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ કહ્યું હતું કે એની ધરપકડ વિશે મને શી ખબર? હું શું આ માટે સીબીઆઈને પૂછવા જાઉં, એવો સવાલ અજિત પવારે કર્યો હતો. બિનધાસ્ત બોલવું એ અજિત પવારનો સ્વભાવ છે, એ છેલ્લાં અનેક વર્ષો દરમિયાન મહારાષ્ટ્રએ જોયું છે. શુક્રવારે પણ તેઆનેે જ્યારે પુણેમાં આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બેરોકટોક જવાબ આપ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.