પાલિકા અલર્ટ

આમચી મુંબઈ

વોર્ડરૂમથી લઈને કોવિડ સેન્ટર ફરી સ્ટેન્ડબાય મોડ પર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક છે ત્યારે મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આગામી દિવસમાં કોરોના કેસમાં હજી ઉછાળો થવાનો મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનને ડર છે. તેથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈના તમામ ૨૪ વોર્ડને એલર્ટ મોર્ડ પર કરી દીધા છે. વોર્ડ સ્તરે કોરોના ટેસ્ટિંગ વધારવાની સાથે જ વક્સિનેશન ઝુંબેશ પર ભાર આપવાનો આદેશ તેમણે આપી દીધો છે. એટલું જ નહીં, પણ આગામી દિવસમાં કેસ હજી વધવાની શક્યતાને પગલે જંબો કોવિડ હોસ્પિટલને સતર્ક રહેવાનો અને પૂરતી સંખ્યામાં મનુષ્યબળ તહેનાત કરી દેવાનું પણ તેમણે કહ્યું છે. મુંબઈમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક તબક્કે મુંબઈમાં ૩૪ જેટલા કેસ નીચે ગયા હતા. તેમાં મે મહિનાથી કેસમાં ફરી વધારો નોંધાઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા થોડા દિવસથી કોવિડ કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે મુંબઈમાં કોરોના ૫૦૦ના આંકડાને પાર કરી ગયો હતો અને નવા ૫૦૬ કેસ નોંધાયા હતા. છ ફેબ્રુઆરી, ૨૦૨૨ બાદ પહેલી વખત મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતા. તેમાં બુધવારે હજી વધારો થઈને ૭૩૯ જેટલા નવા કેસ નોંધાયા હતા.
મુંબઈમાં અચાનક કેસ વધી રહ્યા છે તેથી પાલિકા તંત્ર ફરી એલર્ટ થઈ ગયું છે. પાલિકા કમિશનરે મુંબઈના તમામ ૨૪ વોર્ડને
ફરી યુદ્ધના ધોરણે તૈયાર રહેવાનું કહ્યું છે. કોરોનાની ટેસ્ટિંગ વધારવાની સાથે જ જંબો કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ તૈયાર રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. એ સાથે જ કમિશનરે કોવિડ ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીને પણ તૈયાર રહેવા કીધું છે.
કમિશનરે તમામ ૨૪ વોર્ડના તમામ આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વોર્ડના વોર રૂમનો અહેવાલ લઈને તે પૂરતા સ્ટાફ, ઍમ્બ્યુલન્સ સાથે સજ્જ રહેવાનો આદેશ આપ્યો છે. તેમ જ ખાનગી હૉસ્પિટલોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
તમામ વોર્ડ ઑફિસરોને તેમના વોર્ડમાં આવેલી જંબો સેન્ટરને ચોમાસાના આગમન અગાઉ વરસાદી પાણીના નિકાલ કરવા માટે પંપ બેસાડવાથી લઈને ફાયર સુરક્ષા સાધનો તપાસી લેવાનો અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાનો તેમ જ પૂરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, ઑક્સિજનનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ વગેરે તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. એ સાથે જ મલાડના જંબો મેડિકલ સેન્ટરને પ્રાધાન્યના ધોરણે તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે, જેથી જેવા કેસ વધે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત જણાય તો મલાડના જંબો સેન્ટરમાં દાખલ કરી શકાય.

કોરોના કેસમાં ઉછાળો ૧ જૂન ૭૩૯

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેને કારણે પ્રશાસનની ચિંતા વધી છે. ફેબ્રુઆરી મહિના પછી મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા એક હજારને પાર કરી છે. બુધવારે એક દિવસમાં મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા એક દિવસમાં ૭૩૯ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને ૧૦,૬૫,૬૧૯ છે, જ્યારે રાજ્યમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં ૭૩૯ નવા કેસમાંથી ૭૧૦ એસિમ્પ્ટોમેટિક છે, જ્યારે મુંબઈમાં એક દિવસમાં ૮,૭૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દાદર, ધારાવી સહિત અન્ય જગ્યાએ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થવાને કારણે મુંબઈમાં કેસની સંખ્યા વધી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટી ધારાવીમાં કોરોનાના ૧૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩૭ એક્ટિવ કેસ છે. પંદરમી મે પછી ધારાવીમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયા કરે છે, જે ચિંતાની બાબત છે. માહિમમાં ૩૦, દાદરમાં ૨૬ સહિત ધારાવી મળીને ૯૩ એક્ટિવ કેસ થયા છે. મુંબઈ સર્કલમાં થાણે શહેર અને થાણે પાલિકામાં આઠ અને ૫૧ કેસ નોંધાયા છે, જ્યારે નવી મુંબઈમાં ૮૪ કેસ છે. અઢાર પનવેલમાં, મીરા ભાયંદર અને રાયગઢમાં ૧૭, જ્યારે કલ્યાણ-ડોંબિવલીમાં આઠ કેસ છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના ૧,૦૮૧ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૭૮,૮૮,૧૬૭ છે, જ્યારે કોરોનાથી ૫૨૪ દર્દી સાજા થયા હતા, પરિણામે રિકવર કેસની સંખ્યા ૭૭,૩૬,૨૭૫ છે. રાજ્યમાં રિકવરી રેટ ૯૮.૭ ટકા છે, જ્યારે ડેથરેટ ૧.૮૭ ટકા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪,૦૩૨ છે, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
માઈલ્ડ કેસની સંખ્યા વધારે: ટોપે
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેમાંય વળી મુંબઈ, પુણે અને થાણેમાં વધી રહી છે. કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એક પણ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી. મોટા ભાગના દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો સૌમ્ય હોય છે. હાલના તબક્કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.