પાની રે પાની તેરા રંગ કૈસા?

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ ભાવાનુવાદ: – સંજય છેલ

એક ગામમાં વરસાદ પડ્યો નહીં. ઢોર-ઢાંખર મરવાં લાગ્યાં. વાવ, કૂવાઓ બધા જ સુકાઈ ગયાં. ખેતર નહીં ખીલ્યા. ઘાસ ઊગ્યું નહીં. ગામના લોકો ગભરાઈ ગયા. ગામમાં પંચાયત ભેગી થઈ.
“કહો ભાઈઓ, શું કરીએ?
“કોઈ કહ્યું કે ઈન્દ્રદેવની પૂજા કરો!
તો ઈન્દ્રદેવની પૂજા કરવામાં આવી. ભજન થયાં, જાપ-કથા કરવામાં આવ્યાં. તો પણ વરસાદ તોયે પડ્યો નહીં!
પંચાયત ફરી પાછી ભેગી થઈ.
અને પાછું પૂછવામાં આવ્યું, “કહો ભાઈઓ, શું કરીએ?
એટલે બધા ચૂપ. કોણ બોલે?
એક શાહુકારે કહ્યું, : “ગામ છોડી દો!
બધા વિચારવા લાગ્યા કે ગામ છોડે કે ન છોડે!
એવામાં એક પરદેશી ત્યાંથી પસાર થતો હતો. એણે કહ્યું, “એક વાત કહું?
“કહો ભાઈ, કહો!
“સરકારને એક કડક અરજી કરો, અને કૂવો ખોદવાનું મશીન એમની પાસે માંગો.
” હેં ભાઈ, આ મશીન વસ્તુ છે શું?
તો એ પરદેશીએ સમજાવ્યું, “મશીન એક યંત્ર છે જે જમીન ખોદીને પાણી કાઢે છે.
પછી પરદેશી તો “રામ રામ કરીને આગળ ચાલવા લાગ્યો. ગામવાળા આ સાંભળીને ખુશ થઈ ગયા. મશીન માટેની અરજી તૈયાર કરી. એને લઈ, ગામવાળા અધિકારી પાસે ગયા.
“સાહેબ, સાહેબ, અમને કૂવો ખોદી આપો, આખું ગામ તરસ્યું મરે છે.
“ના! હું તો નહીં ખોદાવું. મને શું પડી છે?
ગામવાળા ઉચ્ચ અધિકારી પાસે ગયા.
“સાહેબ, વર્ષો સુધી તમે અહીંયા મોટા ઓફિસર રહો એવી અમે દુઆ આપીશું. બસ તમે અમારા ગામમાં કુવો ખોદાવી આપો, અમારું ગામ પાણી વગર તરસ્યું મરે છે.
“તરસ્યું મરે છે તો હું શું કરું? મારી પાસે સમય નથી.
ગામવાળાઓ તો દુ:ખી દુ:ખી થઈ ગયા. પછી એ લોકો મંત્રીજી પાસે ગયા. પહેલા તો મંત્રીજી એમને મળ્યા નહીં. પછી એ એક વખત અચાનક મળી ગયા.
“મંત્રીજી, મંત્રીજી, અમારું ગામ તરસ્યું મરે છે. અમને કૂવા ખોદાવી આપો. અમને મશીન અપાવી દો.
મંત્રીએ કહ્યું, “ખોદાવી તો આપીશ પણ એક શરત છે.
” સાહેબ, શું શરત છે?
“કૂવા પાંચ વર્ષમાં ખોદાવીશ!
બધાએ કહ્યું, “મંત્રીજી, ત્યાં લગી તો અમે તરસ્યા મરી જઈશું!
“તો એમાં હું શું કરું? મંત્રી બોલ્યા!
ગામવાળામાંથી એક જણે ચિડાઈને કહ્યું, “સારું મંત્રીજી, તો પછી અમે પણ ચૂંટણીમાં વોટ નહીં આપીશું!
હવે મંત્રીજી ગભરાયા અને કહેવા લાગ્યા, “લ્યો ભાઈ, લ્યો! કૂવા ખોદવા માટેના પૈસા મંજૂર કરું છું. ગામમાં કૂવા ખોદાવી લો. મશીન આવી જશે. પણ એક વાત છે!
“હવે શું વાત છે?
” એ મશીનનું ઉદ્ઘાટન હું જ કરીશ!
“સારું સાહેબ, કરી લેજો.
ગામવાળા રાજી રાજી ગામ પાછા ફર્યા. થોડા દિવસો વીતી ગયા. પછી ગામમાં એક મશીન આવ્યું. બધાને થયું કે થોડા દિવસોમાં મંત્રી આવશે એટલે ઉદ્ઘાટન કરશે અને મશીન ચલાવવાવાળો આવશે એટલે કૂવા ખોદાશે! મંત્રીની રાહ જોવામાં ને જોવામાં પાણીના અભાવે બીજાં થોડાં ઢોર મરી ગયાં. પછી તો માણસો પણ મરવા લાગ્યા.
….ને પછી એક દિવસ મંત્રીજી આવ્યા. સાથે એન્જિનિયર પણ આવ્યો. ગામવાળાઓ ભેગા થઈ ગયા. તિરંગો ઝંડો લાગ્યો. મંત્રી સાથે એમની આખી સેના આવી ગઈ. ગામમાં બધે રાજીપો ફેલાઇ ગયો કે હાશ, આજે તો કૂવા ખોદાશે!
મંત્રીએ કહ્યું, “જલદી કરો, ભાઈ જલદી કરો, હું ઉદઘાટન કરીશ!
મશીન પરથી કપડું ખસેડ્યું એટલે મશીન ચલાવવાવાળાએ કહ્યું- “અરે આ શું? ભાઈ, આ તો બોરિંગ મશીનનો પાણી ખેંચવાનો પંપ આવી ગયો! આને પાછો મોકલાવો અને ખોદવાનું મશીન મંગાવો.
જ્યાં સુધી પંપ પાછો જાય, નવો પંપ આવે, મંત્રીજી આવે, ત્યાં સુધીમાં તો તરસથી બધાં ઢોર મરી ગયાં. ગામના અનેક માણસો મરી પણ ગયા. મશીન આવે ત્યાં સુધીમાં કોઈ કરતાં કોઇ જ જીવતું રહ્યું નહીં.
આ વાતનું મંત્રીજીને દુ:ખ પણ છે અને સાથે સાથે સુખ પણ છે. દુ:ખ એ વાતનું કે ઉદ્ઘાટન ન કરી શક્યા અને સુખ એ વાતનું કે ચાલો, ખર્ચો બચી ગયો.
હે ભોળાનાથ! સર્પોના રાજા, આપણી સર્વ સરકારોનું શાસન લાંબું કરો અને જે રીતે ખર્ચો પેલા ગામમાં બચી ગયો, એવો જ બીજા બધાં ગામમાં પણ બચે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.