પાણીપૂરી એક લાખમાં પડી કામ્યા પંજાબીને?!

મેટિની

પાણીપૂરી એક યુનિવર્સલ ચાટ છે જે આપણામાંથી લગભગ બધાને જ પસંદ હશે… પણ આ પાણીપુરી જો તમને લાખ રૂપિયામાં પડવાની હોય તો…? સવાલ સાંભળીને ચોક્કસ જ તમે થોડા ગૂંચવાઈ ગયા હશો, પણ માંડીને વાત કરવાની થાય તો કામ્યા થોડા સમય પહેલાં ઈન્દોર ગઈ હતી અને તે ત્યાં પાણીપૂરીની મજા માણવા માટે એક દુકાનમાં પહોંચી હતી અને ત્યાં તે પોતાનું આ પૈસાથી ભરેલું પર્સ ભૂલીને આવી ગઈ હતી. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કામ્યાએ જણાવ્યું હતું, ‘હું રવિવારના એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે ઈન્દોર ગઈ હતી. ત્યાંથી પાછી ફરી રહી હતી ત્યારે મારા મેનેજરે અહીંયાની એક દુકાનની ફેમસ પાણીપૂરીની વાત કરી હતી. ઈન્દોર આમ પણ ચાટ માટે લોકપ્રિય છે. હું મારી જાતને રોકી ના શકી અને પાણીપૂરી ખાવાનું નક્કી કર્યું. આ દરમિયાન મારી પાસે એક કવર હતું. આ કવરમાં એક લાખ રૂપિયા હતા. મેં ટેબલ પર એક સાઇડ આ કવર મૂકી દીધું અને પાણીપૂરી ખાવા લાગી. ફોટોમાં એટલી બિઝી થઈ ગઈ કે હું કવર લેવાનું જ ભૂલી ગઈ.’
કામ્યાના જણાવ્યા પ્રમાણે, ‘જ્યારે હું હોટલ ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી પાસે પૈસાનું કવર જ નથી. હું તે કવર પાણીપૂરીની દુકાન પર જ ભૂલીને આવી છું. મેં તરત જ મેનેજરને આ વાત કહી. મારો મેનેજર પાણીપૂરીની દુકાને ગયો. અહીંયા હું હોટલમાં આમતેમ આંટા મારતી હતી અને બસ એ પ્રાર્થના કરતી હતી કે તે કવર મળી જાય. મનમાં એમ જ વિચારતી હતી કે જો કવર મળી ગયું તો હું મારા નસીબનો આભાર માનીશ, કારણ કે એે જગ્યાએ ઘણી જ ભીડ હતી. મારો મેનેજર ત્યાં પહોંચ્યો તો તે કવર ત્યાં જ પડ્યું હતું જ્યાં મેં મૂક્યું હતું. મને બહુ ટેન્શન હતું. મને તો એમ જ હતું કે પેકેટ નહીં જ મળે. મને લાગે છે કે ઈન્દોરના લોકો ઘણાં જ સારા છે.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કામ્યા છેલ્લે ટીવી સિરિયલ ‘શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી’માં જોવા મળી હતી અને હાલમાં તે લાંબા સમયથી ટીવી સિરિયલ અને લાઈમલાઈટથી દૂર છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.