પાંચ ટિપ્સ, જે વધારશે તમારા લેપટોપની લાઈફ

વીક એન્ડ

ફોકસ -અનંત મામતોરા

કોરોનાકાળમાં વિકસેલા ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરમાં સૌથી મહત્ત્વની જરૂરીયાત એટલે લેપટોપ. લેપટોપમાં પણ વિવિધ પ્રકાર મળે છે. અંગત કામ માટે, વ્યવસાયિક કાર્ય માટે, ડિઝાઇનર્સ માટે અથવા ગેમિંગ માટે. કામ પ્રમાણે લેપટોપની સાઈઝ, હાર્ડ ડ્રાઈવ અને રેમની પસંદગી કરીને લેપટોપ લઇ શકાય. પણ દરેક પ્રકારના લેપટોપ એક મોંઘું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. એટલે ખરીદદાર જરૂર ઈચ્છે કે તે લાંબો સમય, સારી રીતે ચાલે. જોકે, જાણકારો એમ પણ કહેતા હોય છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુની આયુ આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તેના ઉપર પણ
અવલંબે છે.
જે લોકો ઘણા વર્ષોથી લેપટોપનો ઉપયોગ કરતા થયા હશે તેમને જાણ હશે કે થોડા થોડા વર્ષે તેને બદલવાની જરૂર પડે છે, કારણ કે લાંબો સમય કામ કરવા માટે લેપટોપ બનાવેલા નથી હોતા. તેને માટે ડેસ્ક ટોપ બહેતર કહેવાય. તે ઉપરાંત મોબાઈલની જેમ લેપટોપ માં પણ નવા નવા બદલાવ સતત આવતા રહે છે, જેને કારણે નવાં મોડલ, ફેન્સી હાર્ડવેર, લેટેસ્ટ ફીચર્સ જેવા અનેક કારણોથી લોકો લેપટોપ બદલતા રહે છે. પણ જો તમે એ લોકોમાંથી છો, જેઓ વારંવાર પોતાના ગેઝેટ્સ બદલવાને બદલે લાંબો સમય વાપરવાનું પસંદ કરે છે, તો ચાલો, આજે જાણીએ એવી પાંચ ટિપ્સ જે તમારા લેપટોપને આપે લાબું જીવવાના આશીર્વાદ!
લેપટોપને પ્રેમિકાની
જેમ સાચવો!
પ્રેમ પૂર્વક વાપરવાથી લેપટોપ જ નહીં, લગભગ બધાં જ ગેઝેટ્સ ની આવરદા વધી જાય છે. લેપટોપ નાજુક હોય છે, રફ યુઝથી તેની આયુ ચોક્કસ ઘટી જાય છે. લેપટોપ હાથમાંથી છટકીને પડે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લેપટોપ નો સ્ક્રીન ખુબ નાજુક હોય છે. પડવાથી તે તૂટી જવાની શક્યતા છે, અથવા તેના ઉપર સ્ક્રેચીસ પડી શકે. આ લખનારના એક મિત્રએ ફ્લાઇટમાં લેપટોપ બેગ ઉપર બેગેજ સ્પેસમાં મૂકેલી. એરહોસ્ટેસે તેની ઉપર બીજા કોઈ પ્રવાસીની બેગ મૂકી દીધી. પરિણામે તેના લેપટોપ સ્ક્રીન ઉપર વચ્ચે એક કાળી લાઈન આવી ગઈ. સ્ક્રીનને કાયમી નુકશાન થઇ ગયું હતું. લેપટોપની હાર્ડ ડ્રાઈવ પણ ઘણી મહત્ત્વની છે. લેપટોપ સાચવી ને વાપરશો તો હાર્ડ ડ્રાઈવ પણ લાંબો સમય સારી રીતે ચાલશે.
સાફસફાઈ ઉપર ખાસ
ધ્યાન આપો
કી-બોર્ડની નીચે અને આસપાસ કચરો ભરાવાની ઘણી જગ્યાઓ હોય છે. કી-બોર્ડ ઉપરથી ધૂળ માટીને સમય સમય પર સાફ કરતા રહેવું જોઈએ. લેપટોપ ને શટડાઉન કરીને કી-બોર્ડ બ્રશ ની મદદ થી સાફ કરો. લેપટોપ પાસે બેસીને ખાવાની કે ચા કોફી પીવાની ભૂલ બિલકુલ ન કરશો. ખોરાક ના નાના નાના ટુકડા ઘણીવાર કી-બોર્ડ પાસેની નાની જગ્યામાં ઘૂસીને જમા થાય છે. જો ભૂલેચૂકે તેવું થાય તો લેપટોપ બંધ કરીને તરત તેને સાફ કરી લો. નહીં તો આ ખોરાકના ટુકડા કીઝ પર ચોંટી જતા વાર નહીં લાગે. કીઝ હંમેશાં મુલાયમ કોટનના કપડાંથી સાફ કરવી જોઈએ. જો લેપટોપ સાફ હશે તો જલદી ગરમ નહીં થાય. તેનાથી લેપટોપની ઉંમર વધશે.
ઓપરેટિંગ સિસ્ટમની
યોગ્ય દેખભાળ કરો
લેપટોપના સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટેડ રાખો. તેનાથી પેચ ઇસ્યૂનો સામનો નહીં કરવો પડે. નવા ફિચર્સ પોતાની મેળે ડાઉનલોડ થતાં રહેશે. સિક્યુરિટી પણ અપડેટેડ રહેશે. તમારા લેપટોપમાં એન્ટિ-વાઇરસ અને એન્ટિ-માલવેર પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરી રાખો, જેથી લેપટોપ સરળતાથી ચાલે.
હાર્ડવેર પણ અપડેટ
કરતા રહો
ઉંમર વધતા જેમ માણસ ધીમો પડે છે, તેમ લેપટોપ પણ સમયની સાથે ધીમું પડવા લાગે છે. તેનાથી બચવા વધારે સ્ટોરેજ સ્પેસવાળી હાર્ડ ડ્રાઈવ એટલે કે સોલિડ સ્ટેડ ડ્રાઈવ (એસએસડી) વાપરો. તે ઉપરાંત લેપટોપની રેમ પણ વધારી દો, જેથી સ્પીડ ધીમી પાડવા બાબતની તકલીફ નો સામનો ન કરવો પડે.
વપરાશમાં સમજદારી
એ જ હોશિયારી છે
લેપટોપને સીધા સૂર્ય પ્રકાશમાં રાખવા કે ગરમ કાર ઉપર રાખવાથી તેની ઉંમર ઘટે છે. તમારા લેપટોપને કોઈ ઠંડી જગ્યામાં રાખો. બીજું કે જે સપાટી ઉપર લેપટોપ રાખો તે સમથળ હોવી જરૂરી છે. રૂમ હવાની આવનજાવનવાળો હોય, જેથી લેપટોપને પર્યાપ્ત હવા મળતી રહે, નહીં તો લેપટોપ જલદી ગરમ થઇ જશે. લેપટોપ ચોવીસ કલાક ચાલુ ન રાખો. કામ પૂરું થાય એટલે તેને ‘શટડાઉન’ કરી દો. તેની બેટરી પણ વારંવાર ચાર્જ ન કરવી જોઈએ. જયારે બેટરી ડિસ્ચાર્જ લેવલની નજીક પહોંચે ત્યારે જ ચાર્જ કરો. ચાર્જ થઇ ગયા પછી સ્વીચ ઓફ કરવાનું ન ભૂલશો. લેપટોપ ચાર્જરના એડપ્ટર અને કેબલનું પણ ધ્યાન રાખવું જોઈએ. આવી નાની નાની સાવધાની લેપટોપની આવરદા લાંબી કરશે. તો હવે એકવાર તમારા લેપટોપ પર આ બધી વસ્તુઓનો અમલ કરો છો કે નહિ? આજથી જ ચોકસાઈ કરવાનું શરૂ કરી દો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.