પરોપકારી વ્યક્તિઓ નિ:સ્વાર્થભાવે હજારો લોકોના જીવનમાં સુખદ વળાંક લાવી દેતી હોય છે

ઉત્સવ
શિક્ષક તરીકે નોકરી છોડીને આજીવન શિક્ષક બનેલી એક અનોખી મહિલાની પ્રેરક વાત

સુખનો પાસવર્ડ-આશુ પટેલ

ફેસબુક ફ્રેન્ડ અને પછી ‘મુંબઈ સમાચાર’માં સાથી કોલમિસ્ટ બનેલા હકીમ રંગવાલાના માધ્યમથી એક સરસ મજાનો કિસ્સો જાણવા મળ્યો. એ કિસ્સો જો કે ઓગસ્ટ, ૨૦૨૧માં જાણવા મળ્યો હતો, પરંતુ કોઈને કોઈ કારણોથી એ કિસ્સો શેર કરવાનું રહી જતું હતું. આ વખતે એ કિસ્સો વાચકમિત્રો સામે મૂકું છું.
ભાવનગરના ધર્મેશ હરિયાણી એક વાર ગધેડિયા ફિલ્ડ તરીકે જાણીતા જવાહર મેદાન પાસેથી પસાર થયા. એ વખતે તેમણે જોયું કે મેદાનના એક દૂરના ખૂણામાં ઘણાં બધાં બાળકો ભેગાં થયાં હતાં. એ જોઈને તેમને કુતૂહલ થયું.
તેમને એ તો સમજાયું કે તે બાળકો મેદાનની આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં રહેનારા હતા, પરંતુ તેઓ ત્યાં મેદાનના એક ખૂણે શા માટે એકઠાં થયાં છે એ તેમને ન સમજાયું.
પહેલા તો તેઓ આગળ નીકળી ગયા, પરંતુ તેમને કુતૂહલ થયું એટલે તેઓ પાછા વળ્યા અને મેદાનના એ ખૂણે ગયા. તેઓ બાળકોનાં ટોળાં પાસે, સમૂહ પાસે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે બાળકોની વચ્ચે એક મહિલા બેઠી હતી.
તેઓ એકદમ નજીક ગયા ત્યારે તેમને સમજાયું કે તે બેન ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને ભેગાં કરીને સ્વચ્છતા રાખવા વિશે સમજાવી રહ્યાં હતાં. તેઓ બાળકોને કહી રહ્યાં હતાં કે સ્વચ્છતાથી શું શું ફાયદાઓ થાય છે અને ગેરફાયદાઓથી દૂર રહી શકાય છે. સ્વચ્છતા જાળવવાથી કયા નુકસાનથી બચી શકાય છે.
તે બેન બાળકોને માત્ર ભાષણ નહોતા આપી રહ્યાં, પરંતુ તેઓ એક એક બાળકોને વારાફરતી બોલાવીને હાથ-પગની આંગળીઓના નખ કાપી રહ્યાં હતાં. એ બાળકોની આંગળીઓના નખ કાપતાં કપાતાં તે બાળકોને સમજાવતાં હતાં કે એક નખનો મેલ પણ કેટલા બધા રોગ માટે કારણભૂત બની શકે છે.
ધર્મેશભાઈ થોડે દૂર ઊભા રહીને તે બેનનું કામ જોતા રહ્યા અને બધાં બાળકો વિખરાઈ ગયાં એ પછી એ બેન એકલાં પડ્યાં એટલે તેમણે તેમની પાસે જઈને પોતાની ઓળખાણ આપી કે મારું નામ ધર્મેશ હરિયાણી છે અને હું વાઘાવડી રોડ પર દક્ષિણામૂર્તિ સ્કૂલની સામે ‘બગીચા’ હોટેલનો માલિક છું.
ધર્મેશભાઈને તે બેન સાથે વાત કર્યા પછી ખબર પડી કે તેમનું નામ પ્રજ્ઞા ગાંધી છે. ધર્મેશભાઈએ કહ્યું કે હું તમારા વિશે વધુ જાણવા ઈચ્છું છું.
પ્રજ્ઞાબેને કહ્યું કે હું એક શિક્ષક છું. જો કે શાળામાં શિક્ષક તરીકેની નોકરી મેં પાંચ વર્ષ અગાઉ છોડી દીધી છે. હું લગ્ન પછી મારા પતિ સાથે બગીચાઓમાં કે અન્ય ફરવાના સ્થળ પર જતી ત્યાં નાનાં બાળકો શરબત, આઈસક્રીમ, સિંગ જેવી વસ્તુઓ વેચવા આવતાં. તે નાનાં બાળકોને જોઈને મને નવાઈ લાગતી અને તેમને હું પૂછતી કે તમે નિશાળે જાઓ છો?
અને દરેક વખતે જવાબ ‘ના’માં મળતો.
અને એ જવાબ સાંભળીને મારું હૃદય વલોવાઈ જતું હતું. હું બેચેન બની જતી. મારી આંખો ભીંજાઈ જતી. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમને મારી બેચેની દેખાતી હતી. તેમણે પૂછ્યું કે તું શા માટે બેચેન રહે છે?
મેં એક દિવસ મારા પતિને કહ્યું કે હું શિક્ષક તરીકે નોકરી છોડીને આજીવન શિક્ષક બનવા ઈચ્છું છું. આવા ગરીબ અને વંચિત બાળકોને મફત શિક્ષણ આપીને મારી ફરજ પૂરી કરવા ઈચ્છું છું.
મારા પતિએ હસતા ચહેરે મારી ઈચ્છા પૂરી કરવા માટે મને હા પાડી અને પ્રોત્સાહન પણ આપ્યું.
એ પછી પ્રજ્ઞાબહેને ઝૂંપડપટ્ટીઓમાં જઈને બાળકોનાં નામ-સરનામાં ભેગાં કયાર્ં. જો કે મોટાભાગના પાસે તો કાયમી સરનામાં તો હતાં જ નહીં આવાં દરેક બાળકનું સરનામું ઝૂંપડપટ્ટીનું હતું. આવાં ચારસો બાળકોનાં નામ લઈને પ્રજ્ઞાબેન મ્યુનિસિપલ કાર્યાલયમાં ગયાં અને તેમણે એ તમામ ચારસો બાળકોના જન્મતારીખના દાખલાઓ કઢાવ્યા. એ દાખલાના આધારે તેમણે દરેકેદરેક બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો. શાળાઓમાં ભરતી કર્યાં.
તે બાળકોને શાળાઓમાં ભરતી કરાવીને પોતાની ફરજ પૂરી થઈ ગઈ તેવું તેમણે ન માની લીધું. તેઓ દરરોજ શાળામાં જઈને બાળકોની હાજરી તપાસતાં. તેમની મુશ્કેલીઓ જાણતા અને તેમની દરેક મુશ્કેલીઓ દૂર કરવા માટે મદદ કરતાં. એ બાળકોને અંગત કોચિંગની જરૂર છે એવું તેમને સમજાયું એટલે ગધેડિયા ફિલ્ડ તરીકે જાણીતા જવાહર મેદાનમાં તેમણે એ બાળકોને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તેઓ સવાર-સાંજ બે પાળીમાં બાળકોને કોચિંગ આપવા લાગ્યાં.
પ્રજ્ઞાબેન પાસેથી એ વાત જાણ્યા પછી ધર્મેશભાઈનું હૃદય પણ દ્રવી ઊઠ્યું. તેમણે એ જ વખતે નિર્ણય લીધો અને પ્રજ્ઞાબેનને કહ્યું કે હવે તમે જરાય મુંજાશો નહીં. આ તમામ બાળકોને હવે નોટ, પેન, પેન્સિલ, દફ્તરો તથા રમકડાં અને મીઠાઈઓ પણ હું આપીશ અને પ્રજ્ઞાબેનની આંખોમાં ખુશીના આસું છલકાઈ આવ્યા.
એ પછી ધર્મેશભાઈએ પ્રજ્ઞાબેન સાથે મળીને પોતાની હોટેલમાં એ બાળકોને જમાડવાનું શરૂ કર્યું. ભાવનગરના મલ્ટીપ્લેક્સમાં એ બાળકોને ફિલ્મ જોવા માટે લઈ જવાનું શરૂ કર્યુ. તેમને જુદા જુદા સ્થળોની પિકનિક કરાવી અને એ બાળકો માટે જુદા જુદા ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યું.
એ પછી બાળકો બદલાતાં રહ્યાં પણ પ્રજ્ઞાબેન અને ધર્મેશભાઈ એ બાળકો માટે શિક્ષકો બની રહ્યાં.
ધર્મેશ હરિયાણીએ પછી ભાવનગર છોડી દીધું અને તેઓ અમદાવાદ રહેવા ચાલ્યા ગયા. તેઓએ પોતાની હોટલ પણ વેચી દીધી. છતાં અમદાવાદ સ્થિર થયા પછી પણ તેઓ વર્ષો સુધી એ ભાવનગરના બાળકોની પ્રજ્ઞા બેનનાં બાળકોની કાળજી લેતાં રહ્યાં અને તેમની જરૂરતો પૂરી પાડતાં રહ્યાં.
એ પછી એ પ્રવૃત્તિ વિકસતી ગઈ અને ધર્મેશભાઈ જેવા અન્ય નાગરિકોનો સહયોગ પણ પ્રજ્ઞાબેનને મળતો રહ્યો.
પ્રજ્ઞા ગાંધીએ ૧૯૯૯માં શરૂ કરેલી આ અનોખી કેળવણીની પ્રવૃત્તિને ૨૨ વર્ષ થઈ ગયા છે અને હવે તેમણે એક મોટા શિવ મંદિરમાં એ કલ્યાણકારી પ્રવૃત્તિનું હેડક્વાર્ટર બનાવ્યું છે.
આ બાવીસ વર્ષ દરમિયાન પ્રજ્ઞાબેને હજારો બાળકોને શિક્ષક બનાવ્યા. જો કે પ્રજ્ઞાબેનને હજી પોતાના કામથી સંતોષ નથી તેઓ શહેરના તમામ ગરીબ બાળકોને શિક્ષણ આપવા ઈચ્છે છે.
પ્રજ્ઞાબેનને કારણે ભણીગણીને નોકરી મેળવીને કેટલાય સંખ્યાબંધ યુવક-યુવતીઓ સારું જીવન મેળવી શકે છે. પ્રજ્ઞાબેન જેવી વ્યક્તિઓને સલામ કરવી જોઈએ. આજના સમયમાં લગભગ મોટાભાગની વ્યક્તિઓ દરેક પ્રવૃત્તિમાં પોતાનો સ્વાર્થ જોતી હોય છે, પરંતુ પ્રજ્ઞાબેન જેવી વ્યક્તિઓ નિ:સ્વાર્થ ભાવે હજારો લોકોના જીવનમાં સુખદ વળાંક લાવી દેતી હોય છે.
આ કિસ્સો ફેસબુક ફ્રેન્ડમાંથી મિત્ર બનેલા અને હવે ‘મુંબઈ સમાચાર’માં સાથી કોલમિસ્ટ બનેલા હકીમ રંગવાલાના માધ્યમથી જાણવા મળ્યો ત્યારે જ થયું હતું કે આ કિસ્સો વાચકો સાથે શેર કરવો જ જોઈએ.
પોતાના માટે તો બધા લોકો જીવતા હોય છે, પરંતુ બીજા લોકો માટે બહુ ઓછી વ્યક્તિઓ જીવતી હોય છે. પ્રજ્ઞાબેન એવી જ અનોખી એક વ્યક્તિ છે. આવી વ્યક્તિઓને રોલમોડલ ગણવી જોઈએ. કમનસીબે આપણે ત્યાં ફિલ્મસ્ટાર્સને કે અબજો રૂપિયાના આર્થિક કૌભાંડો કરીને અબજોપતિ બનનારા માણસોને રોલમોડલ ગણવાની ભૂલ થતી રહે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.