પત્રકારત્વ પડદા પર

આમચી મુંબઈ

‘મુંબઈ સમાચાર’ આજે ૨૦૦ વર્ષ પૂરાં કરી રહ્યું છે એ નિમિત્તે ફિલ્મોમાં જર્નાલિઝમની એક ઝલક

હેન્રી શાસ્ત્રી

આજે ૧ જુલાઈ. બરાબર ૨૦૦ વર્ષ પહેલા આપ સૌના પ્રિય અખબાર ‘મુંબઈ સમાચાર’ના પ્રકાશનનો પ્રારંભ થયો હતો.
બે વિશ્ર્વ યુદ્ધ, અનેક પ્રકારની રાજકીય – સામાજિક ઊથલપાથલ વચ્ચે પણ ‘મુંબઈ સમાચાર’ અડીખમ – ટટ્ટાર રહી નીડર અને નિષ્પક્ષ રહેવાના પોતાના ધર્મનું જતન કરી વાચકો સમક્ષ હાજર થતું રહ્યું છે.
આ નિમિત્તે ફિલ્મોમાં પત્રકારત્વના નિરૂપણ વિશે વાચકોને જાણકારી આપવી એ પત્રકાર ધર્મ છે. પત્ર અને પત્રકારત્વ સાથે સંબંધ ધરાવતી હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષાની એક એક ફિલ્મ પર નજર નાખીએ.
———
ચતુર્ભુજ દોશી (૧૯૩૮થી ૧૯૫૦)
પત્રકારત્વને કેન્દ્રમાં રાખી ગુજરાતી ફિલ્મ બની હોવાની કોઈ માહિતી નથી. ગુજરાતી નાટકો અને ફિલ્મોના અફલાતૂન અભિનેતા હિતેન કુમાર પણ કહે છે કે ‘હજી સુધી નથી બની.’ એ સંદર્ભમાં ગુજરાતી પત્રકારે ફિલ્મ મેકિંગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય એની વાત કરી શકાય. વેણીભાઈ પુરોહિતે ગુજરાતી અખબારોમાં કામ કર્યું હતું અને ફિલ્મોમાં ગીતકાર તરીકે તેમનું યોગદાન નોંધપાત્ર છે. ‘તારી આંખનો અફીણી’ (દીવાદાંડી) તેમની અમર રચના છે. પત્રકારત્વમાં મૂઠી ઊંચેરું નામ ધરાવતા દિગંત ઓઝા પણ ફિલ્મ જગત સાથે સંકળાયેલા હતા. ૧૯૭૬માં આવેલી ‘લાખો ફુલાણી’ના નિર્માતા તરીકે દિગંત ઓઝાનું નામ છે. આ ફિલ્મના પ્રસ્તુતકર્તા નિરંજન મહેતા છે જેમણે સુધ્ધાં પત્રકારત્વમાં ખેડાણ કર્યું છે, હજી કરે છે. બીજા પણ કેટલાક નામ છે, પણ આ બધામાં ઊડીને આંખે વળગે એવું નામ છે ચતુર્ભુજ દોશીનું. ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદ હેઠળના ‘હિન્દુસ્તાન’થી પત્રકારત્વની શરૂઆત કરનાર શ્રી દોશીએ વિવિધ અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લેખન કાર્ય કર્યું હતું. ફિલ્મોમાં લેખન કાર્યથી શરૂઆત કર્યા પછી ચતુર્ભુજ દોશીએ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના દિગ્દર્શક તરીકે વિશિષ્ટ છાપ પાડી. ૧૯૩૮ની ‘ગોરખ આયા’થી દિગ્દર્શક બનેલા શ્રી દોશીની અંતિમ ફિલ્મ હતી ‘સંસ્કાર’ (૧૯૫૮). બે દાયકા દરમિયાન તેમણે ડિરેક્ટ કરેલી ગુજરાતી ફિલ્મોમાં ‘વેવિશાળ’, ‘કરિયાવર’, ‘ભક્ત પૂરણ’ સફળ રહી હતી અને તેમણે દિગ્દર્શિત કરેલી હિન્દી ફિલ્મોમાં સૌથી જાણીતી હતી કુંદનલાલ સાયગલ, ખુર્શીદ અને મોનિકા દેસાઈ અભિનીત ‘ભક્ત સુરદાસ (૧૯૪૨). ફિલ્મમાં ૧૩ ગીતો હતા જેમાંથી ‘નૈન હીન કો રાહ દિખા પ્રભુ’ અફાટ લોકપ્રિય થયું હતું.
———
સિંહાસન (૧૯૭૯)
મરાઠી ભાષાના પ્રભાવી પત્રકાર – લેખક અરુણ સાધુની બે નવલકથા ‘મુંબઈ દિનાંક’ અને ‘સિંહાસન’ પરથી વિજય તેંડુલકરે લખેલી પટકથા પરથી બનેલી મરાઠી ફિલ્મ ‘સિંહાસન’નું દિગ્દર્શન કાબેલ દિગ્દર્શક જબ્બાર પટેલે કર્યું હતું. ફિલ્મમાં મરાઠી સિને જગતના મહારથી ગણાતા નીળુ ફૂલે, શ્રીરામ લાગુ, અરુણ સરનાઈક, મોહન આગાશે વગેરે હતા. ગેંડાથી પણ જાડી ચામડી ધરાવતા રાજકારણીઓ કેવા સ્વાર્થી અને બેજવાબદાર હોય છે અને સામાન્ય માનવીની જરૂરિયાત અને પરિસ્થિતિની કેવી અવગણના કરે છે એ આ ફિલ્મનો સૂર છે. રાજકારણ કેટલું ક્રૂર હોઈ શકે એની આ વાસ્તવદર્શી ફિલ્મ છે. બધા અભિનેતાઓએ તેમના પાત્રોને યોગ્ય ન્યાય આપ્યો છે. અલબત્ત વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ નીળુ ફૂલેનો જે પત્રકાર દિગંબર ટિપણીસ તરીકે નજરે પડે છે. આલોચનાથી ભરપૂર પટકથામાં કેટલાક પાત્ર સહાનુભૂતિ મેળવી જાય છે. ફિલ્મમાં દિગંબરનું પાત્ર આત્માના અવાજનું જાણે કે પ્રતિનિધિત્વ કરે છે.
રિપોર્ટરના રોલમાં દિગંબર વિવિધ પાત્રોને મળે છે જેમાં ટ્રેડ યુનિયન લીડર સતીશ દુભાષી, છીછરા સ્વભાવની સામાજિક મોભો ધરાવતી લાલન સારંગ વગેરેનો સમાવેશ છે. છેવટે તો મુખ્ય પ્રધાન જીવાજીરાવ (અરુણ સરનાઈક) પોતાનો સ્વાર્થ સાધવા આ લોકોનો કેવો ઉપયોગ કરે છે એ જોઈને સમજવાની વાત છે. અખબારના રિપોર્ટરના મોઢે કાયમ બોલતા શબ્દો ‘કાય વિશેષ?’ (શું જાણવા જેવું છે?)ને નીળુભાઉ લાક્ષણિક અદાથી પૂછે છે અને એનો જે જવાબ મળે છે એ લાગણીતંત્રને હચમચાવી નાખનારો છે. અલબત્ત ૧૯૭૦નો દાયકો દાદા કોંડકેના ડબલ મીનિંગવાળા ડાયલોગની મરાઠી ફિલ્મોનો હતો જેમાં ‘સિંહાસન’ને વિશેષ આસન નહોતું મળી શક્યું.
———
ન્યુ દિલ્હી ટાઈમ્સ (૧૯૮૬)
રાજકીય દાવપેચ – કાવાદાવા પર સર્ચલાઈટ મારી એને જનતા સમક્ષ રજૂ કરવાની જવાબદારી શોધખોળ પત્રકારત્વ – ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ નિભાવતું આવ્યું છે. રમેશ શર્મા દિગ્દર્શિત ‘ન્યુ દિલ્હી ટાઈમ્સ’ એનું આગવું ઉદાહરણ છે. સિસ્ટમમાં ફેલાઈ ગયેલા ભ્રષ્ટાચારને બેનકાબ કરવા મથતા પત્રકારની આસપાસ કથા આકાર લે છે. વિધાનસભ્યની હત્યા સંદર્ભે જાણકારી મેળવવાના પ્રયાસ કરી રહેલો પત્રકાર વિકાસ પાંડે (શશી કપૂર) રાજ્યના મુખ્ય પ્રધાનની રાજકીય રમતમાં પ્યાદું બની જાય છે. અંતે વિકાસ માટે ‘હથિયાર હેઠા’ મૂકી બાંધછોડ કરવાનો વખત આવે છે. ફિલ્મની વાર્તાને રાજકીય રંગ હોવાથી થિયેટરમાં દર્શાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પત્રકારત્વ – મીડિયા અને ભ્રષ્ટાચાર વિશે વાત કરતી આ ફિલ્મને વિવેચકોએ વધાવી લીધી હતી. ફિલ્મ ત્રણ નેશનલ એવૉર્ડ જીતવામાં સફળ રહી હતી. બેસ્ટ એક્ટર (શશી કપૂર), બેસ્ટ સિનેમેટોગ્રાફી (સુબ્રોતો મિત્ર) અને બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ ડિરેક્ટર (રમેશ શર્મા) એવૉર્ડના હકદાર બન્યા હતા. શશી કપૂરની પત્ની અને બાહોશ વકીલની ભૂમિકામાં શર્મિલા ટાગોર (નિશા) પણ નોંધપાત્ર છે. ફિલ્મમાં નિશા વિકાસને કહે છે ‘પેપર મેં છપવાને સે પ્રોબ્લેમ ખતમ તો નહીં હો જાતે’. પત્રકારની ફરજ પર બ્રેક મારતો આ ડાયલોગ સર્વકાલીન મહત્ત્વ ધરાવે છે. પત્ર (અખબાર) છાપે પણ પત્રકારત્વના ધર્મ – ફરજને લાત મારે એવા બદઈરાદા ઉઘાડા પાડતો એક ડાયલોગ છે ‘હમારે ચીફ એડિટર તો યહાં કે થાનેદાર હૈ.’
———-
All The President’s Men (૧૯૭૬)
હોલીવૂડમાં જર્નાલિઝમ સંદર્ભે ઘણી ફિલ્મો બની છે. સૌથી પહેલી યાદ આવે ઓર્સન વેલ્સનીCitizen Kane.. એ સિવાય ઝવયThe Killing Fields, The Insider, Good Night Good Luck, The Post વગેરેનું પણ સ્મરણ થાય. જોકે, આ બધામાં મેદાન મારી જાય એવી ફિલ્મ છેAll The President’s Men.. ઘણા લોકોના મતે જર્નાલિઝમ પર બનેલી આ સર્વોત્તમ ફિલ્મ છે. યુએસ પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સનને પદભ્રષ્ટ કરનાર ‘વોટરગેટ કૌભાંડ’ને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મ આઠ વિભાગમાં નોમિનેટ થઈ હતી અને ચાર ઓસ્કર એવૉર્ડ મેળવવામાં સફળ રહી હતી. ફિલ્મમાં રોબર્ટ રેડફર્ડ અને ડસ્ટિન હોફમેન એ બે ટોચના એક્ટર હતા. ૮૫ લાખ ડોલરના બજેટમાં બનેલી ફિલ્મ ૭ કરોડ ડોલરનું બોક્સઓફિસ કલેક્શન મેળવવામાં સફળ રહી હતી. ફિલ્મના પ્રભાવનો મુખ્ય શ્રેય પટકથાને આપવામાં આવ્યો હતો જે વિલિયમ ગોલ્ડમેને લખી હતી. ‘ભાવના કરતા કર્તવ્ય ઊંચું’ એ ઉક્તિનું સમર્થન અહીં જોવા મળે છે. સત્ય મેળવવું ગમે એટલું વિકટ હોવા છતાં કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના એ મેળવીને જ જંપવું એ સિદ્ધાંતને ગોલ્ડમેનની કલમ વફાદાર રહી છે. ફિલ્મ રિલીઝ થયાના ૩૦ વર્ષ પછીAll the President’s Men’ Revisited’ ’ નામની બે કલાકની ડોક્યુમેન્ટરી બની હતી જેને પણ સારો આવકાર મળ્યો હતો. આ ડોક્યુમેન્ટરીની જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કેTelling The Truth About Lies (જૂઠનો પર્દાફાશ) જે પત્રકારત્વના મૂળભૂત ધર્મ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.