પંગુમ્ લંઘયતે ગિરિમ્: આ નર્તક વ્હીલચેર પર બેસીને કરે છે ભરતનાટ્યમ્

પુરુષ

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા

આપણા વારતહેવારો સંગીત અને નૃત્ય વિના અધૂરા છે. નવ રસ વિના આપણું જીવન નીરસ થઇ જાય, તો બીજી બાજુ નૃત્યમાં એ તાકાત છે કે નીરસ જીવનને એ સ-રસ કરી નાખે. આમ તો કુદરતે દુનિયામાં કશુંય સંપૂર્ણ નથી રાખ્યું. મનુષ્ય પણ તેમાં અપવાદ નથી. બધામાં કંઈક ને કંઈક અપૂર્ણતા હોય જ છે, પરંતુ કમનસીબે કેટલાક મનુષ્યોમાં તે અપૂર્ણતા એટલી ગહન અને દેખીતી હોય છે કે તેમના જીવનમાં તે એક અવરોધ બની જાય છે. સાથે સાથે ઈશ્ર્વરે મનુષ્યને એ તાકાત પણ આપી છે કે તે આફતને અવસરમાં પલટી શકે. એટલે જ તો કહ્યું છે કે ઈશ્ર્વરની કૃપા હોય તો ‘પંગુમ્ લંઘયતે ગિરિમ્.’
દેશની રાજધાની દિલ્હીમાં રહેતા હુસનૈન ભરતનાટ્યમ્ નૃત્યમાં પ્રશિક્ષિત છે. તેઓ અન્ય આઠ નર્તકો સાથે મળીને એક નૃત્ય સંસ્થા ચલાવે છે. વર્ષ ૨૦૧૬માં સ્થાપિત આ નૃત્ય સંસ્થામાં આજે ૯૦ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. મજાની વાત એ છે કે સૌથી નાની વયના વિદ્યાર્થીની ઉંમર ૮ વર્ષ અને સૌથી વરિષ્ઠ વિદ્યાર્થી ૬૫ વર્ષના છે!
દેશમાં ભારતીય અને પાશ્ર્ચાત્ય નૃત્ય શીખવતી અનેક નાનીમોટી નૃત્ય અકાદમીઓ છે, તો આ અકાદમીની એવી શું વિશેષતા છે? આ અકાદમીની પ્રેરણાદાયક વિશેષતા એ છે કે તેના બધા જ શિક્ષકો વિકલાંગ વ્યક્તિઓ (ઙયતિજ્ઞક્ષત ૂશવિં મશતફબશહશિું) છે. હુસનૈન જેવા કેટલાક વ્હીલચેર પર છે, તો અન્યોને બોલવા કે સાંભળવાની તકલીફ છે, પણ આ બધાને એકબીજા સાથે જોડતી કડી છે, તેમની શીખવા અને પ્રસ્તુત કરવાની ધગશ.
‘હું કેટલાંય વર્ષોથી નૃત્ય પ્રસ્તુતિ કરું છું, પણ હું જેનો હકદાર છું તે સન્માન અને કદર, હજી મારી નજીક ફરક્યાં પણ નથી,’ ૩૦ વર્ષના એક નર્તક કહે છે.
ગૌરવ, સશક્તીકરણ,
સમાવેશ અને સમાનતા
હુસનૈન કહે છે કે ‘૨૦૧૬માં જ્યારે નૃત્ય સંસ્થાની સ્થાપના કરી ત્યારે અમારો હેતુ પોતાનું ગૌરવ સ્થાપિત કરવાનો, પોતાને સશક્ત અનુભવ કરવાનો, સમાજમાં સમાવિષ્ટ હોવાનો અને વિકલાંગ તરીકે નહીં, પણ સમાનતાના ધોરણે લોકો વ્યવહાર કરે તે જ હતો.’ હુસનૈન કહે છે કે તેમના માટે નૃત્ય જેવા શારીરિક અભિનયના ક્ષેત્રમાં શારીરિક રીતે દિવ્યાંગોને પ્રોત્સાહન આપવું અત્યંત મહત્ત્વનું કામ છે.
એક વર્ષથી પણ નાનો હતો ત્યારે ખૂબ તાવ આવેલો, જેણે અંતે હુસનૈનને વ્હીલચેર ભેગો કરી નાખ્યો. તે કહે છે, ‘હું જ્યાં રહેતો હતો ત્યાં કમનસીબે સારી મેડિકલ ફેસિલિટી નહોતી. તાવ એટલો ભયંકર હતો કે મને પોલિયોની અસર થઈ ગઈ. મને કમરથી નીચે પોલિયો થઈ ગયો.’ આવા સંજોગોમાં હુસનૈન જે શાળામાં અભ્યાસ કરતો હતો ત્યાં તેને જીવનમાં પહેલી વાર નૃત્યનો પરિચય થયો.
જ્યારે તેને પૂછ્યું કે અભિવ્યક્તિ માટે નૃત્ય કેમ પસંદ કર્યું? ત્યારે હસતાં હસતાં તે કહે છે, ‘મને ઘણા આ પ્રશ્ર્ન પૂછે છે અને હું એક જ જવાબ આપું છું. શાહરુખ ખાન એક્ટર શા માટે છે? કેમ બીજું કંઈ નહીં? એ અભિનેતા બનવા જ જન્મ્યો હતો અને તેવી જ રીતે હું નૃત્ય કરવા જ જન્મ્યો છું. મંચ પર પ્રસ્તુતિ કરવા જેવો આનંદ મને બીજા કશામાં આવતો નથી. મેં આઠ દેશમાં ૧,૫૦૦થી વધુ કાર્યક્રમ કર્યા છે.’
આટલા કાર્યક્રમો પછી પણ જ્યારે હુસનૈન કોઈ વ્યક્તિ કે સંસ્થાને પોતાના ગ્રુપ વતી કાર્યક્રમ માટે સંપર્ક કરે, ત્યારે તે લોકો વિચારવા માંડે છે કે વ્હીલચેરમાં બેસીને નૃત્ય કેવું લાગતું હશે? તે કહે છે, ‘અમે શું કરી શકીએ, અમે શું કરીશું અને કેવી રીતે કરીશું તેની પ્રેક્ષકોને હંમેશાં મૂંઝવણ હોય છે. તેઓ અમારા કાર્યક્રમમાં નૃત્યની કદર કરતાં કુતૂહલવૃત્તિથી વધુ આવતા હોય છે. તેમ છતાં, અમારી પ્રસ્તુતિમાં ખોવાઈ જતાં તેમને એક મિનિટથી વધારે સમય લાગતો નથી. અમારી, વિકલાંગો
પ્રત્યે દયાના ભાવ સાથે કાર્યક્રમ જોવાની શરૂઆત
કરનારા પ્રેક્ષકો, અંત સુધીમાં તો અમારા નૃત્યથી અભિભૂત થઈ જાય છે. અમે શું કરી શકવા સક્ષમ છીએ તેનો અહેસાસ તેમને થઈ જાય છે.’
હુસનૈન એ વાત પર ભાર આપે છે કે દિવ્યાંગોને દયાની નહિ, યોગ્ય તકની જરૂર છે. આ ગ્રુપ માત્ર ભરતનાટ્યમ્ જ નથી કરતું, પણ સાલસા, મણિપુરી માર્શલ આર્ટ ડાન્સ ફોર્મ અને યોગ ઓન વ્હીલ્સ પર પણ તેણે હાથ અજમાવ્યો છે.
આ કલાકારોના દિવસની શરૂઆત જિમથી થાય છે. ત્યાં દરેક કલાકાર પોતાના શરીરના ઉપરના ભાગને મજબૂત બનાવવા પર કામ કરે છે. ત્યાર બાદ ડાન્સ રિહર્સલ્સ, સ્ટેજ પર્ફોર્મન્સ માટે નવા વિષયની ચર્ચા, વેશભૂષા અને મેકઅપની ચર્ચાવિચારણા થાય. હુસનૈન ઉમેરે છે કે ‘મોટા ભાગનો સમય કાં તો અમે શીખવતા હોઈએ છીએ અથવા આવનારા કાર્યક્રમની તૈયારી કરતા હોઈએ છીએ. એટલે અમે રોજ નૃત્ય કરીએ છીએ.’
એક મુસ્લિમ અને ભરતનાટ્યમ્?
હુસનૈન માટે આ યાત્રા સરળ નહોતી જ. મુસ્લિમ હોવાને કારણે તેનો પરિવાર એ સમજી નહોતો શકતો કે શા માટે એ ભરતનાટ્યમ્ શીખવા અને ભજવવા પણ માગે છે. પરિવાર તેને પ્રોત્સાહન નહોતો આપતો. ‘જ્યારે મેં શરૂ કર્યું ત્યારે કોઈ વાડા તોડવા કે ભવિષ્ય માટે કોઈ નવી કેડી કંડારવાનો વિચાર નહોતો. મેં જે કર્યું તેમાં મને ખુશી મળતી હતી માટે કર્યું,’ એવું હુસનૈન કહે છે. આજે તે અને તેના સાથીઓના નૃત્ય માટે લોકોમાં સન્માનની લાગણી છે, પણ એવા ઘણા કિસ્સા છે જ્યારે તેને લંગડો કે અપંગ કહેવાતો હતો. ‘આ સાંભળીને પીડા થતી. તેનાથી મને ઘણું અજુગતું લાગતું અને હું જે કરવા પ્રયત્ન કરતો હતો તેનો જાણે કે સ્વપ્ન ભંગ થઈ જતો હતો, પણ મને મારા પિતાના શબ્દો પ્રોત્સાહિત કરતા, જેઓ કહેતા કે તમારી કિંમત બીજાને આંકવા નહીં દેવાની,’ એવું કહે છે હુસનૈન.
દરેક નવો કાર્યક્રમ, નાનો કે મોટો, વાહવાહી મેળવતો હતો. ગ્રુપ વિષે સમાચારો આવતા અને દરેક વખતે માતાપિતા એ વાંચીને ગર્વ અનુભવતાં. ‘જ્યારે મારા પિતાને લોકો ‘હુસનૈનના પિતા’ તરીકે ઓળખવા લાગ્યા, ત્યારે તેઓ છાતી ફુલાવીને ચાલવા લાગ્યા,’ સ્મિત સાથે તે કહે છે.
હુસનૈન સાથે એક દસકાથી સંકળાયેલો બીજો વ્હીલચેર ડાન્સર ગુલશન કુમાર કહે છે, ‘નૃત્યએ મને એક એવી સ્વતંત્રતા આપી છે જે હું શબ્દોમાં વર્ણવી ન શકું. અમારી સંસ્થાના સભ્ય તરીકે બીજા કેટલાય લોકોને હું શીખવી શકું છું એ વિચારે જે ગર્વ થાય છે તે અદ્ભુત લાગણી છે.’
અડચણોથી ભરેલી યાત્રા
ટ્રેન છૂટી જવી, કાર્યક્રમ સ્થળે પહોંચવા એક કરતાં વધુ પ્રવાસનાં સાધનો બદલવાથી લઈને અમને ગંભીરતાથી ન લેવા કે સમયસર મહેનતાણું ન ચૂકવવું, આ બધું અનેક તકલીફોમાંથી કેટલીક છે. જોકે હુસનૈન ઉમેરે છે કે ‘જ્યારે પ્રેક્ષકો ઊભા થઈને અમને તાળીઓથી વધાવે છે ત્યારે અમારી બધી મુશ્કેલી, બધી પીડાઓનું બાષ્પીભવન થઈ જાય છે. નૃત્યની ભાષામાં કેટલી તાકાત છે!’
દેશનાં અનેક શહેરોમાં પોતાની સંસ્થાની શક્ય તેટલી શાખાઓ ખોલવાનું હુસનૈનનું સ્વપ્ન છે. અંતે તે એટલું જ કહે છે, ‘જેટલાં વધુ બાળકો અમારી અકાદમી સાથે જોડાશે, અમે તેટલો વધુ આનંદ પ્રસરાવી શકીશું.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.