ન્યૂઝ: ફાસ્ટ ફૂડ છે કે પૌષ્ટિકખોરાક?

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી

કૅનેડામાં શોન પેરિસ નામનો એક જાણીતો બ્લોગર છે. છ વર્ષ પહેલાં, તે કૅનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીમાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હતો અને શોખથી બ્લોગ લખતો હતો. તેનાં લખાણોમાં મોટાભાગે નોકરી-ધંધા અને અંગત જીવનમાં અલગ અલગ પ્રકારનાં પ્રેસર આવતાં હોય તો તેનો કેવી રીતે સામનો કરવો તેની સેલ્ફ-હેલ્પની વાતો રહેતી હતી. એમાં એને એક રસપ્રદ વિગત જાણવા મળી; તેના ૮૦ ટકા ફોલોઅર્સ વોલ સ્ટ્રીટમાં કામ કરતા લોકો છે. એ પછી શોને વધુ ધ્યાન દઈને લખવાનું શરુ કર્યું. આજે તેની ફરનામ સ્ટ્રીટ નામની અત્યંત લોકપ્રિય વેબસાઈટ ચાલે છે. તેના નિયમિત વાચકોમાં શૅરબજાર અને ટૅકનોલોજીની દુનિયામાં કામ કરતાં હજારો લોકો છે. શોન તેમાં આધુનિક જીવનની કેવી વિડંબનાઓ છે અને તેમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે અંગે સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપે છે.
એનો એક લેટેસ્ટ લેખ બહુ અળવીતરો છે. અળવીતરો એ અર્થમાં કે આપણે અમુક બાબતોને એટલી સહજ અથવા ટેકન ફોર ગ્રાન્ટેડ માની લઇએ છીએ કે આપણને ક્યારેય તેના માટે કોઈ સવાલ નથી થતો. દાખલા તરીકે, આપણે સમાચારો વાંચવાના કે ટીવી પર જોવાના એટલા આદી થઇ ગયા છીએ કે આપણને એવો પ્રશ્ન નથી થતો કે આટલી બધી માહિતી આપણને કઈ રીતે કામ આવે છે? શું એનાથી આપણે બહેતર ઇન્સાન બનીએ છીએ? શું એનાથી દુનિયા વિશેની આપણી જાણકારી વધુ તંદુરસ્ત બને છે? હવે તો ૨૪ કલાકનું સોશિયલ મીડિયા છે, જે આપણને સમાચારોના એક તોતિંગ ચગડોળમાં ગોળ-ગોળ ફરતું રાખે છે. આપણે એમાંથી હેઠે ઊતરીને જોઈ શકતા નથી કે આ કેટલું મારા કામનું છે.
શોન પેરિસના લેટેસ્ટ લેખમાં આવો સવાલ કરવામાં આવ્યો છે; “તમારે કેમ સમાચારો વાંચવાના બંધ કરી દેવા જોઈએ. એમાં એ કહે છે કે આપણે જાણકારી મેળવવા માટે સમાચારો પાછળ રોજ કલાકો ગાળીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે આપણે જાણકાર બનવાને બદલે ગલત જાણકારીનો ભોગ બનીએ છીએ.
શોન લખે છે, “આપણે ભાગ્યે જ આપણી જાતને એ પૂછીએ છીએ કે આપણે જે સમાચારો આરોગીએ છીએ તે મારા માટે કેટલા કામના છે? એમાં કોઈ ગહેરી માહિતી છે? આ સમાચાર સમય જતાં પ્રાસંગિક રહેવાના છે? જે માણસ આ સમાચાર આપે છે તે કેટલો જાણકાર અને વિશ્ર્વસનીય છે?
ન્યૂઝ ફાસ્ટ ફૂડ છે કે પૌષ્ટિક ખોરાક છે, તે જાણવું જરૂરી છે. ન્યૂઝની આવરદા ક્ષણિક હોય છે. જે ક્ષણિક છે તે કેવી રીતે આપણી પૂરી જિંદગી માટે ઉપયોગી હોય? હવે તો ન્યૂઝને પહોંચાડવાનું સસ્તું અને ઝડપી થયું છે અને એમાં સ્પર્ધા પણ વધી છે. કોણ પહેલાં ન્યૂઝ આપે છે એ લાહ્યમાં તેની ગુણવત્તા જોખમાઈ છે.
૧૯૩૨માં ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ના પ્રકાશનના ૨૬ વર્ષ પછી, આલ્ડસ હક્સલેએ ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ રીવિઝિટેડ’ નામની નોન-ફિક્શન નવલકથા લખી હતી. તેની પ્રસ્તાવનામાં તેણે એક સરાસરી પણ ગહન નિરીક્ષણ કર્યું હતું, “જીવન મર્યાદિત છે અને માહિતીઓ અપરંપાર છે. કોઈની પાસે એટલો બધો સમય નથી. આજે આપણે હક્સલેએ કલ્પેલા ઇન્ફોર્મેશન ઓવરલોડમાં જીવીએ છીએ. આજે, સરેરાશ વ્યક્તિ રોજ તેના ફોનને અંદાજે ૨,૬૦૦ વખત ચેક કરે છે, ૨૦ ટેક્સ્ટ મેસેસિઝ મેળવે છે અને ૧૮૩ મિનિટ ટીવી જુવે છે. દર મિનિટે ૪૫૫,૦૦ ટ્વિટ્સ થાય છે, ૩,૬૦૭,૦૮૦ વખત ગૂગલ સર્ચ થાય છે, ૪૬,૭૪૦ ઇન્સ્ટગ્રામ પોસ્ટ થાય છે, રોજ ૧૫૦ કરોડથી વધુ લોકો ફેસબુક પર કશુક ને કશુંક લખતા રહે છે.
પરિણામ? આપણું અજ્ઞાન વધ્યું છે. જેટલો વધુ ડેટા આપણે ‘આરોગીએ’ છીએ, આપણા મગજ માટે તેને પ્રોસેસ કરવાનું એટલું જટિલ થતું જાય છે. જેટલી માહિતી વધે છે, તેમાંથી સાચી માહિતી છૂટી પાડવાનું અઘરું થતું જાય છે. આપણે જેટલું દરેક બાબતો વિશે જાણીએ છીએ, વિશેષ બાબતો વિશે કશું પણ સમજવાની બેન્ડવિથ મગજમાં ઓછી થતી જાય છે.
વધુ પડતી માહિતી જોખમી છે, કારણ કે તે અંતત: વ્યર્થ સાબિત થાય છે. આપણી પાસે એ ક્ષમતા નથી કે ઉચિત અને અનુચિત, ઉપયોગી અને બિનઉપયોગી, સાચી અને ખોટી માહિતીને પારખી શકીએ. ફેક ન્યૂઝ અને પૂર્વગ્રહિત વ્યૂઝનો ખડકલો થઈ રહ્યો છે, તેનું મૂળ કારણ ઈન્ફોર્મેશન ઓવરલોડ છે. તેની અસર આપણી માનસિક તંદુરસ્તી પર પડી રહી છે.
આપણે ત્યાં આટલી બધી ન્યૂઝ ચેનલો ફૂટી નીકળી છે એનો અર્થ એ નથી કે આપણે અચાનક પ્રબુદ્ધ થઈ ગયા છીએ, પણ એટલા માટે કે લોકોનું ન્યૂઝ પ્રત્યેનું વ્યસન મજબૂત થઈ ગયું છે. આપણે સતત ન્યૂઝ જોતા/વાંચતા રહીએ છીએ, કારણ કે એનાથી આપણને અભિપ્રાયો કેળવવામાં આસાની રહે છે, પરંતુ આપણે એ નથી વિચારતા કે આવા ફાસ્ટ-ફૂડ અભિપ્રાયો આપણી દીર્ઘ અને ગહેરાઈમાં વિચારવાની શક્તિને ક્ષીણ કરે છે. જે સમાજ વધુ પડતા રાજકારણ અને ન્યૂઝનો વ્યસની બની જાય તે લાંબા ગાળે છીછરો બની જાય છે. રોજ સવારે ઊઠીને સાંજ સુધી અને ત્રણસોને પાંસઠ દિવસ રાજકીય ન્યૂઝની ચક્કી પીસવી એ કાં તો બીમારી છે અથવા એડિક્શન છે.
પુસ્તકો આપણને ‘કેવી રીતે’ વિચારવું એ શીખવાડે છે. સમાચારો આપણને ‘શું’ વિચારવું એ શીખવાડે છે. પુસ્તકો આપણી માનસિકતાને આઝાદ કરે છે. સમાચારો તેને કાબૂમાં કરે છે. સતત સમાચારો જોતા
રહેવું એ માનસિક બીમારીનો જ ભાગ છે. આપણે રોજ જે સમાચારોને ‘આરોગીએ’ છીએ, તે આપણા વિચારો અને લાગણીઓના સ્વાસ્થ્ય તેમ જ આપણા વર્તનને પ્રભાવિત કરે છે.
દેશ-દુનિયાની ખબર હોવી એ અલગ બાબત છે, પણ સતત સમાચારોનું સર્ફિંગ કરતા રહેવું એ સિગારેટનું નિકોટીન ચૂસવા બરાબર છે. અમેરિકન સાઈકોલોજિકલ એસોસિયેશનના એક સર્વેમાં અડધો અડધ અમેરિકન લોકોએ સમાચારોના કારણે સ્ટ્રેસ, બેચેની, થકાવટ અને અનિંદ્રાની ફરિયાદ કરી હતી. એ જ સર્વેમાં એ પણ ખબર પડી હતી કે ૧૦માંથી એક વ્યક્તિ દર કલાકે સમાચારો ચેક કરતી હતી અને ૨૦ ટકા જેટલા લોકો સોશિયલ મીડિયાની ટેવને કારણે જરૂર હોય કે ન હોય તો પણ સમાચારો સ્ક્રોલ કરતા રહેતા હતા.
આપણા મગજની ઉત્ક્રાંતિ શારીરિક રીતે ટકી રહેવામાં મદદ કરે તેવી માહિતીઓ ભેગી કરવા માટે થઈ છે, તે સિવાયની ૯૦ ટકા જાણકારીઓ મગજ પર ઇન્ફોર્મેશન ઓવરલોડથી વિશેષ કશું નથી. તકલીફ એ છે આપણી પાસે જેટલો ફાજલ સમય વધુ, આપણે એટલા વધુ સમાચારો ‘આરોગતા’ રહીએ છે. શરાબીઓમાં બિન્જે ડ્રિન્કિંગ બહુ કોમન હોય છે; અતિશય પીવું, સતત પીવું. કમનસીબે, સમાચારોમાં પણ આપણે સતત ટિપ્સી રહીએ છીએ. ન્યૂઝ ચેનલોનો ધંધો જ તમને તરસ્યા બનાવવા પર ચાલે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.