નૌસેનાની તાકાતમાં થશે વધારો, સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવાની વ્યૂહ રચનાના ભાગરૂપે અનેક આધુનિક શસ્ત્રો, મિસાઇલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ટૂંક સમયમાં ભારતીય નૌકા દળને વધુ એક મિસાઇલ શક્તિ મળવા જઈ રહી છે. દરિયામાં દુશ્મનના ફાઈટર પ્લેન, મિસાઈલ અને ડ્રોનથી બચવા અને તેને નષ્ટ કરવા માટે એક ખાસ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ ( VL-SRSAM ) છે. મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રોન જેવા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ મિસાઈલોમાં સ્વદેશી બનાવટનું રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્શન ડિવાઈસ પણ છે. તે સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને ઓળખે છે. આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારત ડાયનામિક્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. તે આંખના પલકારામાં હવામાં ઉડતી કોઈપણ વસ્તુનો નાશ કરી શકે છે.
VL-SRSAM મિસાઈલ 25 થી 30 કિમીની રેન્જ ધરાવે છે. તે મહત્તમ 12 કિમીની ઊંચાઈ સુધી જઈ શકે છે. તેની ઝડપ બરાક-1 કરતા બમણી છે. તે મેક 4.5 એટલે કે 5556.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તેને કોઈપણ યુદ્ધ જહાજથી ફાયર કરી શકાય છે. આ મિસાઇલ લગભગ 12.6 ફૂટ લાંબી છે અને તેનો વ્યાસ 7.0 ઇંચ છે. તે દુશ્મનના જહાજો અથવા ઓછી ઉંચાઇએ ઉડતી મિસાઇલને તોડી શકે છે.
હિંદી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત આ મિસાઇલોનો ઉપયોગ કરી શકે છે
આ મિસાઇલના સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO, ભારતીય નૌકાદળ અને સંબંધિત ટીમોની પ્રશંસા કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.