નૂપુર શર્માએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં દેશના અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન

ટૉપ ન્યૂઝ

કડક પગલું: ભાજપ નેતાની વિવાદાસ્પદ ટિપ્પણી સામેના રાંચીમાં શુક્રવારે વિરોધ પ્રદર્શન દરમિયાન તોફાની તત્ત્વોએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. કાયદોે વ્યવસ્થા રાબેતા મુજબ કરવા સુરક્ષાદળોએ રૂટ માર્ચ કરી હતી. (એજન્સી)

નવી દિલ્હી: સમૂહ માધ્યમોમાં ભારતીય જનતા પક્ષનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી એકમના મીડિયા યુનિટના ભૂતપૂર્વ હેડ નવીન જિંદાલે કરેલી મનાતી વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી સામે દેશમાં અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં દેખાવકારો શાંત રહ્યા હોવાનું જણાવાયું હતું, પરંતુ ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત અનેક ઠેકાણે દખાવકારો ઉગ્ર બન્યા હતા. રાંચીમાં હિંસક ટોળાંના પથ્થરમારામાં કેટલાક પોલીસ જવાનોને ઇજા થઈ હતી. એ ટોળાંને વિખેરવા પોલીસે હવામાં ગોળીબાર અને લાઠીમાર કર્યો હતો.
બિહારના મુઝફ્ફરપુરમાં નૂપુર શર્મા, નવીન જિંદાલ અને ધર્મગુરુ યતી નરસિંહાનંદ વિરુદ્ધ કોર્ટમાં કમ્પ્લેઇન ફાઇલ કરવામાં આવી હતી.
ગુજરાતમાં અમદાવાદ અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં દેખાવકારોએ મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર કર્યો હતો. અમદાવાદના દરિયાપુર અને કારંજ જેવા વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને સહારનપુરમાં પોલીસ જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજમાં તોફાની ટોળાંએ અનેક મોટરસાઇકલો અને હાથગાડીઓને આગ ચાંપી હતી. હિંસક ટોળાંને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો. મુરાદાબાદ, રામપુર અને લખનઊમાં પણ વિરોધ પ્રદર્શકોએ નૂપુર શર્માની ધરપકડની માગણી કરી હતી.
પશ્ર્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ- ૬ પર સેંકડો દેખાવકારોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. હાવડા-ખડગપુર રેલવે સેક્શનમાં ફુલેશ્ર્વર અને ચેંગાલી સ્ટેશનોની વચ્ચે રેલરોકો આંદોલન કર્યું હતું. હાવડા જિલ્લામાં ૧૩ જૂને સવારે છ વાગ્યા સુધી ઇન્ટરનેટ સસ્પેન્ડ કરવાનો આદેશ પોલીસે આપ્યો હતો. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.