નીતા પટેલ: આદિવાસીઓ અને મહિલાઓની ‘વોટર ચેમ્પિયન’

લાડકી

કવર સ્ટોરી-અનંત મામતોરા

પાણીની સમસ્યાને પરિવારમાં સૌથી વધુ કોણ ભોગવે? કહેવાની જરૂર નથી કે ઘરની સ્ત્રીઓ, કારણ કે ઘરનાં બધાં જ કાર્યોનું મેનેજમેન્ટ તેમના હાથમાં હોય છે અને એટલે જ જો તેમાં કોઈ સમસ્યા સર્જાય તો તેનો અસરકારક હલ સ્ત્રીથી વધુ સારી રીતે કોઈ બીજું ન લાવી શકે, તેથી જ સામાજિક સ્તરે પણ સ્ત્રીઓ આવાં કાર્યો ખૂબ સચોટ રીતે પાર પાડી શકે છે. ગુજરાતનાં નીતા પટેલ પણ આવા જ એક કારણસર ‘વોટર ચેમ્પિયન’ના નામે જાણીતાં છે.
ગુજરાતના છ આર્થિકરૂપે સંકટગ્રસ્ત જિલ્લાઓમાં ડાંગ, નર્મદા અને ભરૂચનો સમાવેશ થાય છે, પણ હવે આ જિલ્લાઓના જળ પ્રબંધન પર કામ થઈ રહ્યું છે જેથી ગામડાંઓની પાણીની સમસ્યા દૂર થઈ છે અને આ બહેતર જળ પ્રબંધનનાં મુખ્ય સ્તંભ છે નીતા પટેલ, જેમના ૧૨ વર્ષના લાંબા પ્રયાસો બાદ આ સંભવ થયું છે માટે જ નીતા પટેલને હવે લોકો ‘વોટર ચેમ્પિયન’ના નામે જાણે છે. જળ સંરક્ષણ અને મહિલા સશક્તીકરણના ક્ષેત્રમાં નીતા પટેલે ઘણું કામ કર્યું છે, જેનાથી જિલ્લાનાં ૫૧ ગામમાં રહેવાવાળા ૩૦,૦૦૦ ગ્રામવાસીઓ અને દક્ષિણ ગુજરાતના અનેક લોકોના જીવનમાં સુખદ પ્રભાવ પડ્યો છે.
નીતા પટેલ નવી દિલ્હીની શ્રી સંત કબીર ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી રૂરલ સ્ટડીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલાં છે. તેમનું બાળપણ નવસારીના મોગરાવાડી ગામમાં વીત્યું હતું. બાળપણમાં નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ઘણું સહન કરવું પડ્યું, પરંતુ માતા-પિતાના પીઠબળ અને સ્કોલરશિપને કારણે ક્યારેય તેમનો અભ્યાસ અટક્યો નહીં. તેમના પરિવાર પાસે એક એકર જમીન હતી, જેના પર ચોમાસામાં ખેતી કરતા હતા. બાકીનો સમય માતા-પિતા બીજાનાં ખેતરોમાં મજૂરી કરતાં હતાં. નીતા પટેલ કહે છે કે તેઓ પોતે અને તેમનો ભાઈ ક્યારેક ઘાસ કાપવા, ક્યારેક શેરડીની કાપણી અથવા કેરી વીણવા જેવાં કામ કરીને પરિવારની આવકમાં પોતાનું યોગદાન આપતાં હતાં. જાણીને તમને આશ્ર્ચર્ય થશે કે તેમને રોજના માત્ર ૧૨ રૂપિયાની કમાણી થતી હતી.
સાતમા ધોરણ પછી આગળના અભ્યાસ માટે રોજ બાવીસ કિલોમીટર પગે ચાલીને બાજુના ગામ સુધી જવું પડતું હતું. તેઓ કહે છે, ‘એ દિવસોમાં સ્કૂલ મારો એકમાત્ર સહારો હતો.’ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નીતાએ રેસિડેન્શિયલ કોલેજમાં પ્રવેશ લીધો, કેમ કે ત્યાં જમવાનું, યુનિફોર્મ અને પુસ્તકો મફત મળતાં હતાં. તેમનાં માતા-પિતાએ પહેલા વર્ષની ૨,૦૦૦ રૂપિયા ફી ભરી હતી. જોકે પછીના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસ માટે સુરતની ગાંધી વિદ્યાપીઠ, વેડછીની સ્કોલરશિપ મેળવી હતી.
નીતાબહેન જણાવે છે કે તેમણે થોડો સમય નવસારીના એક સંગઠન માટે કામ કર્યું અને વર્ષ ૨૦૦૨માં આગાખાન ગ્રામીણ સહાયતા કાર્યક્રમ (ભારત)માં ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝરના પદ પર કાર્યરત થયાં. ત્યાંથી તેમને પ્રોજેક્ટ પર કંબોડિયા ગામમાં મોકલ્યાં. ત્યારે ઉંમર માત્ર ૨૩ વર્ષ હતી. આ ગામ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવે છે, જ્યાં લગભગ ૪૦૮ ઘરોમાં ૨૦૦૦ લોકો રહે છે. નીતા આ ગામમાં આવ્યાં ત્યારે અહીં પાણીની ગંભીર સમસ્યા હતી. તેમણે ગ્રામવાસીઓને વોટર સપ્લાય ચેઇન સ્થાપિત કરવાની યોજના બનાવવામાં સહાયતા કરી અને સ્વીકૃતિ માટે પંચાયતમાં મોકલી આપી, પરંતુ પંચાયતે તેમની યોજના નકારી કાઢી. પંચાયતના અસ્વીકાર બાદ પણ હિંમત હાર્યા વિના તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે પંચાયતને મનાવીને જ ઝંપ્યાં. તેને કારણે બસો ઘરોને નિયમિત પાણી પુરવઠો મળવા લાગ્યો.
આ સમય સુધી સ્થાનિક જળ કમિટીમાં મહિલાઓનો સમાવેશ નહોતો કરાયો, ખાસ્સા વિરોધ પછી પંચાયતે એક પ્રસ્તાવ પસાર કરીને મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય કર્યો. એક અન્ય ઉદાહરણમાં કિરલીની ગ્રામીણ મહિલાઓને મહિલા વિકાસ મંડળમાંથી હેન્ડપંપ માટે ભંડોળ મળવા છતાં, સરપંચે હેન્ડપંપ લગાડવા અનુમતિ આપી નહીં. સ્થાનિક લોકો અને નીતા પટેલના અવિરત પ્રયત્નોથી અંતે પંચાયતે માનવું જ પડ્યું અને ગ્રામવાસીઓને હેન્ડપંપની ભેટ મળી.
નીતા પટેલ દરરોજ એક ગામથી બીજે ગામ જાય છે. પોતાના બે પૈડાંના વાહન પર પહાડોને પાર કરતાં ક્યારેક તો ૮રથી ૯ર કિ.મી. દૂર આદિવાસીઓ સુધી પહોંચી જાય છે. ત્યાં તેઓ હજારો મહિલાઓને સંગઠિત કરે છે, પંચાયતો સાથે પાણીને લગતી સમસ્યાઓની ચર્ચા કરે છે, વોટર હાર્વેસ્ટિંગ સંરચનાઓ તૈયાર કરાવે છે અને વોટર કમિટી રચે છે. આદિવાસી વસ્તીઓના નિરીક્ષણથી નીતા પટેલે જાણ્યું કે નર્મદા અને ભરૂચના પહાડી ક્ષેત્રોમાં જૂનથી ઓક્ટોબર સુધી ભરપૂર વરસાદ થવા છતાં ત્યાં વૃક્ષો અને છોડવાઓ એટલા પ્રમાણમાં નથી. વરસાદનું પાણી નીચાણમાં જઈને નદીઓમાં ભળી જાય છે, જ્યારે ગામડાંઓને પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા નીતા પટેલે ૨૦૦૦ લોકોને ભેગા કરીને ૯૦,૦૦૦ વૃક્ષારોપણ કર્યાં! આજે એ નાનકડા છોડવાઓ ઘટાટોપ વૃક્ષો બની ગયાં છે. તેનાથી સ્થાનિક લોકોને ઈંધણનાં લાકડાં પણ મળી રહે છે. નીતા પટેલનું કહેવું છે કે ‘અમે ૧૯૯૭થી ૨૦૦૦ની વચ્ચે વન વિભાગના સહયોગથી ૩૦૦ હેક્ટર જમીનમાં છોડવાઓ વાવ્યા છે.’ લગભગ દસ વર્ષના કાર્યકાળમાં નીતા પટેલે ડાંગ જિલ્લામાં વહેતી પૂર્ણા, ખપરી, અંબિકા, ગીરા અને ધોધડ નદીઓ પર કેટલાય ચેકડેમ, ગ્રુપ વેલ, ચેક વોલ અને બોરીબંધ (રેતીની ગૂણીઓથી બંધાતો બંધ) ગ્રામવાસીઓ માટે તૈયાર કર્યા છે. ૨૦૧૩માં ડાંગ જિલ્લાના સુબીર બ્લોકનાં ગામડાંઓની પાણીની સમસ્યા દૂર કરવા, રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલા ચેક ડેમની એક ભારતીય બેન્ક પાસેથી મળેલી નાણાકીય મદદથી મરામત કરાવી. તેને કારણે ૨૫૦૦ ગ્રામવાસીઓની જરૂરિયાત સંતોષાય છે.
નીતા પટેલે કેટલાંક સંગઠનોની નાણાકીય સહાય અને ગ્રામવાસીઓના સ્વૈચ્છિક શ્રમની મદદથી લિફ્ટ સિંચાઈ યોજનાઓ શરૂ કરી છે, રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલા અને જૂના થઈ ગયેલા લગભગ અડતાલીસ ચેક ડેમની મરામત કરાવી છે. ડાંગ, નર્મદા અને ભરૂચનાં ગામડાંઓમાં પરિવારદીઠ ખેતીલાયક જમીન દસથી વીસ ગૂંઠા (ચાલીસ ગૂંઠા બરાબર એક એકર જમીન થાય)થી વધુ નથી. અહીં મોટા ભાગના લોકો ખરીફ પાકની ખેતી કરતા હોય છે. બાકીના મહિનાઓમાં નાનીમોટી નોકરી કરવા શહેરો તરફ પલાયન થાય છે. પંદર વર્ષ પહેલાં માત્ર બે ટકા ખેડૂતો રવિ પાકની વાવણી કરતા હતા, પણ આજે ગામવાસીઓના પ્રયત્નોથી આ સંખ્યા વધી છે. અહીંના લોકો પાણી માટે રોજ ત્રણથી ચાર કિ.મી. ચાલીને જતા હતા. ડાંગ જિલ્લાના અમસરપાડા, ચીખલી, પીપળાદેવી, સબરપાડા, જરાન અને હિંડલા જેવાં ગામોમાં માર્ચથી જૂન દરમ્યાન પાણીની ભારે સમસ્યા થતી હતી. નીતા પટેલની કોશિશોથી મહદંશે સમસ્યાઓ હલ થઈ છે અને તેનો સીધો પ્રભાવ જમીન, ભૂગર્ભ જળના સ્તર પર દેખાઈ આવે છે.
નીતા પટેલે ખાસ કરીને મહિલાઓને આ કર્યોમાં સામેલ કરી, કારણ કે પાણીની સમસ્યાનો સૌથી વધુ સામનો તેમણે જ કરવો પડે છે. તેમના પ્રયાસોથી કેટલાંય ગામડાંઓમાં મહિલાઓ દ્વારા સંચાલિત જળ સમિતિઓની સ્થાપના થઈ છે, જે પંચાયત સાથે મળીને પાણીની તકલીફોના ઉકેલ પર કામ કરે છે. ડાંગ જિલ્લામાં તેમણે ૨૯રર સભ્યો ધરાવતા ચાર મહિલા સશક્તીકરણ સમૂહ બનાવ્યા છે.
નીતાએ સોલાર સિંચાઈ પ્રણાલી અને અન્ય કૃષિ પ્રણાલીઓ વિકસિત કરી છે, જેનાથી વર્તમાનમાં ૨૩૦ ગામડાંઓના ૨૨,૦૦૦ પરિવારોને લાભ મળી રહ્યો છે. તેનાથી ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈ પણ થઈ રહી છે. તે ઉપરાંત જન ભાગીદારીથી વન વિકાસ કાર્ય, સોઇલ ટ્રીટમેન્ટનું કામ શરૂ કર્યું છે. મહિલાઓ દ્વારા ચલાવાતી પાણી યોજનાથી કમસે કમ પચીસ ગામડાંઓના જળ સ્તરમાં સુધાર આવ્યો છે.
નીતા પટેલ પોતાને મળેલી સફળતાનું શ્રેય લોકોના અપાર સમર્થનને આપે છે, જેમાં આદિવાસીઓ અને મહિલાઓ સામેલ છે. નીતા પટેલ દેશની ૪૧ મહિલાઓમાંથી એક છે જેમણે પાણી વિષે જાગૃતિ ફેલાવવાનું અને તેમાં સુધારા લાવવાનું કામ કર્યું છે. હાલમાં જ તેમને ભારત ખાતેના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં છે. તેઓ અંતે કહે છે કે ‘એ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે નાના નાના પ્રયાસોથી છેવાડાનાં ગામડાંઓની મહિલાઓ પણ સશક્ત થઈ છે અને તેમનામાં નિર્ણયો લેવાની કાબેલિયત આવી છે.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.