નિફ્ટી ૧૬,૧૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૩૦૩નું ગાબડું

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સની પ્રતીક્ષા વચ્ચે વિશ્ર્વબજારના સંકેત મિશ્ર રહેતા સતત ત્રીજા દિવસે શેરબજારમાં વેચવાલીનો માહોલ રહ્યો હતો અને આઇટી, રિઅલ્ટી તથા કેપિટલ ગૂડ્સ સેકટરના શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સમાં ૩૦૩ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું, જ્યારે નિફ્ટી ૧૬,૧૦૦ની નીચે લપસ્યો હતો.
સત્ર દરમિયાન ૫૩,૬૮૩ પોઇન્ટની નીચી અને ૫૪,૩૭૯.૫૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૩૦૩.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૫૬ ટકાના ઘટાડા સાથે ૫૩,૭૪૯.૨૬૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૯૯.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકાના ઘટાડા સાથે ૧૬,૦૨૫.૮૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
એશિયન પેઇન્ટસ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક, એ,સીએલ ટેકનોલોજી અને એમએન્ડએમ સેન્સેક્સના શેરોમાં સૌથી વધુ ધોવાણ નોંધાવી ટોપ લૂઝર બન્યા હતા. જ્યારે એનટીપીસી, ભારતી એરટલ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, નેસ્લે, આઇસીઆઇસીઆઇ બેન્ક અને આઇટીસી ટોપ ગેઇનર રહ્યાં હતાં. એશિયન પેઈન્ટ્સ ૮.૦૪ ટકા ઘટીને ૨૮૩૮.૪૦ પર બંધ રહ્યો હતો. ટીસીએસ ૩.૬૯ ટકા ઘટીને ૩૧૬૬.૬૦ પર બંધ રહ્યો હતો. જોકે એનટીપીસી, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, એચડીએફસી, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા.
એનટીપીસી ૩.૮૪ ટકા વધી ૧૫૨.૬૫ પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા ૧.૪૨ ટકા વધી ૧૯૦૭.૫૦ પર બંધ રહ્યો હતો.
આઇટીસીએ સાયન્સ, ટેકનોલોજી અને ઇજનેરી ક્ષેત્રે સંશોધન કાર્યમાં સહાય મેળવવા માટે દિલ્હી આઇઆઇટી સાથે સહયોગ સાધ્યો છે. જોન્સન એન્ડ જોન્સનના પ્રાઇવેટ લિમિટેડના ડિવિઝન જોન્સન એન્ડ જોન્સન વીઝન ઇન્ડિયા દ્વારા માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે પોતાની પ્રોડક્ટ એક્યુવ્યૂ માટે નવું કેમ્પેઇન દેખતે રહે જાઓગે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ એક્યુવ્યૂ કોન્ટેક્ટ લેન્સના વાસ્તવિક વપરાશકર્તાઓના જીવનની ઝલક
આપે છે.
એલેમ્બિક ફાર્માને ફેફસાને લગતી બિમારીના સારવાર માટેની પીરેફેનીડોન ટેમ્બ્લેટનું અમેરિકામાં વેચાણ કરવા માટે યુએસએફડીએની મંજૂરી મળી ગઈ છે. બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં આગામી સમયકાળ દરમિયાન વ્યાજ દર અંગે કેવા સંકેત મળે છે તેની પ્રતીક્ષામાં વિશ્ર્વબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું અને સ્થાનિક બજારમાં આગેકૂચ માટે કોઇપણ ટ્રીગર રહ્યું નથી. જો નિફ્ટી ૧૬,૦૦૦ની સપાટી તોડશે તો તે વધુ ઝડપથી નીચી સપાટીએ સરકશે. નિફ્ટી એશિયાઇ રિજનમાં સૌથી ખરાબ કામગીરી દર્શાવનાર બેન્ચમાર્ક બન્યો છે.
એશિયાઇ બજારોમાં હોંગકોંગ, શાંઘાઇ અને સિઓલમાં સુધારો હતો. ટોકિયોમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. યુરોપના બજારોમાં બપોરના સત્ર સુધી સુધારો રહ્યો હતો. મંગળવારે અમેરિકન બજારોમાં એકંદર નરમાઇ રહી હતી.
ઇન્ટરનેશનલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૩૭ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૧૧૫.૧ ડોલર બોલાયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી ચાલુ જ રહી હતી. એક્સચેન્જ પાસેથી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૨૩૯૩.૪૫ કરોડની વેચવાલી નોંધાવી હતી.
સેન્સેક્સમાં ૧૨ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૮ કંપનીઓ ઘટી હતી. બુધવારે માર્કેટ કેપ ૨૪૮.૨૭ કરોડ રહ્યું હતું, જે પાછલા સત્રમાં ૨૫૨.૧૧ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૬૨ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૮૦ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૯૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૨.૯૪ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૯૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૧૪ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૨૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૭૭ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૨.૬૦ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૯૫ ટકા ઘટ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં ફાઈનાન્સ ૦.૨૬ ટકા અને બેન્કેક્સ ૦.૨૧ ટકા વધ્યા હતા, જ્યારે બેઝિક મટિરિયલ્સ ૨.૨૫ ટકા, સીડીજીએસ ૨.૪૭ ટકા, એનર્જી ૧.૩૪ ટકા, એફએમસીજી ૦.૪૦ ટકા, હેલ્થકેર ૧.૫૧ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૨.૬૬ ટકા, આઈટી ૩.૧૯ ટકા, ટેલિકોમ ૧.૧૮ ટકા, યુટિલિટીઝ ૦.૭૦ ટકા, ઓટો ૦.૮૨ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૪૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪૦ ટકા, મેટલ ૧.૪૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૫૦ ટકા, પાવર ૦.૭૫ ટકા, રિયલ્ટી ૩.૦૨ ટકા અને ટેક ૨.૩૯ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની ૧ કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની ૨૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓને ઉપલી અને ૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.