(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઇન્ફલેશનની ચિંતા હળવી થવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં આવેલા એકંદર સુારા સાથે સ્થાનિક બજારમાં પણ લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો અને સપ્તાહના પહેલા દિવસે આઇટી, બેન્કિંગ અને એફએમસીજીની આગેવાની હેઠળ સેન્સેક્સે સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૫૩,૧૦૦ની સપાટી વટાવી હતી જ્યારે નિફ્ટીએ ૧૫,૮૦૦ની મહત્ત્વની સપાટી પાર કરી દીધી હતી. સત્ર દરમિયાન સેન્સેક્સ ૭૮૧.૫૨ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકાના સુધારા સાથે ૫૩,૫૦૯.૫૦ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૪૩૩.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૮૨ ટકાના સુધારા સાથે ૫૩,૧૬૧.૨૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટીએ ૧૩૨.૮૦ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકાના સુધારા સાથે ૧૫,૮૦૦ની સપાટી વટાવી ૧૫, ૮૩૨.૦૫ પોઇન્ટની સપાટી નોંધાવી હતી. પાછલા સત્રમાં સેન્સેક્સ ૪૩૨ પોઇન્ટ અને નિફ્ટી ૧૪૩ પોઇન્ટ ઊછળ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, એચસીએલ ટેકનોલોજી, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે ટોપ લુઝર્સ શેરોની યાદીમાં કોટક મહિન્દ્ર બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટનનો સમાવેશ હતો. ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે નિફ્ટી માટે ૧૫,૮૦૦ની સપાટી અત્યંત મહત્ત્વની છે. નિફ્ટીએ આ સપાટી વટાવી છે અને ટૂંકા ગાળે આગેકૂચના સંકેત છે, પરંતુ ઊંચા મથાળે વેચવાલી આવવાની સંભાવના જોતા આ બેન્ચમાર્કનું ઊંચી ઉપર ટકી રહેવું મુશ્કેલ જણાય છે. નિફ્ટી જો ૧૫,૯૦૦ની સપાટીની ઉપર મક્ક્મ ઉછાળો નોંધાવે તો જ તે ૧૬,૨૦૦ના નવા રેઝિસ્ટન્સ લેવલ સુધી આગળ વધી શકે, એમ તેમણે જણાવ્યું હતું જીઓજિતના વિનોદ નાયરે કહ્યું હતું કે તાજેતરના સત્રોમાં કોમોડિટીઝના ઘટી રહેલા ભાવને કારણે ઇક્વિટી બજારને ટેકો મળી રહ્યો છે.
અન્યત્ર શુક્રવારે અમેરિકાના શેરબજારોમાં આવેલા સુધારા પાછળ, એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપના શેરબજારોમાં પણ મધ્ય સત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ચોખ્ખી વેચવાલી ચાલુ જ રાખી છે. એક્સચેન્જ પાસેથી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૨૩૫૩.૭૭ કરોડની વેચવાલી નોંધાવી હતી. આંંતરરાષટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડનો ભાવ ૦.૧૩ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૧૧૨.૯૩ ડોલર બોલાયો હતો. જાહેર ક્ષેત્રની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)એ બોકારો કોલ ગેસ માટે ઓછામાં ઓછું ૧૭ ડોલરના ભાવનો આગ્રહ જાહેર કર્યો છે. કંપની ઝારખંડ સ્થિત પોતાના બોકારો સીબીએમ બ્વોકમાં ઉત્પાદિત કોલસામાંથી ગેસ બનાવવાની યોજના ધરાવે છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટીસીએસને આંધ્ર હાઉસિંગ ફાઇનાન્સ સાથે તેના બિઝનેસ પ્રોસેસ ટ્રાન્સફોર્મેશન માટે કરાર કર્યા છે. બજાજ ઓટોના બોર્ડે રૂ. ૨૫૦૦ કરોડના બાયબેકને મંજૂરી આપી છે. આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફની મોબાઇલ એપનું ડાઉનલોડિંગ એક મિલિયનનો માઇલસ્ટોન પાર કરી ગયું છે. કંપની અનુસાર ગ્રાહકો દ્વારા થતાં દર ચાર સર્વિસ વ્યવહારોમાંથી એક ખાનગી જીવન વીમા ઉદ્યોગમાં સૌથી ઊંચું રેટિંગ ધરાવતી એપ પૈકીની આ મોબાઇલ એપ પર થાય છે. મોબાઇલ એપ ગ્રાહકોના હાથમાં વર્ચ્યુઅલ બ્રાન્ચ જેવી છે, જે તેમને પ્રીમિયમની ચુકવણી, કોન્ટેક્ટની વિગતોનો અપડેટ, ક્લેમ વિશે જાણકારી આપવા સહિતની સર્વિસ આપે કરે છે.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૭ ટકા વધીને ૨૧,૯૯૧.૮૧ના સ્તર પર જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૭ ટકા વધારાની સાથે ૨૪,૯૦૫.૯૪ પર બંધ થયા છે. બેન્કિંગ, ઑટો, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૧-૨.૦૫ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૫૫ ટકાના વધારાની સાથે ૩૩,૮૧૧.૨૫ ના સ્તર પર બંધ થયા છે. અગ્રણી શેરોમાં ઓએનજીસી, કોલ ઈન્ડિયા, એલએન્ડટી, એચસીએલ ટેક, યુપીએલ, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ભારતી એરટેલ અને એશિયન પેંટ્સ ૨.૧૪-૩.૩૧ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે આઈશર મોટર્સ, અપોલો હોસ્પિટલ, એચડીએફસી લાઈફ, કોટક મહિન્દ્રા બેન્ક, બ્રિટાનિયા અને રિલાયન્સ ૦.૧૮-૧.૪૬ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
