નિખત ઝરીન: રૂઢિચુસ્ત સમાજને પંચ મારીને બની ગોલ્ડન ગર્લ

લાડકી

ફોકસ-પ્રથમેશ મહેતા

આજકાલ દુનિયામાં ભારત દેશનું વજન અને કદ બંને વધી રહ્યું છે. વિદેશ નીતિ હોય કે વ્યાપાર, ટેક્નોલોજી હોય કે ટ્રાન્સપોર્ટ, ભારત દરેક ક્ષેત્રે વિશ્ર્વ સાથે કદમ મિલાવીને તો ક્યારેક બે કદમ આગળ પણ રહે છે. ભારત તરફ જોવાની વિશ્ર્વની દૃષ્ટિમાં મોટું પરિવર્તન આવ્યું છે. સાથે સાથે ભારતવાસીઓમાં પણ એક વિશ્ર્વાસ પેદા થયો છે કે હમ ભી કુછ કમ નહીં!
એક ક્ષેત્ર કે જેમાં ભારતનો કોઈ ભાવ પણ પૂછતું નહોતું તે છે, ખેલ જગત. ક્રિકેટ સિવાય કોઈ પણ ખેલમાં ભારતનો વિશેષ કોઈ પ્રભાવ કે દબદબો રહ્યો હોય તેવું પાછલાં થોડાં વર્ષોમાં જોવા નહિ મળ્યું હોય, પણ હવે વિશ્ર્વ રમત મહોત્સવોમાં ભારતની નોંધ લેવાઈ રહી છે. ભારતે શરૂ કરેલા ‘ખેલો ઇન્ડિયા’ અને ‘મિશન ઓલિમ્પિક્સ’ અંતર્ગત ખેલાડીઓને મળતાં પ્રોત્સાહન અને ટ્રેઇનિંગનાં સારાં પરિણામો દેખાઈ રહ્યાં છે.
થોડાં વર્ષો પાછળ નજર કરીએ તો રમતના અલગ અલગ વિભાગમાં એક-બે નામ ગાજ્યાં હોય, પણ ગાજ્યા મેહ વરસે નહીંની જેમ તે સિવાય અન્ય ખેલાડીઓ ઝાઝું કાંઈ ઉકાળી ન શકે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં મિલ્ખા સિંહ અને પી. ટી. ઉષા, કુસ્તીમાં સુશીલ કુમાર અને ફોગાટ બહેનો, ટેનિસમાં લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ અને બોક્સિગંમાં મેરી કોમ. એ સિવાય અન્ય નામો તો આપણે રીતસરનાં ઈન્ટરનેટ પર સર્ચ કરવાં પડે તેવી સ્થિતિ છે!
પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે. જે રીતે ક્રિકેટમાં સચિન પછી કોણ? એવો પ્રશ્ર્ન કરીએ તો કોહલી હાજર હતો. ધોની પછી કોણ? કે કોહલી પછી કોણ? તે વિચારીએ તો પ્રતિભાશાળી ખેલાડીઓનું એક લાંબું લિસ્ટ સામે આવે. તેમ હવે અન્ય રમતોમાં પણ નવા ચહેરા દેખાવા લાગ્યા છે, જે માત્ર દેખાઈને અદૃશ્ય નથી થઇ જતાં, પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ જીતી લાવે છે.
ભારતના સફળ ખેલાડીઓમાં એકદમ તાજેતરમાં જે નવીનતમ નામ જોડાયું તે છે, નિખત ઝરીન. ઈસ્તંબૂલમાં યોજાયેલી મહિલાઓની વિશ્ર્વ બોક્સિગં ચેમ્પિયનશિપમાં ૫૨ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય ખેલ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે. તેની પહેલાં આ સિદ્ધિ જેની આર. એલ., લેખા કે. સી., સરિતા દેવી અને છ વખત ચેમ્પિયન રહેલી એમ. સી. મેરી કોમ, માત્ર ચાર મહિલા ખેલાડી મેળવી શકી છે. હવે નિખતનું નામ પણ તેમની સાથે લેવાશે. નોંધનીય વાત એ છે કે ફાઇનલ મુકાબલામાં નિખતે થાઈલેન્ડની ઓલિમ્પિયન ખેલાડી જૂટમસ જીતપોન્ગને જબરજસ્ત શિકસ્ત આપતાં ૫-૦થી જીત મેળવી.
નિખતની આ સિદ્ધિ સુધીની યાત્રા ઘણી દિલચસ્પ છે. બોક્સિગં રિંગમાં તે જે ફાઇટિંગ સ્પિરિટ બતાવે છે તેવો જ સ્પિરિટ તેની અહીં સુધીની યાત્રામાં પણ દેખાઈ આવે છે.
૫૨ કિ. ગ્રા. કેટેગરીમાં મેરી કોમનો દબદબો હતો. નિખત આ જ કેટેગરીમાં સ્પર્ધામાં ઊતરવા માગતી હતી. એક દંતકથા સમાન મેરી કોમ સામે પોતાને તક મળે એ માટે નિખતે બોક્સિગં ફેડરેશનને વિનંતી કરી કે ૫૨ કિ. ગ્રા. લાઇટ વેઇટ કેટેગરીમાં તેનો દાવો મેરી કોમ કરતાં વધુ મજબૂત છે એટલું જ નહીં, તે વખતનાં ખેલપ્રધાન કિરણ રિજિજુને એક સાર્વજનિક પ્લેટફોર્મ પર ખુલ્લો પત્ર લખીને નિખતે એક સમાન તક આપવાની વિનંતી કરી. કોઈએ ત્યારે મેરી કોમને નિખત બાબતે પૂછ્યું તો મેરી કોમે જવાબ આપતાં કહેલું કે ‘નિખત કોણ છે, હું તેને ઓળખતી પણ નથી.’
પણ મીડિયામાં આ વિષયે જોરદાર ચર્ચા બાદ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ટ્રાયલ્સ લેવાઈ જેમાં ઝરીને હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ઝરીનની પાંપણો ભીની હતી, એટલા માટે નહિ કે તે એક મુકાબલો હારી ગઈ, પણ એટલા માટે કે પોતે જેને આદર્શ માનતી હતી તે બોક્સરે તેના પર આવો કટાક્ષ કર્યો હતો. તે હચમચી ગઈ. સહુ જાણે છે કે મેરી કોમ ટોક્યો ઓલિમ્પિક્સથી ખાલી હાથે પછી આવી, જે સાવ અણધાર્યું તો નહોતું જ. (એ અલગ વાત છે કે હાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં એવો તર્ક આપ્યો કે તેને તો લાગ્યું હતું કે તે જીતી ગઈ છે.)
અહીંયાં મેરી કોમનો અધ્યાય સમાપ્ત થયો અને નિખતે એક નવા પાને શરૂઆત કરી. દિલ્હીમાં થયેલા એ કટાક્ષ બાદ અઢી વર્ષે નિખતે ઈસ્તંબૂલમાં જીતેલો ગોલ્ડ એ વાતની સાબિતી છે કે તે એક પંચથી હચમચી જાય તેવી નબળી ખેલાડી નથી! નિખતમાં બોક્સિગંની આક્રમકતા સાથે તેના શહેર હૈદરાબાદની શાલીનતા પણ છે, જે કદાચ તેની સફળતામાં
ભાગ ભજવે છે.
મેરી કોમના સંઘર્ષ અને સફળતા પર એક સફળ ફિલ્મ પણ બની ચૂકી છે. ભવિષ્યમાં નિખત એ ઊંચાઈ સુધી પહોંચશે કે નહીં તે તો સમય બતાવશે, પણ તેનો સંઘર્ષ ઓછો તો નહોતો જ. એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની દીકરી બોક્સિગં જેવી લડાયક રમત પસંદ કરે અને આગળ વધે એ કોઈ ફિલ્મી કહાણી જેવું નથી લાગતું?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.