નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

વેપાર વાણિજ્ય

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭ અને રૂ. ૪ વધી આવ્યા હતા. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨નો સુધારો આવ્યો હતો, જ્યારે તેની સામે ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટી આવ્યા હતા અને નિકસ માગે કોપરની અમુક વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબના ભાવમાં કિલોદીઠ રૂ. ૧નો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિક ધાતુ બજારમાં મુખ્યત્વે નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત એલૉય ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭ વધીને રૂ. ૧૯૧૭ અને રૂ. ૪ વધીને રૂ. ૧૯૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને રૂ. ૪૭૭ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૬૧૧ અને રૂ. ૫૨૬ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૨૧૪૨ના મથાળે રહ્યા હતા. આ સિવાય સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી. કોપર આર્મિચર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૦, રૂ. ૬૬૫, રૂ. ૬૬૦ અને રૂ. ૩૨૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એલ્યુમિનિયમ અને કોપર વાયરબારમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.